________________
૫૧૨ ]
[ મહામણિ ચિંતામણિ
ભગવાનના અગિયાર ગણધર બન્યા અને તેઓએ ભગવાન પાસેથી ત્રિપદી ગ્રહણ કરીને ક્ષણ માત્રમાં બાર અંગોની રચના કરી. આ પ્રસંગે ઈન્દ્ર મહારાજ રત્નથાળમાં વાસક્ષેપ લઈને ઉપસ્થિત રહ્યા. ભગવાને અગિયાર ગણધરોના મસ્તક પર વાસક્ષેપ કર્યો અને એ પ્રમાણે એમના ધર્મતીર્થનું
ર્તન થયું. એ પછી મહાસતી ચંદનબાળાએ પણ ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. આરાધક શ્રાવક-શ્રાવિકાઓએ શ્રાવકવ્રત સ્વીકાર્યો અને ભગવાનના ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. - શાસન-સ્થાપના પછી ત્રીશ વર્ષ સુધી ભગવાન મહાવીરે ધર્મનો માર્ગ સમજાવ્યો. શ્રી ગૌતમસ્વામીએ પૂર્ણ સમર્પિત ભાવથી ભગવાનની સેવા કરી. તેઓ બધું જ છોડી શકતા હતા, પણ ભગવાનને નહીં. ભગવાન પ્રત્યે તેમને એક પ્રકારનો મોહ થઈ ગયો હતો. આ મોહના આવરણને લીધે કેવલજ્ઞાન પ્રગટ થતું ન હતું. ભગવાન મહાવીર પણ આ વાત સારી રીતે સમજતા હતા. એ માટે અંતિમ સમયે તેઓએ શિષ્યોત્તમ ગૌતમને આદેશ દીધો કે તમે આજે બાજુના ગામમાં જઈ દેવશમાં બ્રાહ્મણને પ્રતિબોધિત કરી આવો. ગુરુનો આદેશ શિરોધાર્ય કરીને ઇન્દ્રભૂતિ ત્યાં પહોંચી ગયા અને રાતવાસો પણ ત્યાં જ કર્યો. આસો વદ અમાવાસ્યાની એ કાળરાત્રિ હતી. તે રાતે અંતિમ સમયે ભગવાને પોતાના ચરમ દેહનો ત્યાગ કરીને સિદ્ધપદ પ્રાપ્ત કર્યું. તેઓ સિદ્ધ પરમાત્મા બન્યા. પ્રાતઃકાળે ઇન્દ્રભૂતિ પાછા આવ્યા ત્યારે ભગવાનનું નિવણ થઈ ચૂક્યું હતું. શ્રી ગૌતમસ્વામી આ પ્રકારનો વિરહ સહન ન કરી શક્યા. તેમની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યા.
તેઓ વિલાપ કરવા લાગ્યા : “હે વીર ! આપ મને છોડીને કેમ ચાલ્યા ગયા? હે વીર ! હું સમજદાર હોવા છતાં છેતરાઈ ગયો. હે વીર ! જો હું આ જાણતો હોત કે આપ મને આવી રીતે રઝળતો મૂકીને ચાલ્યા જશો, તો હું આપનો આદેશ હોવા છતાં દેવશમાં પાસે ન જાત. હે વીર ! દેવશમને પ્રતિબોધ તો બીજા કોઈ દિવસે પણ દઈ શકાત. આપે મને અંતિમ સમયે આપનાથી શા માટે દૂર કર્યો? હે વીર ! અંતિમ સમયે આપ મને આપની પાસે રાખત તો શું નુકસાન થાત? હું આપની પાસે મોક્ષનો ભાગ થોડો માંગવાનો હતો? હે વીર ! આપની પછી આ શાસનની કેવી હાલત થશે? સૂર્યાસ્ત થયા પછી ઘુવડ અવાજ કરવા લાગે છે, એમ જ હવે ધર્મસૂર્ય-જ્ઞાનસૂર્યનો અસ્ત થઈ જવાથી અજ્ઞાની-પાખંડી ભોળા જીવોને ઠગશે.” - આ પ્રકારે વારંવાર વીર’ ‘વીરના ઉચ્ચારણને લીધે એકાએક શ્રી ગૌતમસ્વામીજીને એ વિચાર આવી ગયો કે ભગવાન તો વીતરાગ હતા. તેમને મારામાં કોઈ પ્રકારનો મોહ ન હતો. આ મારો જે દોષ હતો કે હું એમના પ્રત્યે મોહિત થઈ ગયો હતો. તેઓએ મારો પ્રશસ્ત નેહરાગ દૂર કરવા જ મને પોતાના અંતિમ સમયે દૂર મોકલી દીધો હતો. હું માત્ર રાગભાવને લીધે જ તેમને મારાથી જુદા માની રહ્યો હતો. વાસ્તવમાં તો અમે બંન્ને એક જ છીએ. આમ ચિંતન-સાગરમાં ગોથાં ખાતાં ખાતાં કારતક સુદ એકમને દિવસે શ્રી ગૌતમસ્વામીજીને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. અહંકારને કારણે તેઓ પ્રતિબોધિત થયા, રાગ સહિત તેઓએ ગુરુભક્તિ કરી અને વિલાપ કરતાં કરતાં તેઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
ઇન્દ્રાદિક દેવતાઓએ તેમના કેવળજ્ઞાનનો મહોત્સવ ઊજવ્યો. તેઓ સિંહાસન પર કેવળલક્ષ્મી સાથે શોભી રહ્યા. અનુપમ આભાથી તેમનું મુખમંડળ દેદીપ્યમાન થઈ ઊઠ્યું.