________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४०८
સમયસાર નાટક તેરમા અધિકારનો સાર જેવી રીતે સફેદ વસ્ત્ર ઉપર જુદા જુદા રંગોનું નિમિત્ત મળવાથી તે અનેકાકાર થાય છે, તેવી જ રીતે શુદ્ધબુદ્ધ આત્મા સાથે અનાદિકાળથી મોટું અને યોગનો સંબંધ હોવાથી તેની સંસારી દશામાં, અનેક અવસ્થાઓ થાય છે, તેમનું જ નામ ગુણસ્થાન છે. જોકે તે અનેક છે પણ શિષ્યોને સંબોધવા માટે શ્રીગુરુએ ૧૪ બતાવ્યા છે. આ ગુણસ્થાન જીવના સ્વભાવ નથી, પણ અજીવમાં હોતા નથી, જીવમાં જ હોય છે તેથી જીવના વિભાવ છે અથવા એમ કહેવું જોઈએ કે વ્યવહારનયથી ગુણસ્થાનોની અપેક્ષાએ સંસારી જીવોના ચૌદ ભેદ છે.
પહેલા ગુણસ્થાનમાં મિથ્યાત્વ, બીજામાં અનંતાનુબંધી, ત્રીજામાં મિશ્રમોહનીયનો ઉદય મુખ્યપણે રહે છે અને ચોથા ગુણસ્થાનમાં મિથ્યાત્વ, અનંતાનુબંધી અને મિશ્રમોનીયનો, પાંચમામાં અપ્રત્યાખ્યાનાવરણીયનો, છઠ્ઠામાં પ્રત્યાખ્યાનાવરણીયનો અનુદય રહે છે. સાતમા, આઠમા અને નવમામાં સંજ્વલનનો ક્રમપૂર્વક મંદ, મંદતર અને મંદતમ ઉદય રહે છે. દસમામાં સંજ્વલન સૂક્ષ્મલોભ માત્રનો ઉદય અને અન્ય સર્વમોહનો ક્ષય છે. અગિયારમામાં સર્વમોહનો ઉપશમ અને બારમામાં સર્વ મોહનો ક્ષય છે. અહીં સુધી છદ્મસ્થ અવસ્થા છે, કેવળજ્ઞાનનો વિકાસ નથી. તેરમામાં પૂર્ણજ્ઞાન છે પરંતુ યોગો દ્વારા આત્મપ્રદેશ સકંપ હોય છે, અને ચૌદમાં ગુણસ્થાનમાં કેવળજ્ઞાની પ્રભુના આત્મપ્રદેશ પણ સ્થિર થઈ જાય છે. બધા ગુણસ્થાનોમાં જીવ સદેહ રહે છે, સિદ્ધ ભગવાન ગુણસ્થાનોની કલ્પનાથી રહિત છે, તેથી ગુણસ્થાન જીવનું નિજ સ્વરૂપ નથી, પર છે, પરજનિત છે, એમ જાણીને ગુણસ્થાનોના વિકલ્પોથી રહિત શુદ્ધ બુદ્ધ આત્માનો અનુભવ કરવો જોઈએ.
૧. વિગ્રહગતિમાં કાર્માણ અને તૈજસ શરીરનો સંબંધ રહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com