________________
૭૧૨ ]
[ મહામણિ ચિંતામણિ
રીતે હોઈ શકે? જેણે ભલભલા ચક્રવર્તીઓને પણ રોવડાવી દીધા અને દૂધમાં પડેલી માખીની જેમ દૂર ફેંકી દીધા, બાળી દીધા, દફનાવી દીધા, તે સંસાર કોઇના માટે પણ કંસાર રૂપે શી રીતે બને? અર્થાત્, સંસાર કંસાર નથી પણ અસાર છે. કડવા ઔષધ પર સાકરની ચાસણી લગાવીએ તો થોડી વાર માટે મીઠી લાગતી દવાના જેવો લાગતો સંસાર અંતે કડવો છે, જૂઠો છે, જે પ્રમાદી, કષાયી, વિષયી માનવનાં પુણ્યકર્મોને સમાપ્ત કરાવીને અધઃપતનના રસ્તે લઈ જઈ બેહાલ કરી દે છે.
૮. ગૌતમસ્વામીએ કહ્યું કે...
સાધક ! મહાવીરસ્વામીના સૌથી પહેલા બે શબ્દો જ્યારે મારે કાને પડ્યા, ત્યારે જ સંસારની માયાને કાળી નાગણ, કાયાને કાચની બંગડી અને યુવાનીને વીજળીના ચમકારા જેવી સમજી, પુરુષાર્થબળે તેમનો ત્યાગ કર્યો અને મહાવીર સ્વામીનું શરણ સ્વીકાર્યું. સમિતિગુપ્તિ ધર્મના પ્રભાવથી આજે મારું આંતરજીવન લોકેષણાદિ વિનાનું થયું છે. કામદેવનો નશો અને કષાય રૂપી નાગનું વિષ ઊતરી ગયું છે. ગૃહસ્થાશ્રમના ભૌતિક વિલાસો કરતાં પણ ચારિત્રની સમૃદ્ધિ મારે મન અમૂલ્ય નિધિ છે. આ કારણે મારું મન આજે પ્રસન્ન છે. કર્મરાજાની કુટિલ પ્રકૃતિઓ છેદાઈ ગઈ છે. મસ્તિષ્ક શીતલ છે. જિગરમાં અનાદિ કાળથી પડેલી વિકૃતિઓ અને દુકૃતિઓનું પલાયન અને સંસ્કૃતિઓનું આગમન થયું છે. તેથી સત્યાર્થ રૂપે સંસારના બધાય જીવો સાથે મારો મૈત્રીભાવ બંધાયો છે. કેમ કે, મારા જ્ઞાનથી પ્રત્યેક જીવાત્મામાં કંઈ ને કંઈ સારું તત્ત્વ હું જોઈ રહ્યો છું. માટે મારું સૌથી પહેલાં અગત્યનું કામ એક જ છે કે જીવોને સંશય વિનાના કરી અરિહંતોના શાસન દ્વારે લાવીને હાજર કરું.
૯. ગૌતમસ્વામીએ કહ્યું કે..
હે સાધક ! કેવળ બાહ્ય મનનો નિરોધ એ સંયમ નથી. કેમ કે ભવભવાંતરોનાં કે વર્તમાનકાળે કરાતાં પાપોની માયા, વાસના અને ધારણાનું સ્થાન મનમાં રહેલું છે. આપણે અનુભવીએ છીએ કે, બાહ્ય સાધનો સારામાં સારાં મળેલાં હોવા છતાં, સાધકનું મન જો કેળવણી વિનાનું, અસંસ્કૃત હશે તો તેની સાધના કેવળ યશોગાદ કે અર્થલાભ સિવાય બીજું ફળ આપી શકતી નથી.
તે ભાગ્યશાળી હશે, જે સાધનાકાળ દરમિયાન પોતાના આત્યંતર મનને સંયમિત કરવા માટે આંખ અને કાન પણ મૌન રાખશે. કેમ કે, જીભના મૌન કરતાં આંખ અને કાનને આપેલું મૌન સંયમ-સાધનામાં વિશેષ ફળદાયક બને છે. તે માટે અરિહંતોના શાસનમાં “સામાયિક' જ મોટામાં મોટો યોગ કહેવાયો છે – જે વિના બીજા બધા યોગો, પદ્માસનો, નેતિધોતી, શુદ્ધ વસ્ત્રો કે શરીરશુદ્ધિ પણ નિષ્ફળ નીવડે છે.