________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૯૫
પ્રભાવ! આપણે મંત્રોથી જે દેવોનું આહ્વાન કરીએ છીએ તે જ દેવો પોતે જ સીધા આપણા યજ્ઞમંડપમાં ઊતરી આવે છે.
બ્રાહ્મણો આકાશ સામે તાકી, દેવોના સમૂહ યજ્ઞમંડપમાં ઊતરે તેની રાહ જોતા હતા, પરંતુ દેવો તો મહસેનવનમાં પ્રભુ મહાવીર હતા તે તરફ જવા લાગ્યા, તેથી બ્રાહ્મણ પંડિતોનાં મોં પડી ગયાં. તે વખતે કોઈ બોલી ઊઠ્ય : આ દેવો તો “સર્વજ્ઞ મહાવીર પ્રભુને વંદન કરવા જાય છે.
‘સર્વજ્ઞ' શબ્દ સાંભળતાં જ પંડિત ઇન્દ્રભૂતિના હૃદયમાં ક્રોધાગ્નિ સળગી ઊઠ્યો. મારા સિવાય આ પૃથ્વીના પટ પર બીજો સર્વજ્ઞ હોઈ શકે ખરો? લોકો જેને સર્વજ્ઞ કહે છે તે કોઈ જબરજસ્ત ધુતારો હોવો જોઈએ, કેમ કે ઠગ માણસને કદાચ છેતરી શકે, પણ બુદ્ધિશાળી દેવો આવી ભૂલ કરે ખરા? અમારા પવિત્ર યજ્ઞમંડપને છોડી, મને સર્વજ્ઞને છોડી દેવો સીધા ત્યાં કેમ ચાલ્યા ગયા? ખરેખર, દેવોને પણ છેતરનાર આ કોઈ પાકો પાખંડી હોવો જોઈએ ! નહીંતર નિર્મળ જળને છોડી જનાર કાગડાની પેઠે, અગાધ જળથી ભરેલા સરોવરને છોડી જનાર દેડકાની પેઠે, સુગંધી ચંદનને છોડી જનાર માખીઓની પેઠે, સ્વાદિષ્ટ ફળવાળા સુંદર વૃક્ષને છોડી જનાર ઊંટની પેઠે, મિષ્ટ દૂધપાક છોડી દેનાર ભૂંડની પેઠે, અને સૂર્યના ઝળહળતા પ્રકાશને છોડી દેનાર ઘુવડની પેઠે, ભ્રાંતિ પામેલા આ દેવતાઓ પવિત્ર યજ્ઞમંડપને છોડી, એ પાખંડી પાસે કેમ ચાલ્યા જાય ?
અથવા તો જેવો આ સર્વજ્ઞ, તેવા જ તેના આ દેવ પણ હશે! સરખે-સરખાનો આ ઠીક મેળાપ થયો!
આંબાના સુગંધી મ્હોર ઉપર, સુગંધના પીછાણનારા વિચક્ષણ ભમરાઓ જ ગુંજારવ કરતા એકઠા થાય; બાકી કાગડા તો કડવો લીમડો જ પસંદ કરે ! આ પ્રમાણે ઉત્તમોત્તમ પવિત્ર યજ્ઞમંડપમાં સમર્થ, સમજુ અને વિચક્ષણ દેવો જ પધરામણી કરે; બાકી તો હલકા અને અણસમજુ છે દેવો, કોઈ આડંબરી કે પાખંડી ધુતારા પાસે જાય, તેમાં શું આશ્ચર્ય?
જેવો યજ્ઞ હોય તેવા જ તેને બલિ મળે એ સ્વાભાવિક છે. આ રીતે પોતાના મનને મનાવવા છતાં, ઇન્દ્રભૂતિને વીર પ્રભુના સર્વણપણાનો ઝળહળી રહેલો પ્રભાવ અસહ્ય લાગ્યો. વારંવાર તે આ વિષે વિચારવા લાગ્યો :
“શું એક જ આકાશમાં બે સૂર્ય હોઈ શકે? એક જ ગુફામાં બે સિંહ પાસે-પાસે રહી શકે ? એક જ મ્યાનમાં બે તલવાર કોઈ દિવસ રહી જાણી છે? તો પછી, એક તો હું અને બીજા તે, એમ બે સર્વજ્ઞ શી રીતે હોઈ શકે? ખરેખર, આ કોઈ પરદેશથી આવી ચડેલો, સર્વશપણાનો ખોટો ડોળ રાખનાર, લોકોને તો ઠીક, દેવોને પણ છેતરનાર કોઈ ભયંકર ધૂર્ત ઇન્દ્રજળિયો જણાય છે!”
પ્રભુને વંદન કરી પાછા ફરતાં લોકોને ઇન્દ્રભૂતિ હસતાં-હસતાં પૂછે છે ? તમે તે સર્વજ્ઞને જોયો ? કહો તો ખરા કે એ સર્વજ્ઞ કેવો છે? તેનાં રૂપ-ગુણ વિશે કંઈક તો કહો.
લોકો તો ઇન્દ્રભૂતિને એકી અવાજે કહેવા લાગ્યા : ભાઈ! જો ત્રણે જગતના જીવો એકઠા થાય, અને તેમના આયુષ્યની સમાપ્તિ થાય ત્યાં સુધી ગાયા કરે તો પણ આ સર્વજ્ઞ પ્રભુના ગુણો