________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૪૫
પણ આજ સુધી સૌંદર્ય તો હતું જ, હવે તેમાં ભક્તિનો પ્રવેશ થયો. અલબત્ત વિશેષપણે, જો ભાષા કવિતાનું વાહન હતી, તો કવિતા ભક્તિનું વાહન બની.
ભક્તિ જેમ-જેમ કાઠું કાઢતી ગઇ તેમ-તેમ તેણે નવા-નવા વિષયો પર પોતાની પસંદગી ઉતારવા માંડી. અને એ સાથે જ, સ્થળ, કાળ તેમ જ ભાષાના સીમાડા ઓળંગીને, કવિની કવિતાના માધ્યમે, પ્રાચીન-અર્વાચીન જનમાન્ય અને રાષ્ટ્રમાન્ય મહાપુરુષો તથા ધર્મપુરુષોનાં જીવન-કવનનું શ્રદ્ધાભર્યું ભક્તિગાન સવિશેષ આરંભાયું. એના ફલસ્વરૂપે પ્રેમાનંદ ને શામળ જેવા અનેક ભક્ત આખ્યાનકારોની ભેટ ભારતને મળી.
જ્યારે સમગ્ર ધર્મ-સમાજ ભક્તિના મહિમામાં નહાતો હોય ત્યારે, સમકાલીન જૈનસમાજ' તેમાંથી કઇ રીતે નિર્લેપ રહી શકે ? જેની પાસે સાત્ત્વિક ભક્તિનો ઉમદા અને આગવો પરંપરાપ્રાપ્ત વારસો છે તેવા એ સમાજમાં પણ અનેક ભક્તકવિઓ પાક્યા અને બહાર આવ્યા. એમનાં કાવ્યો—જેના વિવિધ પ્રકારો છે–માંની ભક્તિને, શબ્દ અને અર્થના અલંકારો, પ્રસાદ-ઓજ-માધુર્ય વગેરે ગુણો, ઉત્તમ કોટિની ગેયતા, નવરસ ઝરતી બાની, આ બધું તો મળ્યું જ; પણ એ ઉપરાંત બે વાનાં એવાં મળ્યાં કે જે એમનાં કાવ્યોને એ દ્વારા એ કવિઓને જનસાધારણના હૈયામાં ચિરસ્થાયી બનાવવામાં કામયાબ નીવડ્યાં. એ બે વાનાં તે આ ઃ ૧. લોકભાષા, જે સામાન્ય-અભણ માનવી પણ સમજી શકે અને હોંશભેર ગાઇ શકે, ૨. લોકોને પ્રિય એવા પ્રચલિત ઢાળોમાં, પ્રસિદ્ધ તેમ જ પ્રભાવક ધર્મપુરુષોની (ક્યારેક અન્ય ઇતિહાસ-પુરુષોની પણ) અને ધર્મતીર્થોની સ્તુતિ, તેમની જીવનઘટનાઓનું વર્ણન તેમ જ ધર્મોપદેશ.
હા, એ જૈન કવિઓના કાવ્યવિષયો મુખ્યત્વે આ રહેતા. કેમ કે મહદંશે એ કવિઓ જૈન મુનિઓ હતા. કેટલાક ગૃહસ્થ કવિઓ પણ થયા, પણ તેઓ પણ મુખ્યત્વે આ જ વિષયોને વળગી રહ્યા હોય એવું લાગે છે, અને આ વસ્તુ અસ્વાભાવિક કે અનુચિત પણ નથી.
પંદરમા સૈકાથી માંડીને અઢારમા સૈકા સુધીના ગાળામાં કવિ શ્રી લાવણ્યસમય, શ્રી સમયસુંદર, શ્રી જિનહર્ષ, શ્રી ઉદયરત્ન વાચક, વગેરે સાધુ કવિઓ તેમ જ દેપાળ અને ઋષભદાસ વગેરે શ્રાવક કવિઓ થયા, તે બધાનો ગુજરાતી સાહિત્યમાં જેટલો નોંધપાત્ર ફાળો ગણાય છે, તેટલો જ ફાળો જન-હૃદયના ચિરંતન ભક્તિરસને સમૃદ્ધ અને પુષ્ટ બનાવવામાં પણ છે, એ સ્વીકારવું જોઇએ.
ઉપર કહ્યું તેમ, જૈન કવિઓની કવિતાનો એક વિષય—કારણ કે તે જનહૃદયની ભક્તિનોવિષય હતો—જૈનધર્મના મહાન પુરુષોનું સ્તવન તેમ જ ચરિત્રચિત્રણ' હતો. આમાં ભગવાન આદિનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી વગેરે તીર્થંકરોનો, અન્ય મહાન આચાર્યોનો અને મહાન ધર્મપ્રભાવક ગૃહસ્થોનો જેમ સમાવેશ થયો છે, તે જ રીતે, બલ્કે ક્યારેક તો તેથીયે અદકેરા ભક્તિભાવપુરઃસર, ભગવાન ગૌતમસ્વામીનો પણ સમાવેશ થયો છે.
જૈનસંઘમાં—જૈન જનસમાજમાં, ગૌતમસ્વામીનું સ્થાન અનોખું છે અને એમનું આકર્ષણ પણ અપૂર્વ છે. આનું કારણ એમના પુણ્યબળનો પ્રકર્ષ હોય એમ સમજાય છે. ભગવાન મહાવીરના ગણધર હતા. દરેક તીર્થંકરોના ગણધરોની શક્તિ, લબ્ધિઓ અને જ્ઞાન સમાન હોય છે. માટે તો શાસ્ત્રોમાં ગણધરો માટે ‘સવ્વસ્વ સન્નિવાડ્યા' એવું વિશેષણ પ્રયોજાયું છે. આમ છતાં, બીજા કોઇ તીર્થંકરના