________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૫૯
હતાં. યૌગિક સાધનાને લીધે એમની ઇન્દ્રિયો અને નાડીઓ અનેકગણી શક્તિશાળી બની હતી. એક ઇન્દ્રિય દ્વારા અન્ય ઇન્દ્રિયોનાં કાર્યો સહજપણે થઇ જતાં હતાં. ગુરુ ગૌતમસ્વામી પૃથ્વી પર વિચરતા હોય તેટલી જ સહજતાથી આકાશગમન પણ કરી શકતા હતા. બીજાના ચિત્તમાં ચાલતી બાબતોને કે દૂર-સુદૂર બનતી ઘટનાઓને અનાયાસે જાણી શકતા. તેમના અંગૂઠામાં અમૃતનો વાસ હતો. તેના સ્પર્શ માત્રથી કોઇ વસ્તુ અખૂટ થતી હતી. તેમના ઇશારા માત્રથી ઝેર પણ નાબૂદ થઈ જતું હતું.
અલબત્ત, ગૌતમસ્વામી પોતાની સિદ્ધિઓ અને લબ્ધિઓથી પ્રભાવિત થયા ન હતા. તેમને મુખ્ય ઝંખના તો મુક્તિની હતી. તેમનામાં જિજીવિષા કે મૃત્યુનો ડર ન હતો. પોતાના આત્મતેજને રૂંધનારાં ઘાતીકર્મો નાશ પામે અને મુક્તિ મળે એ જ એમની અભિલાષા હતી. પોતાના કેવળજ્ઞાનમાં થઇ રહેલો વિલંબ એમને અકળાવતો હતો. એક વખત પોતાની ધર્મદેશનામાં ભગવાન મહાવીરે અષ્ટાપદ પર્વતનું માહાત્મ્ય વર્ણવ્યું. “પોતાની લબ્ધિના બળે અષ્ટાપદ પર્વત પર સાધક જાય અને ત્યાં રહેલાં જિનબિંબોને વંદના કરીને ત્યાં રાત્રિ વિતાવે તે મોક્ષનો અધિકારી બને.” મહાવીરની ધર્મદેશનામાંથી પ્રેરણા પામેલા ગૌતમસ્વામી આ ભવમાં જ મુક્તિ ઝંખતા હતા. આથી ‘ચારણલબ્ધિ’ (આકાશગમનની લબ્ધિ)થી વાયુવેગે 'અષ્ટાપદ પર્વતની તળેટીમાં પહોંચી ગયા. તે વખતે કોડિન્ન, દિત્ર અને સેવાલ નામના ત્રણ તાપસો પોતાના પાંચસો-પાંચસો શિષ્યો સાથે અષ્ટાપદ પર્વત પર મુક્તિ માટે આવ્યા હતા. તેમાં કોડિન્ન અને તેના અનુયાયીઓ ઉપવાસને પારણે ઉપવાસ કરતા, દિત્ર અને તેના અનુયાયીઓ છઢને પારણે છઠ્ઠ કરતા તેમ જ સેવાલ અને તેના અનુયાયીઓ અઠ્ઠમને પારણે અક્રમની તપસ્યા કરતાં કરતાં અષ્ટાપદના ક્રમશઃ એક, બે અને ત્રણ કંદોરા સુધી જ પહોંચ્યા હતા. તેનાથી આગળ જવાની ક્ષમતા તેમનામાં રહી ન હતી. અષ્ટાપદ પર પહોંચીને પોતાનો ધર્મ આચરવાની તેમની ઇચ્છા હતી. તે વખતે તેમણે વિશાળ દેહવાળા ગૌતમસ્વામીને કરોળીઆના જાળાની જેમ ફેલાયેલાં સૂર્યકિરણોને સહારે, ‘જંઘાચારણલબ્ધિ’ના બળે અષ્ટાપદ પર્વત ચઢીને, તેમાં અંદૃશ્ય થતા જોયા. આ જોઇને તાપસો આશ્ચર્યચકિત થયા. ગૌતમસ્વામીની સિદ્ધિથી અને લબ્ધિથી મંત્રમુગ્ધ થયેલા તાપસોએ તેમનું શિષ્યપણું મનોમન સ્વીકારી લીધું. અષ્ટાપદ પર્વત પરથી પાછા ફરેલા ગૌતમસ્વામીએ કરુણાવશ તાપસોને શિષ્યપણે સ્વીકાર્યા. તેમણે ૧૫૦૩ તાપસોને નાના પાત્રમાં રહેલી અલ્પતમ ખીર દ્વારા પારણું કરાવ્યું. ‘અક્ષીણ મહાનસી લબ્ધિ’ દ્વારા અલ્પ દ્રવ્યથી તેમણે વિશાળ તાપસ-સમૂહને પારણાં કરાવી પોતાની અદ્વિતીય શક્તિનું પુનઃ દર્શન કરાવ્યું.
આ સિવાય ગૌતમસ્વામીએ દર્શાવેલી લબ્ધિઓ અંગેના ખાસ પ્રસંગો મળતા નથી. ચમત્કારો બતાવવાની બાબતમાં તે ઉદાસીન હતા. વિત્તેષણા અને લોકેષણા ત્યાગી મહાત્માનાં ભયસ્થાનો છે. ગુરુ ગૌતમસ્વામી આ બાબતોથી સાવધ હતા. તે વીતરાગભાવમાં રમમાણ થનારા મહાયોગી હતા. સમસ્ત માનવ જાતિનું કલ્યાણ તેમના હૈયે વસ્યું હતું. આવા પૂજનીય મહાપુરુષનું નામસ્મરણ પણ ચમત્કારિક રીતે વિશ્વકલ્યાણ કરનારું બનતું. આ મંગલમય વિભૂતિની યશોગાથા ગાતા કવિ શ્રી સૌભાગ્યવિજયજી ‘ગૌતમસ્વામી છંદ'માં વર્ણવે છે :
દુષ્ટ દૂરે ટળે સ્વજન મેળો મળે, આધિ, વ્યાધિ ને ઉપાધિ નાસે;