________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શયનખંડમાં નહીં કલ્પેલી એવી વિચિત્ર ઘટના બની ગઈ. થોડી ક્ષણોમાં જ મારું સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ ગયું. મેં જ બાંધેલું પાપકર્મ ક્ષેત્રપાલનું રૂપ કરીને શયનખંડમાં પ્રવેશ્ય. તેણે વિચાર્યું: “કંઈક કૌતુક કરીને... આ દંપતીનો સંયોગ ના થવા દઉં! બંધુદેવને ભ્રમમાં નાખું...' એ દેવે એક રૂપવાન પુરુષનું રૂપ કર્યું. બંધુદેવે તેને જોયો. પછી એ પુરુષરૂપધારી દેવ, જ્યાં હું ઊભી હતી, તે બારી આગળ આવીને બોલ્યો: ‘મારી પત્ની સર્વાંગસુંદરી આજે અહીં આવી છે શું?' અને એ અદૃશ્ય થઈ ગયો.
બંધુદેવે એ પુરુષને જોયો. એના શબ્દો સાંભળ્યા... અને એણે વિચાર્યું : “અહો, આ સ્ત્રી તો પહેલાં કોઈ પુરુષને પરણેલી છે... શીલભ્રષ્ટ છે. મેં એ પુરુષને પ્રત્યક્ષ જોયો.... અને એણે સર્વાંગસુંદરીને બોલાવી, એ પણ મેં સાંભળ્યું. ખરેખર, મેં આ કન્યા સાથે રાગ કર્યો, એની સાથે લગ્ન કર્યો, એ મોટી ભૂલ કરી..”
મારી પાસે મારી સખીઓ ઊભી હતી. તેઓ વાર્તા-વિનોદ કરતી હતી. બંધુદેવને પલંગમાં સુવાની તૈયારી કરતો જોઈને. સખીઓ હસતી હસતી શયનખંડની બહાર નીકળી ગઈ. મેં ધીરેથી શયનખંડનું દ્વાર બંધ કર્યું... હું પલંગમાં બેઠી અને બંધુદેવના પગ દબાવવા લાગી. તે એકદમ બેઠો થઈ ગયો. પલંગમાંથી નીચે ઊતરી ગયો, એના મુખ પર રોષ વ્યાપી ગયો હતો. હું તો ડઘાઈ જ ગઈ હતી... “અરે, આ શું થયું? મારી જીભ તાળવે ચોંટી ગઈ.. હું એમને કંઈ જ ના પૂછી શકી.... એ પુનઃ પલંગમાં સૂઈ ગયો. હું જમીન પર બેસી રહી... નિદ્રા મારી વેરણ બની ગઈ... હું અનેક વિકલ્પોમાં જકડાઈ ગઈ. અસહ્ય માનસિક વેદના મેં સહન કરી. નરકની વેદના જેવી વેદના મેં સહન કરી.
પ્રભાતે જ્યારે મારી સખીઓ આવી ત્યારે બંધુદેવ શયનખંડની બહાર ચાલ્યો ગયો. સખીઓ શયનખંડમાં આવી. મને જમીનપર બેઠેલી જોઈ. મારી આંખોમાં આંસુ જોયાં અને મારા મુખ પર પથરાયેલો વિષાદ જોયો. સખીઓનું હાસ્ય સુકાઈ ગયું. તેઓ મને ઘેરી વળી અને પૂછુયું:
સ્વામિની, આમ ઉદાસીન કેમ છો?” એકે પૂછ્યું. આંખમાં આંસુ કેમ છે?' બીજીએ પૂછયું. ‘આ રીતે જમીન પર કેમ બેઠાં છો?' ત્રીજીએ પૂછ્યું.
હું મૌન રહી. સખીઓનાં મુખ કરમાઈ ગયાં. તેઓનો સ્વર ગગદ થઈ ગયો... હું શું જવાબ આપું? મને બંધુદેવે, મારા પ્રત્યે નિઃસ્નેહી બનવાનું કોઈ કારણ જ કહ્યું ન હતું! આ તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી મેં જાણ્યું. હું સખીઓને શું કહું? છતાં તેમણે કારણ જાણવાનો આગ્રહ ચાલુ રાખ્યો ત્યારે મેં કહ્યું: “હે સખીઓ, હું કંઈ જ જાણતી નથી. મારું ભાગ્યે જ એવું લાગે છે... કોઈ કારણ વિના એમણે મારો ત્યાગ કર્યો છે.' શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭
For Private And Personal Use Only