________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંવર દ્વાર
૧૨૯
છઠ્ઠા અધિકારનો સાર પૂર્વ અધિકારમાં કહેતા આવ્યા છીએ કે મિથ્યાત્વ જ આસ્રવ છે, તેથી આસ્રવનો નિરોધ અર્થાત્ સમ્યકત્વ તે સંવર છે. આ સંવર નિર્જરાનું અને અનુક્રમે મોક્ષનું કારણ છે. જ્યારે આત્મા સ્વયંબુદ્ધિથી અથવા શ્રીગુરુના ઉપદેશ આદિથી આત્મા-અનાત્માનું ભેદવિજ્ઞાન અથવા સ્વભાવ-વિભાવની ઓળખાણ કરે છે ત્યારે સમ્યગ્દર્શનગુણ પ્રગટ થાય છે. સ્વને સ્વ અને પરને પર જાણવું એનું જ નામ ભેદવિજ્ઞાન છે, એને જ સ્વ- પરનો વિવેક કહે છે. “તાસુ જ્ઞાનકો કારન સ્વ-પર વિવેક બખાનૌ” અર્થાત્ ભેદવિજ્ઞાન સમ્યગ્દર્શનનું કારણ છે. જેવી રીતે કપડાં સાફ કરવામાં સાબુ સહાયક બને છે તેવી જ રીતે સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં ભેદવિજ્ઞાન સહાયક થાય છે અને જ્યારે કપડાં સાફ થઈ જાય ત્યારે સાબુનું કાંઈ કામ રહેતું નથી અને સાબુ હોય તો એક ભાર જ લાગે છે, તેવી જ રીતે સમ્યગ્દર્શન થયા પછી જ્યારે સ્વ-પરના વિકલ્પની આવશ્યકતા નથી રહેતી ત્યારે ભેદવિજ્ઞાન હેય જ હોય છે. ભાવ એ છે કે ભેદવિજ્ઞાન પ્રથમ અવસ્થામાં ઉપાદેય છે અને સમ્યગ્દર્શન નિર્મળ થયા પછી તેનું કાંઈ કામ નથી, હેય છે. ભેદવિજ્ઞાન જોકે હેય છે તોપણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ હોવાથી ઉપાદેય છે, તેથી સ્વગુણ અને પરગુણની ઓળખાણ કરીને પર-પરિણતિથી વિરક્ત થવું જોઈએ અને શુદ્ધ અનુભવનો અભ્યાસ કરીને સમતાભાવ ગ્રહણ કરવો જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com