________________
૬૬૬ ]
[ મહામણિ ચિંતામણિ
લબ્ધિ
શ્રી રમણલાલ ચી. શાહ
મનુષ્યમાં વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક શક્તિઓ રહેલી છે. કોઇ પણ વ્યક્તિમાં અસાધારણ એવી શક્તિ જોવા મળે તો લોકોને આશ્ચર્ય પેદા થાય છે. શક્તિઓ તપના પ્રભાવે કે જ્ઞાનથી કે કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. જૈન શાસ્ત્ર આને લબ્ધિ તરીકે ઓળખાવે છે. આ લબ્ધિઓ કઇ? કેટલી? શું પ્રભાવ દેખાડે?—આદિની વિસ્તૃત માહિતી અત્રે પ્રસ્તુત છે. શાસ્ત્રનાં વર્ણનોમાં આવતી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરાયો છે. લેખને નિરાંતે વાંચવો. લેખક શ્રી રમણલાલ ચી. શાહ ‘પ્રબુદ્ધ જીવન' સામયિકના તંત્રી છે. જૈન સાક્ષરોમાં તેમની ગણના પ્રથમ હરોળમાં થાય છે. બોમ્બે યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે, મુંબઇ જૈન યુવક સંઘના મોભી તરીકે તેમની સેવાઓ જાણીતી છે.
-સંપાદક
દિવાળીના દિવસે મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા અને કાર્તિક સુદ પ્રતિપદાને દિવસે, નૂતન વર્ષના પ્રભાતે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું. એટલા માટે દિવાળીના અને નૂતન વર્ષના પર્વનો મહિમા જૈનોમાં વિશિષ્ટ ગણાય છે દિવાળીના શારદાપૂજનની વિધિમાં જૈન વેપારીઓ પૂજનના પાનામાં જે શુભેચ્છાઓ દર્શાવે છે તેમાં ‘ગુરુ ગૌતમસ્વામીની લબ્ધિ હોજો' એમ પણ લખે છે.
ગૌતમસ્વામીને લબ્ધિના ભંડાર તરીકે ઓળખાવવામાં આવે છે. ‘અનંતલબ્ધિનિધાન’ જેવું બિરુદ પણ એમને માટે વપરાય છે. ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વત ઉ૫૨ જંઘાચારણ લબ્ધિ વડે સૂર્યનાં કિરણો પકડીને ચડી ગયા હતા. ત્યાંથી પાછા ફર્યા પછી એક પાત્રમાં રહેલી ખીર વડે પંદરસો ત્રણ તાપસોને એમણે પારણું કરાવ્યું હતું. એ પાત્રમાં જમણા હાથનો અંગૂઠો રાખવાથી એમાંની ખીર ખૂટી નહોતી. પોતાની અક્ષીણ-મહાનસીલબ્ધિ વડે તેઓ એમ કરી શક્યા હતા. ગૌતમસ્વામીના જીવનમાં લબ્ધિના ચમત્કારની આવી કેટલીક ઘટનાઓ બની હતી એવું વાંચવા મળે છે. લોકોને આશ્ચર્યમુગ્ધ કરી નાખે એવા ચમત્કારભર્યા શક્તિવિશેષને આપણે લબ્ધિ તરીકે ઓળખાવીએ છીએ.
લબ્ધિ શબ્દ સંસ્કૃત ‘મ્’ ધાતુ પરથી આવ્યો છે. ‘નમ્’ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. ‘લબ્ધિ’ એટલે ‘લાભ’ અથવા પ્રાપ્તિ'. જે અસામાન્ય વિશિષ્ટ કોટિની શક્તિ વડે ઇચ્છિત વસ્તુઓની ચમત્કારભરી રીતે અનાયાસ પ્રાપ્તિ થાય તે શક્તિને ‘લબ્ધિ’ તરીકે ઓળખાવવામાં આવે છે. આત્મા ઉપરનાં કર્મનાં ગાઢાં આવરણો જેમ-જેમ દૂર થાય તેમ-તેમ આત્મામાં આવી શક્તિઓ, લબ્ધિઓ પ્રગટ થતી જાય છે એમ જૈન ધર્મ માને છે.
‘લબ્ધિ’ શબ્દ જૈન શાસ્ત્રગ્રંથોમાં ‘અહિંસા'ના અર્થમાં પણ વપરાયો છે. વળી વીતરાયના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી શક્તિના અર્થમાં ‘લબ્ધિ' શબ્દ વપરાયો છે.