________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૬૩૩
ગઈ, કારણ કે આ દિવસે પરમાત્મા મહાવીર દેવે સાદિ અનંત સ્થિતિ પ્રત્યે પ્રસ્થાન કરવાની તૈયારી કરી લીધી હતી. સોળ પ્રહર સુધીની ધારાવાહી દેશનાનો શુભારંભ હતો. એ દિવસે પરમાત્મા મહાવીર જળભર્યા મેઘો જેમ જ્ઞાનામૃતની ધારાઓ વરસાવવા લાગ્યા. મહાપ્રયાણ પહેલાં પરમાત્મા અધિકાધિક સતત દાન દેવામાં પ્રયત્નશીલ હતા. ઉપદેશામૃતનું પાન કરીને લોકોના મનમયૂર પ્રસન્નતા અને પરમ શાંતિથી નૃત્ય કરી રહ્યા હતા. જાણે કે ક્ષુધાતુરને મનમાન્યું ભોજન મળી રહ્યું હતું, જાણે પરમાત્મા અંધકારના ગાઢા વનમાં પ્રકાશના પુંજ પ્રસરાવી રહ્યા હતા! તે દિવસે ગૌતમ ગણધર પણ આ જ્ઞાનગંગામાં પોતાને નિમતિ કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા હતા. ગૌતમગોત્રીય ગણધર અને અન્ય જીવો પણ સ્વસ્થ અને સ્થિરચિત્ત થઈને આ પરમ પાવન પ્રવાહમાં પોતાનું નિર્મલીકરણ કરી રહ્યા હતા.
રાગ છૂટ્યા વિના, સ્નેહબંધન તૂટ્યા વિના ઇન્દ્રભૂતિને કેવળજ્ઞાનનું પ્રગટીકરણ થવું અસંભવ હતું. તેથી પરમાત્માએ જ તેઓનો મોહભંગ કરવા માટે નજીકના ગામમાં દેવશમાં નામે બ્રાહ્મણને પ્રતિબોધિત કરી આવવાનો આદેશ આપ્યો હતો. ઇન્દ્રભૂતિ પરમાત્માના એક-એક વચનને પ્રાણથી પણ પ્રિય તેમ જ પરમાત્માના આદેશને પોતાના ક્ષેમકુશળમાં સહાયક માનતા હતા. તેથી તેઓએ તરત જ ત્યાંથી પ્રસ્થાન કર્યું.
તેરસની રાત વીતી, ચૌદસનો દિવસ વીતી ગયો અને રાત પણ વીતી ગઈ. અમાસની સવાર પડી. સૂર્યોદય થયો અને તે પોતાનાં સહસ્ત્ર કિરણો વડે અંધકારને દૂર કરીને પ્રાણીઓને નવજીવન પ્રદાન કરવા લાગ્યો. પ્રભુ મહાવીરની વાણી ગંગાજળની જેમ અખંડ-અસ્મલિત વહી રહી હતી—જાણે કે પિતાનો અંતિમ ઉપદેશ ધર્મપુત્રોને પ્રાપ્ત થઈ રહ્યો હતો. સર્વ પ્રવચન-શ્રવણમાં તલ્લીન હતા, પણ આ તથ્યથી અજ્ઞાત હતા કે પરમાત્મા શાશ્વત સ્થિતિ તરફ પ્રસ્થાન કરવાની તૈયારી કરી ચૂક્યા છે, તેઓનું અને આપણું મળવું હવે ખૂબ જ ઓછા સમય માટે છે.
અમાસનો સૂર્યાસ્ત થઈ ગયો. સર્વ પોતાના ભાવોમાં તલ્લીન હતા. ભવની પીડા શમાવવાવાળી અનુપમ ઔષધિ, સેવનવિધિ સહિત, પરમ ભાવવૈધ શ્રી મહાવીર દેવ પ્રસ્તુત કરી. રહ્યા હતા. ક્રમશઃ ક્ષણ ક્ષણ પસાર થઈ રહી હતી, જ્યારે પરમાત્મા ચતુર્દશમ ગુણસ્થાનક આરોહણની પ્રક્રિયામાં પરિપૂર્ણ થઈ ગયા હતા. શુકુલધ્યાનની શ્રેણી પર આરૂઢ થવાથી લોકાકાશ તરફ પ્રગતિ હતી. લિચ્છવી અને મલ્લક ગણરાજા પણ પૌષધોપવાસથી સંવૃત્ત થઈ પરમ પાવન ગંગોત્રીનું પાન કરી રહ્યા હતા.
મધ્યરાત્રિએ પોતાનો પાલવ ફેલાવ્યો. જે દિવ્ય પ્રકાશ ચારે દિશામાં ફેલાયેલો હતો તે ક્રમશઃ ગાઢ અંધકારમાં પરિવર્તિત થવા લાગ્યો. અનન્તોદ્ધારક સર્વગુણસંપન્ન પરમાત્માએ મહાપ્રયાણ કર્યું. તેઓએ યમરાજના મુખ પર એવો તમાચો ચોડી દીધો કે તે હંમેશને માટે એમનાથી દૂર થઈ ગયો. ભગવાને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લીધો. તેઓ સાચા અર્થમાં મૃત્યુંજય બની ગયા. તેઓએ જન્મનાં મૂળને ઉચ્છેદી નાખ્યાં. જરા-અવસ્થા કાયમ માટે સમાપ્ત થઈ ગઈ.
પરમાત્માના મહાપ્રયાણથી સકળ ચરાચર લોક વ્યથિત થઈ ગયાં. જળચર, ખેચર, ભૂચર આદિ સમગ્ર પ્રાણીગણ પણ પરમાત્માના વિરહથી શોકાકુલ થઈ ગયો. દેવી-દેવતા, ઈન્દ્ર-ઇન્દ્રાણી, નર-નારી આદિના આગમનથી પાવાપુરી નગરી ખીચોખીચ થઈ ગઈ.
(૦ .