________________
૬૦૦ ]
[ મહામણિ ચિંતામણિ
વાત થાય, જ્ઞાન, ધર્મ અને અધ્યાત્મસાધનાની સતત રટણા ચાલે. ગોચરી લાવીને આહાર કરવાની કોઈ ઉતાવળ નહીં આવ્યા પછી પણ ભગવાન મહાવીરને પ્રણામ કરે. પછી સંઘનાં સાધુ-સાધ્વીને કહે કે, “આ ગોચરીમાંથી કંઇક લો અને મને તારો !” જ્ઞાનના સાગર અને લબ્ધિઓના સ્વામીની આ કેટલી મહાન વિનમ્રતા !
પોતાના હાથે વસ્ત્રાદિનું પડિલેહણ કરતા. સૌથી વડા હોવા છતાં સતત સ્વાવલંબન પર નિર્ભર રહેતા. પ્રથમ પહોરમાં સ્વાધ્યાય, બીજા પહોરમાં ધ્યાન અને ત્રીજા પહોરમાં જાતે ભિક્ષાપાત્રની પડિલેહણ કરીને ગોચરી માટે સામાન્ય ભિક્ષુકની માફક ભ્રમણ કરતા અને જે કાંઈ લુખો સૂકો આહાર મળે તે પ્રસન્નતાથી આરોગતા. ગોચરી કે ભોજન જેવા કાર્ય માટે એક પ્રહરથી અધિક સમય વ્યય ન થાય તેનું ધ્યાન રાખતા. ચોથા પ્રહરમાં સ્વાધ્યાયમાં ડૂબી જતા. આમ જ્ઞાન અને તપ, વિચાર અને આચાર, સામર્થ્ય અને નમ્રતાનો વિરલ સંયોગ ગુરુ ગૌતમસ્વામીમાં હતો. જ્યાં તેઓ હોય ત્યાં સ્નેહ, સૌજન્ય, આનંદ અને પ્રસન્નતા વ્યાપી જતાં.
ગુરુ ગૌતમસ્વામીએ જે સમયે દીક્ષા લીધી તે પળથી જ સાધના અને શાસનપ્રભાવના એ બે એમનાં જીવન કાર્ય બન્યાં. તેઓ પોતાના પરિચયમાં કદી એમ નહીં કહેતા કે “હું ચૌદપૂર્વી છું. હું ચૌદ હજાર શ્રમણ અને છત્રીસ હજાર શ્રમણીઓનો પ્રમુખ ગણધર છું. હું અવધિ અને મન:પર્યવજ્ઞાની છું. હું લબ્ધિઓનો સ્વામી છું.” પોતાનો પરિચય એટલો જ આપતા કે—હું શ્રમણ ભગવાન મહાવીરનો શિષ્ય છું.” ન કોઈ સન્માનની ભૂખ, ન કોઈ માનની આકાંક્ષા, અહમૂનું અનેરું વિગલન એમના વ્યક્તિત્વમાં થયું હતું. ખબર પડે કે સંઘનો કોઈ સાધુ કે સાધ્વી કષ્ટમાં છે, બીમાર છે, તો તરત જ ગૌતમ સૌથી પહેલા ત્યાં ઉપસ્થિત થઈ જતા.
આ ગૌતમ પોતાના પૂર્વજીવનમાં પંડિત ઇન્દ્રભૂતિ હતા. વેદવિદ્યામાં પારંગત હતા. પાંચસો તો એમના શિષ્ય હતા. એ ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરને જીતવા નીકળે છે, પણ મહાવીરના જ્ઞાન અને તેની આગળ તેઓ જિતાઈ જાય છે. ઇન્દ્રભૂતિ ગૌતમ અને એમના ભાઈ અગ્નિભૂતિ, વાયુભૂતિ અને બીજા આઠ પંડિતો ભગવાન મહાવીરને પરાજિત કરવા આવે છે પરંતુ ભગવાન મહાવીરના પ્રભાવથી પ્રભાવિત થઇને અને તેઓ સાચા સર્વજ્ઞ છે એમ માનીને પોતપોતાની શંકાઓનું સમાધાન મેળવીને પોતાના શિષ્યો સાથે ભગવાન પાસે રક્ષિત થઇ જાય છે. આ અગિયાર પંડિતો સાથેનો ભગવાન મહાવીરનો વાર્તાલાપ “ગણધરવાદ”ને નામે ઓળખાય છે, જેમાં જૈન દર્શનનો સમગ્ર નિચોડ સમાયેલો છે.
ગૌતમનો આ દીક્ષા-પ્રસંગ ઈ. સ. પૂર્વે ૫00ના વૈશાખ સુદિ ૧૧ના દિવસે બન્યો. અગિયાર પંડિતોને ગણધરપદે સ્થાપ્યા. એ પંડિતોના ૪૪૦૦ જેટલા શિષ્યો પણ દીક્ષિત બનીને ભગવાનના શ્રમણસંઘને સમૃદ્ધ બનાવી રહ્યા. આ દિવસે રાજકુમારી ચંદના આદિ અનેક રાજકુમારીઓએ દીક્ષા ગ્રહણ કરી. એ વખતે ગુરુ ગૌતમની ઉંમર પચાસ વર્ષની હતી. તેઓ ભગવાન મહાવીરથી વયમાં આઠ વર્ષ મોટા હતા; પણ આગમસાહિત્ય દર્શાવે છે કે જેવી કોઈ જિજ્ઞાસા ગુરુ ગૌતમને થતી કે તરત જ ભગવાન મહાવીર પાસે જઈને સમાધાન મેળવી લેતા. ગુરુ પ્રત્યેની સમણિશીલ ભક્તિનું એક મહાન શિખર છે ગણધર ગૌતમસ્વામીનું. ચાર જ્ઞાનના ધારક હોવા છતાં તેઓ દરેક બાબતમાં ગુરુને પ્રમાણ લેખે છે.