________________
૫૩૬ ]
[ મહામણિ ચિંતામણિ
આવા જ એક મહાસંત, શ્રેષ્ઠ સાધક અને સિદ્ધ મહાપુરુષ હતા ગુરુ ગૌતમસ્વામી, જે શ્રમણ ભગવાન મહાવીરના ધર્મતીર્થના અમૃતનું પાન કરીને અજર-અમર બની ગયા. | દીનદુઃખી જગત આજે પણ એ મહાપુરુષની લબ્ધિ, ઋદ્ધિ અને સિદ્ધિઓનું સ્મરણ કરીને
એમનું શરણ શોધે છે. સૌ ભાવિક નરનારીઓ અમૃતના અધિકારી એ પ્રાતઃ સ્મરણીય ધર્મપુરુષનું પુણ્યસ્મરણ કરીને એમની સ્તુતિ કરતાં કહે છે ?
“અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર;
તે ગુરુ ગૌતમ સમરીએ, મનવાંછિત ફલદાતાર.” ધર્મશાસ્ત્રોની રચના ભૂમિ, ધર્મનાયકોની અવતારભૂમિ, ધર્મ અને ધર્મતીર્થોની સ્થાપનાભૂમિ, ભગવાન મહાવીરના જન્મ અને નિવણની ભૂમિ, બડભાગી મગધ દેશ ! ધમ, ધર્મસ્થાપકો અને ધર્મશાસ્ત્રોના ત્રિવેણીસંગમે એ ધરતીના કણ કણને પાવન બનાવી ધર્મ-સંસ્કારિતાનો ! ઇતિહાસ સર્જ્યો હતો. એ પુરાણસિદ્ધ મગધદેશ એ જ અત્યારનો બિહાર પ્રદેશ.
મગધદેશમાં ગોબર નામનું ગામ, વિદ્યા અને વિદ્વાનોની ખાણ, વૈદિક બ્રાહ્મણધર્મનું ધામ. એમાં એક યજ્ઞ-કર્મ અને વેદવેદાંગ-પારંગત વિપ્રવર રહે. વસુભૂતિ એનું નામ. યજ્ઞકર્મ અને વિદ્યાદાન એ જ એમનો વ્યવસાય. એમનાં ભાર્યાનું નામ પૃથ્વીદેવી. ગૌતમ એનું ગોત્ર. પૃથ્વીમાતાને ત્રણ પુત્રો હતા : 'ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. ત્રણેય સૂર્ય, ચંદ્ર અને ઇન્દ્ર સમાન તેજસ્વી હતા. આ બંધુત્રિપુટી વિદ્યા, ધર્મ અને શુચિતાના પવિત્ર સંગમરૂપ હતા.
પંડિત ઇન્દ્રભૂતિનો જન્મ શ્રમણ ભગવાન મહાવીર વર્ધમાન પહેલાં આઠ વર્ષે વિક્રમ સંવત પૂર્વે ૫૫૦માં, આજથી લગભગ ૨૫૫૦ વર્ષ પહેલાં થયો હતો. તેમની કાયા વજ જેવી મજબૂત હતી. તેમનાં હાડકાં વજૂઋષભનારાજ નામે સંઘયણ (સાંધા)વાળાં હતાં. એમની સાત હાથ ઊંચી પડછંદ કાયાનાં અંગ-પ્રત્યંગો પ્રમાણસર અને સોહામણાં હતાં. જેનું એક એક અંગ પ્રમાણસર હોય એવો દેહ. એમનો વર્ણ સોનાની રેખ જેવો ઊજળો અને તેજસ્વી હતો. પણ પોતાની આવી સુંદર, સુદઢ અને નીરોગી કાયાનું એ વિપ્રવરને ભાન ન હતું અને અભિમાન પણ ન હતું. કાયા તો એમને મન સાધનાનું માત્ર સાધન હતી.
એ જ કાળની વાત છે. અપાપાનગરીમાં સોમિલ નામે એક ધનાઢ્ય બ્રાહ્મણ રહે. એણે મોટો યજ્ઞ આદર્યો હતો. એ માટે એણે મોટા મોટા અગિયાર વિદ્વાન બ્રાહ્મણોને નોતર્યા હતા. તેમાં પહેલા ત્રણ, એટલે કે, ઇન્દ્રભૂતિઅગ્નિભૂતિ અને વાયુભૂતિ મોખરે હતા. અગિયારે બ્રાહ્મણોની ક્રિયાકાંડ અને મંત્રાક્ષરોમાં ખૂબ જ ખ્યાતિ હતી. લોકોમાં એવી માન્યતા હતી કે તેમના મંત્રોચ્ચારોથી દેવલોકના દેવ પણ યજ્ઞમાં આવતા.
આ યજ્ઞ વેળાએ આ નગરીની બીજી દિશામાં એક ઉદ્યાનમાં પ્રભુ મહાવીર પધાર્યા હતા. અને વિદ્વાન બ્રાહ્મણો દેવોના આગમનની રાહ જોતા હતા ત્યારે જ દેવો આકાશમાં પસાર થતા દેખાયા. બ્રાહ્મણો રાજી થયા, પણ દેવોનાં વિમાનો તો બીજી દિશામાં જતાં દેખાયાં. કોઈને પૂછવાથી જાણ થઈ કે અહીં મહાજ્ઞાની સર્વજ્ઞ એવા મુનિ પધાર્યા છે. ત્યારે પંડિત ઇન્દ્રભૂતિને આઘાત લાગ્યો અને કહ્યું કે, મારા જેવા સર્વ શાસ્ત્રોના જ્ઞાતા અને સર્વવિદ્યાવિશારદ મહાપંડિત બેઠા હોવા છતાં આ સર્વશપણાનો ઢોંગ કરનાર વળી કોણ છે?