________________
૧૭૨ ]
[ મહામણિ ચિંતામણિ
ત્યાં તો મનમાં વિચાર ઝબૂકે છે કે, જો આમની સાથેના વાદમાં મારો વિજય થઇ જાય તો હું ત્રિભુવનમાં પંડિતમૂર્ધન્ય બની જાઉં. વળી એ મારું નામ જાણે એમાં શું આશ્ચર્ય ? આબાલવૃદ્ધપ્રસિદ્ધ મારા નામને ન જાણનારો આ જગતમાં છે કોણ ? પણ મારા મનમાં રહેલો ‘જીવ વિષયક સંદેહ’ કે જે મેં આજ સુધી કોઇનેય કહ્યો નથી તે જો કહી દે તો હું એમને સર્વજ્ઞ તરીકે માનવા તૈયાર છું.
અને ત્યાં જ ભગવાનના મુખેથી નીકળતી અમૃતઝરતી વાણી સંભળાય છે—જો નીવ સંશય:' હે મહાનુભાવ! શું તને જીવનો સંશય છે? પણ વિજ્ઞાનઘન ઇત્યાદિ વેદપદોનો અર્થ યથાર્થપણે તું જાણીશ તો તારો સંશય રહેશે નહીં. પ્રભુએ સમજાવેલા વેદપદોના અર્થને સાંભળી પ્રતિબોધ પામેલા ઇન્દ્રભૂતિએ ભગવાનનું શિષ્યત્વ સ્વીકાર્યું. તેઓ એકલાએ નહિ, પાંચસો શિષ્યોના પિ૨વા૨ સાથે. અને પછી તો અગ્નિભૂતિ અને વાયુભૂતિ પણ પોતાના બે ભાઇઓ તથા બીજા પણ આઠ પંડિતપ્રવરો પોતાના પરિવારના ૪૪૦૦ છાત્રો સાથે ત્યાં આવ્યા ને ભગવાનના શિષ્ય બન્યા. ભગવાને મુખ્ય ૧૧ બ્રાહ્મણોને ગણધરપદે સ્થાપ્યા અને તીર્થ-સ્થાપના કરી.
એ અગિયારમાં મુખ્ય ઇન્દ્રભૂતિ દીક્ષા સ્વીકારી ત્યારથી જ ભગવાનની અખંડ સેવા-શુશ્રુષા કરનારા તથા તેઓની આજ્ઞાનું અણિશુદ્ધ પાલન કરનારા બન્યા.
અહીં ભગવાનનું શિષ્યત્વ સ્વીકાર્યા પહેલાં ઇન્દ્રભૂતિનું જે ચિત્ર આપણી નજર સામે તરવરે છે તેના કરતાં સાવ જુદું જ ચિત્ર સંયમ સ્વીકાર્યા પછી આપણને જોવા મળે છે, બંને બાજુ જાણે અંતિમનાં દર્શન. પહેલાં અભિમાનની પરાકાષ્ઠા તો પછી વિનયની ચરમસીમા. પ્રભુ વીરના તેઓ એવા આજીવન સમર્પિત શિષ્ય બની રહ્યા કે જેની કોઇની પણ સાથે ઉપમા ન આપી શકાય. તેઓ વયમાં ભગવાન મહાવીર કરતાં મોટા હોવા છતાં ભગવાન પ્રત્યેનો તેમનો વ્યવહાર નાના બાળક જેવો જ હતો. અનન્ય પરોપકાર ગુણ
જૈન શાસ્ત્રોમાં પાને પાને ગુરુ ગૌતમસ્વામીમાં છલોછલ ભરેલો પરોપકારભાવ દૃષ્ટિગોચર થાય છે.
કોઇ પણ જીવ ગમે તે રીતે પણ બોધ પામતો હોય—માર્ગે આવતો હોય તો તેઓ ગમે તેટલું કષ્ટ વેઠવા તૈયાર હોય. પોતે પચાસ હજાર શિષ્યોના ગુરુ હોવા છતાં આ પરોપકારગુણના કારણે જ ગોચરી માટે જાતે જતા. એમાં તો પેલા અઇયુત્તાકુમાર પ્રતિબોધ પામીને તરી ગયા. તેમના કરકમલથી દીક્ષિત થનારનો બેડો પાર થયા વગર રહે જ નહિ—જાણે એમના હાથથી દીક્ષા એ મોક્ષનો પરવાનો જ સમજી લ્યો.
કોઇ પણ જીવ ભગવાન પાસે આવે તો તરત એમના મનમાં એમ જ થાય કે આ જીવ બોધ પામી જાય તો કેવું સારું ! અને અવસર જોઇને ભગવાનને પૂછી પણ લેતા કે, પ્રભો ! એ બોધ પામી, ઘરબાર છોડી સાધુતાનો સ્વીકાર કરશે કે કેમ ? અને જ્યારે ભગવાન એમ કહે કે, હા ગૌતમ ! એ સંયમનો સ્વીકા૨ ક૨શે; તો તો એ સાંભળીને રાજીના રેડ થઇ જતા. અને એ વ્યક્તિ પ્રત્યે એવા તો ઓળઘોળ થઇ જતા કે એને સ્નેહ, સદ્ભાવ અને વાત્સલ્યના ઓઘથી નવરાવી દેતા.
શ્રી સ્કંદક પરિવ્રાજકના પ્રસંગમાં આપણને એ સ્પષ્ટ જાણવા મળે છે.