________________
૭૪૮ ]
[ મહામણિ ચિંતામણિ
ગણપતિ : શ્રી ગૌતમસ્વામીજીના ગુણોનું આકાર સ્વરૂપ
—પ. પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિજી મહારાજ
નૂતન વર્ષના પ્રારંભ દિને ‘ગૌતમસ્વામીનો રાસ' માંગલિકરૂપે શ્રવણ-સ્મરણ કરવાની આપણામાં પરંપરા છે. વેપારીઓ દિવાળીના દિને ચોપડાપૂજનમાં સર્વ પ્રથમ ‘શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હોજો' લખે છે. ‘શ્રી ગણેશાય નમઃ'એ ઉક્તિ પણ લોકોત્તર જગતમાં મંગલ કાર્યનો પ્રારંભ શ્રી ગણેશ-ગણપતિના નામસ્મરણની પરંપરાને જ સૂચવે છે. શ્રી ગૌતમસ્વામી પ્રત્યેનો જે આદરભાવ-પૂજ્યભાવ જૈનોમાં જોવા મળે છે કંઈક એવો જ આદરભાવ ગણપતિ પ્રત્યે લોકોત્તર જગતમાં જોવા મળે છે. એ જ રીતે તેઓના નામમાં અને તેના અર્થ-ભાવમાં ઘણું સામ્ય જોવા મળે છે. આવી સમાનતાઓનું વિશિષ્ટ દર્શન પ્રસ્તુત લેખમાં પૂ. આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મહારાજ દ્વારા રસમય રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ વિષયે વિશેષ અભ્યાસ અને અવલોકન થાય એવી અપેક્ષા વિદ્વર્ગ પાસે સેવું છું. આધ્યાત્મયોગી પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજશ્રીની કલ્પના મુજબ પાલીતાણામાં તળેટી પાસે જંબુદ્વીપની વિશાળ રચનામાં પૂજ્યશ્રીનું ઘણું મોટું પ્રદાન રહ્યું છે. આગમવિશારદ પૂ. પં. ગુરુદેવશ્રી અભયસાગરજી મ.ના પટ્ટધર જંબુદ્રીપ સંકુલના વર્તમાન માર્ગદર્શક પૂ. પંન્યાસપ્રવર શ્રી અશોકસાગરજી મ. અત્યારે તો સૂરીપદે આરૂઢ થઈ, આચાર્યદેવશ્રી અશોકસાગરસૂરીશ્વરજી નામધેય બની ગયા છે...તદ્દન નિખાલસ સાથે પ્રૌઢપ્રભાવી હીંમતબાજ તેઓનું વ્યક્તિત્વ છે...સાગર સમુદાયમાં ૪૦ જેટલા શિષ્ય-પ્રશિષ્યોનું નેતૃત્વ તેઓના શીરે છે અને સમુદાયમાં ચમકતા સિતારા જેવું તેઓનું અસ્તિત્વ છે...શાસનના આઘાત-પ્રત્યાઘાતોમાં તેઓ હરહંમેશ દાદા ગુરુદેવશ્રી ધર્મસાગરજી મ.ની જેમ સદાય અગ્રેસર હોય છે. સાથે જ ભૌતિકવાદના વાવંટોળમાંથી બચાવવા પોતાના ગુરુદેવશ્રીનું સંશોધન કાર્ય આગળ ધપાવી પૃથ્વી ગોળ નથી-ફરતી નથી-એપોલો ચંદ્ર યાત્રા સ્ટંટ છે આદિ વાતોને ખૂબ રચનાત્મક રીતે તેઓશ્રીએ જનમાનસમાં મૂકી છે...પૂજ્યશ્રીનો પરિચય પ્રસ્તુત લેખમાં આપણને જોવા મળશે. ગુરુ ગૌતમસ્વામીજીને ગણપતી શબ્દ દ્વારા કેવી રીતે ક્યાં સંબોધાયું છે? તે હવે લેખ જ બતાવશે. શાસનને મળેલ આ આચાર્યપ્રવર એ શાસનનું ગૌરવ છે. આ પ્રસંગે અમારી તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા....તેઓશ્રી દ્વારા અનેકાનેક શાસનના કાર્યો થતાં રહે અને તેઓનું સંશોધન કાર્ય આગળ વધતું રહે તે જ શુભાશા....
સંપાદક