________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી ગૌતમસ્વામીની ગૌરવગાથા
-પૂ. સાધ્વીજી શ્રી રાજપ્રશાશ્રીજી મહારાજ
વિલાસી આત્માને વિરાગની વાતો સમજાતી નથી. ભોગમાં રમનાર યોગની કિંમત આંકી શકતા નથી. ચિત્ત ત્યાગથી દૂર છે ને રાગમાં ચકચૂર છે. બાહ્ય સુખને મીઠાં મધુર માને છે. ભોગી આત્મા રાગના ત્યાગી ને ત્યાગના રાગી આત્માઓના યોગની મીઠાશ માણી શકતા નથી. પરંતુ એમના સુખને દુઃખ માને છે. કૂદકે અને ભૂસકે આગળ વધતી, રંગરાગમાં રાચતી ને ક્ષણે ક્ષણે પલટાતી આ દુનિયાની પરિસ્થિતિ જોઈને સહેજે શબ્દો સરી પડે છે કે, ભગવાન મહાવીર મોક્ષે પધાર્યા ને અહિંસા પરવારી ને ગુરુ ગૌતમ પણ નિર્વાણ પામ્યા, તો વિનય અને ભક્તિ અદૃશ્ય થઈ ગયા.
હિંસાના તાંડવનૃત્યની મહેફિલમાં ભૂલા ભમતાઓ ભવ્યાત્માઓ! દેહને દાગીનાથી દીપાવો કે ચંદ્રની ચાંદનીથી ચમકીલો બનાવો; પરંતુ હૈયામાં થાણાં નાખીને રહેલા ખાઉધરા શયતાનો અને કાળાં કામ કરાવનાર કામાદિ ધાડપાડુઓ આત્મખજાનો લૂંટી રહ્યા છે. ઊઠો! જાગો! ને જુઓ! આવા વિષમ યુગમાં શ્રદ્ધાને સ્થિર કરનાર કોઈ સાધન હોય તો તે ત્રિલોકીનાથ ભગવંતોનાં ચરિત્રો તથા ગણધર ભગવંત અને મુનિભગવંતોનાં જીવનચરિત્રો છે.
[ ૬૦૭
જેને પૃથ્વી રૂપી પતંગ છે, બાહુ રૂપી ઓશીકાં છે, આકાશ રૂપી ચંદરવો છે, સૂર્ય-ચંદ્રની રોશની છે, દિશાઓ રૂપી દાસીઓ છે, એવાં નિઃસ્પૃહી અણગારોનાં જીવન આપણને પ્રેરણાનાં પીયૂષપાન કરાવીને જીવન ઊર્ધ્વગામી બનાવે છે. જેનાં નામ માત્રથી કામ થાય એવા શ્રી ગુરુ ગૌતમસ્વામીના જીવનમાંથી આપણે કંઈક મેળવીએ. એવો આદર્શ આપણને પ્રસ્તુત લેખમાં પ્રાપ્ત થાય છે. સંપાદક
૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરની જન્મ અને નિર્વાણની પુણ્યભૂમિ, શીલ અને સદાચાર-સંપન્ન મગધદેશ. તેમાં ગોબર નામનું ગામ, જે કુંડલપુર તરીકે પણ ઓળખાય છે. તે ગામમાં વસુભૂતિ બ્રાહ્મણની ભાર્યા પૃથ્વીદેવીની કુક્ષિએથી બાળકનો જન્મ થયો. તે બાળક રૂપ અને તેજમાં ઇન્દ્રનો અવતાર. નામ ઇન્દ્રભૂતિ. ભગવાન શ્રી મહાવીર પહેલાં ૮ વર્ષ આગળ જન્મ. ઇન્દ્રભૂતિના બીજા બે ભાઈઓ અગ્નિભૂતિ અને વાયુભૂતિ હતા.
ઇન્દ્રભૂતિ સાત હાથની તેજસ્વી કાયાવાળા હતા. શરીરનો બાંધો મજબૂત હતો. ચાર વેદ ને ચૌદ વિદ્યાના પારગામી હતા. શાસ્ત્રાર્થ કરવામાં સમર્થ હતા. તેમની જીભ ૫૨ સાક્ષાત્ સરસ્વતી રમતી હતી.