________________
૬૨૦ ]
[ મહામણિ ચિંતામણિ
ગણધરને દુઃખદાયક થયો; તો પછી સંસારનો, તે વળી પામર આત્માઓનો મોહ કેવું અનંત દુઃખ આપતો હશે ! સંસાર રૂપી ગાડીને રાગ અને દ્વેષ—બે બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે જ્યાં રાગ નથી. ત્યાં દ્વેષ નથી. એ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ થાય છે. જ્યાં સુધી ગૌતમસ્વામીને આ રાગ હતો ત્યાં સુધી તેમના બોધથી તેમના શિષ્યો કેવળજ્ઞાન પામતા છતાં પોતે અટકી રહ્યા હતા. જેવો એ રાગ દૂર થયો કે તુરન્ત તેઓ અનંતજ્ઞાનના અધિપતિ-સ્વામી થયા ! આપણે ડગલે ને પગલે, ખાતાં ને પીતાં, સૂતાં ને જાગતાં, ઘરમાં ને બહાર—સર્વત્ર રાગ અને દ્વેષ કરતાં અટકવું હોય, તેમાંથી કાયમી છુટકારો મેળવવો હોય, તો ગણધર-અગ્રેસર એવા ગૌતમસ્વામીના જીવનની આ પ્રેરક, બોધક, કલ્યાણકારી ઘટના કાયમ નજર સામે રાખવી જોઇએ ! એમ બને તો ગૌતમ ગણધરનું નામ લીધાનો, ચિરત્ર વાંચ્યાનો, જીવન જાણ્યાનો ઉપકાર થયો ગણાય ! જે કાંઇ વાંચવું તે માત્ર આંખથી જ વાંચવું નહિ, પણ હૃદયથી વાંચવું જોઇએ. વાંચેલું મગજમાં જ ન રાખતાં, તુરંત હૃદયમાં ઉતારવું. આમ કરવાથી વાંચેલું, જોયેલું, જાણેલું આપણું પોતાનું થશે. અને જે આપણું પોતાનું હોય તે જ આપણને અણીને વખતે ખપ લાગે. પરિભ્રમણનો જેને અંત લાવવો છે તે જાગૃત હોય !
જૈનદર્શનનાં સૂત્રોમાં ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ નામનો એક ગ્રંથ છે. તેમાં ભગવાન મહાવીરસ્વામીનો ધર્મબોધ શબ્દસ્થ થયો છે. એકવાર ભગવાને પોતાની સન્મુખ બેઠેલા વિનીત ગૌતમમુનિને આ પ્રમાણે કહ્યું, ‘હે ગૌતમ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યના આયુષ્યને જતાં વાર લાગતી નથી. આ બોધકાવ્યની ચોથી કડી સ્મરણમાં રાખવા જેવી છે.‘સમયં ગોયમ મા પમાણ્’—એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે : એક, હે ગૌતમ ! સમય, એટલે અવસર પામીને પ્રમાદ ન કરશો. અને બીજો એ કે, મેષાનુમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. કારણ કે, દેહ ક્ષણભંગુર છે, કાળ-શિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઊભો છે. લીધો કે લેશે એમ જંજાળ થઇ રહી છે, ત્યાં પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે.
ચોવીસમા તીર્થંકર મહાવીરસ્વામી ગણધરશ્રેષ્ઠ ગૌતમસ્વામીને સમય માત્ર પણ પ્રમાદ ન સેવવાની બોધના આપતા હોય તો તેના પરથી સંસારી જીવોએ કેટલો બોધપાઠ ગ્રહણ કરવા જેવો છે ? ! ગણધર ગૌતમસ્વામી એક સમય પણ પ્રમાદ કરે તે ન ચાલતું હોય તો સંસારીના નિરંતર પ્રમાદને વિષે શું કહેવું? આ સર્વોત્તમ દૃષ્ટાંત પરથી આપણે તોલન-મોલન કરી ખરો ઉપદેશ ગ્રહણ કરી, યથાર્થ આત્મપુરુષાર્થ માંડીએ તો અવશ્ય આત્મદર્શન, આત્મપ્રાપ્તિ અને આત્મજ્ઞાન પ્રકાશિત થાય જ! કેમ કે, એકને થાય તે સૌને થાય એવો સનાતન નિયમ છે.
આ સૃષ્ટિમંડળ ઉપર પણ કેટલીક એવી વસ્તુઓ અને મનેચ્છાઓ રહી છે કે જે કેટલાક અંશે જાણતા છતાં કહી શકાતી નથી. છતાં એ વસ્તુઓ કંઇ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેદવાળી નથી. એવી વસ્તુનું જ્યારે વર્ણન ન થઇ શકે ત્યારે અનંત સુખમય મોક્ષ સંબંધી તો ઉપમા ક્યાંથી જમળે ?
એક વેળા મહાવીરસ્વામીને ગણધરશ્રેષ્ઠ એવા ગૌતમમુનિએ મોક્ષ વિશે પ્રશ્ન કર્યો. ભગવાને ઉત્તરમાં કહ્યું, ‘ગૌતમ ! એ અનંત સુખ હું જાણું છું, પણ તે કહી શકાય એવી કોઇ ઉપમા નથી. જગતમાં એ સુખતુલ્ય કોઇ પણ વસ્તુ નથી.’ એમ કહીને એક ભીલના દૃષ્ટાંત દ્વારા એ વાત સમજાવી.