Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પહેલો વર્ગ શુષ્ક અધ્યાત્મીઓનો છે, બીજો વર્ગ પરલોકની શ્રદ્ધાથી શૂન્ય અને શાસ્ત્રઅધ્યયનથી નિરપેક્ષ વર્ગનો છે.
શુષ્ક અધ્યાત્મીઓ સ્વરૂપરમણતા કે આત્મગુણમાં સ્થિરતાને જ એક ચારિત્ર માને છે. પરંતુ તે કોને ? અને કયા ગુણસ્થાનકે હોય? તેનો વિવેક નહિ હોવાના કારણે, નથી સ્વરૂપ રમણતા પામી શકતા કે નથી સાવઘયોગની વિરતિ કરી શકતા : ઉભયથી ભ્રષ્ટ થાય છે. સંપૂર્ણ સ્વરૂપ રમણતા કે આત્મગુણસ્થિરતા સિદ્ધના જીવો સિવાય બીજાને હોઈ શકતી નથી. કેવળજ્ઞાનીઓને પણ અસિદ્ધત્વરૂપ ઔદયિકભાવ શાસ્ત્રકારોએ માનેલો છે. અને તેટલું સ્વરૂપ રમણ તેમને પણ ઓછું છે. એ સ્થિતિમાં સ્વરૂપરમણતાને જ ચારિત્રનું એક લક્ષણ માનવું, એ અજ્ઞાન અથવા મોહનો વિલાસ છે.
એ જ રીતે કેટલાક ચારિત્રનો અર્થ સભ્યતા કરે છે અને સભ્યતા એટલે મનુષ્ય મનુષ્યની સાથે યોગ્ય વ્યવહાર રાખવો, નીતિ પાળવી, સત્ય બોલવું, કોઈની સાથે ઠગાઈ કરવી નહિ, પાડોશીને ચાહવું, વગેરે વગેરે માને છે; પરંતુ આ ચારિત્ર નથી, પણ નીતિ છે; કેમકે તેની પાછળ મોટા ભાગે ઈહલૌકિક સ્વાર્થભાવના રહેલી હોય છે. નીતિ જો મોક્ષના આદર્શને અનુસરવાવાળી હોય તો તે જરૂરી છે, પરંતુ તેનાથી નિરપેક્ષ માત્ર દુન્યવી હેતુ પૂરતી હોય તો તેનું વિશેષ મહત્ત્વ નથી. ચારિત્રગુણ એથી ઘણો ઊંચો છે. તેની પાછળ આ લોકના સ્વાર્થને સાધવાનો જરા પણ ભાવ નથી. તે કેવળ મનુષ્યજાતિની ચિંતા કરીને અન્ય સકલ સૃષ્ટિના જીવો પ્રત્યે ઉપેક્ષા કે નિર્દયતા બતાવનાર સંકુચિત મનોદશા નથી. તેની પાછળ પોતાના કે બીજાના ઐહિક કે દૈહિક ઉપદ્રવોનો જ સ્વલ્પ કાળ માટે અંત આણવાની મનોવૃત્તિ નથી, કિંતુ સ્વપર ઉભયના સાર્વત્રિક અને સાર્વદિક શારીરિક-માનસિક-સર્વ પ્રકારનાં દુઃખોનો અંત આણવાની સર્વોત્કૃષ્ટ ભાવના છે, અને એ ભાવનાની સિદ્ધિ સાવદ્યયોગના વિરામથી અને નિરવદ્યયોગના આસેવનથી જ થઈ શકે છે.
- સાવઘયોગ એટલે પાપવાળો વ્યાપાર. પાપ અઢાર પ્રકારનાં છે. તેમાંથી એક પણ પાપ મન-વચન-કાયાથી સેવવું, સેવરાવવું કે સેવતાને સારું માનવું નહિ, એ જાતની જીવનપર્યત કે નિયતકાળ માટેની પ્રતિજ્ઞા એ સામાયિક છે અને એ જ વાસ્તવિક ચારિત્ર છે. એ ચારિત્રનું પાલન એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org