________________
૬૦૪ ]
મોક્ષનું બીજ : વિનય
[ મહામણિ ચિંતામણિ
-મૂ. પંન્યાસી હેમચંદ્રસાગરજી મહારાજના શિષ્ય પૂ. મુનિરાજશ્રી અક્ષયચંદ્રસાગરજી મહારાજ
મોહની ચડવણીથી અહંકાર કાવતરાં કરે છે. પરિણામે આત્માને વિનયથી વંચિત કરી મોક્ષના બીજને જ ખતમ કરી દે છે. મોક્ષનું બીજ વિનય છે. ખરેખર તો ગૌતમસ્વામી પાસે શું માગવા જેવું છે એ વાત પૂજ્ય મુનિરાજશ્રીએ અહીં ખૂબ જ માર્મિકતાથી સમજાવી છે.
-સંપાદક
‘અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર;
શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલ દાતાર.’ ‘શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હજો!'
આવી કડીઓ આપણને અત્યંત પ્રિય હોય છે. એટલું જ નહીં, આવા શબ્દોને ઉચ્ચારવા આપણે હરખઘેલા બની જઇએ છીએ. છતાં પણ હતભાગી એવા આપણા જીવનમાં એવું બનવા પામતું નથી. જ્ઞાની ભગવંતો ફરમાવે છે કે આ તો એક કાર્ય છે. કાર્યને પામવા પહેલાં કારણને તપાસવું ખાસ જરૂરી છે. કેમ કે કારણ વિના કાર્ય ક્યારેય સરજાતું નથી.
શ્રી ગૌતમસ્વામીજી ભગવંતે ખીરવાળી નાની-શી પાત્રીમાં અંગૂઠો પરિસ્થાપન કર્યો, જેનાથી પંદરસો ને ત્રણ તાપસોને પારણું કરાવી શક્યા !
આવી શક્તિ આપણી પાસે હોય તો ...? ! ? !
આવી શક્તિ જરૂર સંભવી શકે છે. પરંતુ તેઓશ્રીએ આવી શક્તિ પામતાં પહેલાં કારણરૂપ જે કાર્ય કર્યું છે તે આપણે પણ કરવું જોઇએ ને !
તે કારણ એટલે ગુણ...
કાર્યસ્વરૂપ લબ્ધિની પાછળ કારણસ્વરૂપ ગુણોને પૂજ્યવર ગણધર ગૌતમ ભગવંતે મહદંશે નિરાવરણ કર્યા હતા. જેમ કે તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાન, વિનય, વૈયાવચ્ચ, સંયમ, દર્શન, વિશુદ્ધિ વગેરે. વાચકશ્રી ! જો હું અહીં બધા જ ગુણોનો સ્વાધ્યાય કરવા બેસું તો હું તો શું, બૃહસ્પતિ પણ બધા ગુણો વર્ણવી ન શકે! માટે બધા ગુણોનો વિચાર ન કરતાં માત્ર તપ ગુણનો વિચાર કરવાનું નક્કી કર્યું છે. જો કે તપમાંય બાહ્યાવ્યંતર પેટાભેદ ગણતાં લખાણ લાંબું થવાના ભયે અહીં વિનયનું જ માત્ર અધ્યયન કરશું.
(પાયાિં વિળો વૈયાવચં...‘નવતત્ત્વ’) કેમ કે, વિનય વિના વિદ્યા નથી સાંપડતી. વિદ્યા વિના સમકિતની પ્રાપ્તિ નથી. સમકિત વિના ચારિત્રની પ્રાપ્તિ નથી અને ચારિત્ર વિના મોક્ષ પ્રાપ્ત થતો નથી, એમ શ્રી ઉદયરત્નજી મહારાજે માનની સજ્ઝાયમાં સ્પષ્ટ સમજાવ્યું છે.