________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૧૭૧
અદ્ભુત વ્યક્તિત્વના સ્વામી
ગુરુ ગૌતમ
[આકરગ્રંથનું એક અવલોકન] – સૌમ્યમૂર્તિ . શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.ના શિષ્ય
- અ. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ અદ્ભુત હતું તેમનું વ્યક્તિત્વ.
તેમનામાં રહેલી વિરલ વિશેષતાઓને જોનાર-સાંભળનાર આશ્ચર્યચકિત થયા વગર ન જ રહે. તેમનામાં રહેલું અભિમાન બોધમાં નિમિત્ત બન્યું. રાગ ગુરુભક્તિ માટે થયો અને વિષાદ કેવળજ્ઞાનને ઉત્પન્ન કરવામાં કારણ બન્યો. જેમ આ અવસર્પિણીના ચોવીશ તીર્થંકર પરમાત્માઓ પૈકી ત્રેવીસમા તીર્થંકર પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાન પુરુષાદાનીય તરીકે ગણાય છે અને તેથી જ વર્તમાનમાં શ્રી મહાવીર પરમાત્માનું શાસન પ્રવર્તતું હોવા છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે લોકોની વિશેષ શ્રદ્ધા-ભક્તિ કેળવાયેલાં દેખાય છે એવી જ રીતે ભગવાન મહાવીરના અગિયાર ગણધર ભગવંતો પૈકી પહેલા ગણધર શ્રી ગૌતમસ્વામી મહારાજ પ્રત્યે લોકોની અપૂર્વ શ્રદ્ધા-ભક્તિ જોતાં એમને પણ શું આદેય નામકર્મનો પ્રબળ ઉદય તો નહિ હોય ને, એવું અનુમાન કરવા મન લલચાય છે.
| અપૂર્વ વિનયગુણ ગુરુ ગૌતમસ્વામીમાં રહેલો વિનયગુણ અનુપમ કોટિનો હતો. કોઇની સાથે એમની સરખામણી થઈ જ ન શકે. ભગવાન મહાવીરના સમાગમ પહેલાં અભિમાનની મૂર્તિસમા લાગતા ઇન્દ્રભૂતિ ભગવાનના સમાગમ પછી સાવ જ બદલાઈ ગયા. એમના પરિચયમાં આવેલો કોઈ એમ ન કહી શકે કે આ એ જ ઇન્દ્રભૂતિ છે.
ઉપા. શ્રી વિનયવિજયજી મહારાજે શ્રી કલ્પસૂત્રની સુબોધિકા વૃત્તિમાં એમની મનઃસ્થિતિનું તબક્કાવાર સુંદર ચિત્ર રજૂ કર્યું છે. ઋજુવાલિકા નદીના કિનારે કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી દેવતાઓએ સમવસરણની રચના કરી. તેમાં બિરાજીને ભગવાને ધર્મદેશના ફરમાવી. ત્યાં કોઇને વિરતિપરિણામ ન જાગતાં તે દેશના નિષ્ફળ તરીકે ગણાઈ. ત્યાંથી વિહાર કરી પ્રભુ વીરા અપાપાપુરીના મહાસન વનમાં પધાર્યા. દેવોએ ત્યાં જ સમવસરણ રચ્યું. લોકોના ટોળેટોળાં ઊમટ્યાં દર્શન કરવા, જતાં-આવતાં લોકોના મુખેથી કોઇક સર્વજ્ઞ આવ્યા છે ને તેને વંદન કરવા સૌ જઈ રહ્યાં છે આવું સાંભળતાં જ સૌમિલ બ્રાહ્મણને ત્યાં યજ્ઞ માટે આવેલા ઇન્દ્રભૂતિના મનમાં અભિમાનનો કીડો સળવળ્યો, “મારા જેવો સર્વજ્ઞ હોવા છતાં કોણ બીજો એવો છે કે જે સર્વજ્ઞ તરીકે પોતાને
ઓળખાવે છે.” આવા વિચારથી એમના મનમાં જાગેલી ગર્વની ભાવના ઉત્તરોત્તર આગળ વધતાં વધતાં ભગવાનના મુખમાંથી પોતાનું નામ સાંભળતાં છેક ટોચે પહોંચે છે.