________________
૭૨૪ ]
મહામણિ ચિંતામણિ
અનુપમ જ્ઞાની અનંતલબ્ધિનિધાન ગણધર શ્રી ગૌતમસ્વામી ભગવંત
શ્રી મંજુલા પ્રેમજી ગડા
પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમમાં ભારોભાર અભિમાન; અને અનુપમ જ્ઞાની અનંતલબ્ધિનિધાન ગણધર શ્રી ગૌતમસ્વામીમાં છલોછલ નિરાભિમાન એક જ વ્યક્તિમાં કેવો વિરોધાભાસ....! પ્રભુને સમર્પિત અંતરથી આ અંતર તો કપાય ગયું, પણ ૫૦,૦૦૦ કેવલીના એ ગુરુ ગૌતમસ્વામી પ્રભુ મહાવીર પરમાત્માની ઉપસ્થિતિમાં કેવલજ્ઞાન ન પામ્યા, તે ન જ પામ્યા! અને જ્યારે કેવલજ્ઞાન પામ્યા, તો તે પણ રાગના આલાપ-વિલાપના સૂરે સૂરે! શ્રી ગૌતમસ્વામીના ગુણો અદ્ભુત અને અવર્ણનીય હતા. તેઓમાં શક્તિ, લબ્ધિ પણ અનંત હતી. આ અનેકવિધ સદ્ગુણ-સૌરભની મહેક પ્રસ્તુત લેખમાં આપણને સંપ્રાપ્ત બને છે. વિદુષી લેખિકા બહેનની ક્લમનો આ કસબ પણ એ રીતે અહીં આવકાર્ય અને અભિનંદનીય બને છે. સંપાદક
‘કોણ છે એ સર્વજ્ઞનો દાવો કરનારો?
હું અહીંયાં બેઠો છું અને બીજો કોઇ
સર્વજ્ઞ ફૂટી નીકળે? જોઇ લઇશ એને!'
હા...... આ છે ઇન્દ્રભૂતિ ગૌતમ ! જઇ રહ્યા છે વીર પાસે.
ભગવાન મહાવીરસ્વામીજીના છદ્મસ્થાવસ્થાના પ્રથમ શિષ્ય ગોશાળો જે પાછળથી પોતાને ચોવીશમા તીર્થંકર ગણાવી ભગવાનની સામે થયો હતો. પોતાને તીર્થંકર ગણાવતો ગોશાળો અને ભગવંતના સમાગમ પહેલાંના ઇન્દ્રભૂતિ આંખમાં લગભગ સરખો અહંકાર લઇને ફરતા હતા. અહંકારની આગમાં ધગ ધગ થતો ઇન્દ્રભૂતિ સમગ્ર ભારતમાં વિદ્વત્તા માટે પંકાઇ ચૂક્યો હતો. વિશાળ લલાટની તેજસ્વિતા જોઇ ભલભલા વિદ્વાનોની બુદ્ધિ બુઠ્ઠી થઇ જતી હતી. અને એ જોઇ ઇંદ્રભૂતિના અહંકારના ઉષ્ણ જળમાં વધુ ને વધુ ભરાવો થતો હતો.
બિહારમાં ગોબર ગામ અને ગૌતમ ગોત્રમાં જન્મેલા ઇન્દ્રભૂતિ–પોતાના પાંચસો શિષ્યો, વિશિષ્ટ બ્રાહ્મણો અને બંધુઓ વાયુભૂતિ અને અગ્નિભૂતિ નિજ પરિવાર સાથે રાજગૃહીમાં, કદીયે ભારતમાં ન થયો હોય તેવો અજોડ યજ્ઞ કરાવી રહ્યા હતા. બુલંદ અવાજના મંત્રોચ્ચારથી રાજગૃહી ગાજી રહી હતી. દેવવિમાનોને રાજગૃહી તરફ આવતાં જોઇ હરખાયેલો ઇન્દ્રભૂતિ અહંકારથી અને અજ્ઞાનથી લદાયે જતો હતો. પણ......ત્યાં જ રંગમાં ભંગ પડે છે. લોક ઊઠીને ચાલી રહ્યું.....દેવવિમાનોએ દિશા વાળી લીધી.... ઇન્દ્રભૂતિને આશ્ચર્ય થયું... મહસેન વનમાં મહાવીર પધાર્યા હતા અને બધા ત્યાં જ જઇ રહ્યા હતા. તે જાણી ઝાંખપ અનુભવી....