________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૫૩૫
આત્મસાધનાના અમૃતદાતા
ગણધર ગૌતમસ્વામી
-શ્રી ચેતન વેલજી છેડા
સાદી અને સરળ ભાષામાં વર્ણવેલી ઘટનામાં પણ સાચી સંવેદનાનો ધબકાર હોય તો તે પ્રભાવક બન્યા વગર રહે નહિ. અહીં ગૌતમસ્વામીના જીવનચરિત્રને લેખકે સરળ પણ વેધક શૈલીથી વ્યક્ત કરીને તેમના પ્રભાવનો પરચો આપ્યો છે. સાચો ભાવક એમાં રહેલી ભક્તિની ભાવભરી સંવેદનાઓ પામીને ધન્ય બનશે જ.
-સંપાદક
“સર્વારિષ્ટ પ્રણાશાય, સર્વાભિાર્થદાયિને .
સર્વલબ્લિનિધાનાય, શ્રી ગૌતમસ્વામિને નમઃ ' લોભ, લાલચ અને લોલુપતા જેને વળગે છે તે માનવી દીન, રક અને નિસ્તેજ બની જાય છે અને અગ્નિના સ્પર્શથી જેમ બીજ નિઃસાર થઈ જાય છે એમ, આવી ઠગારી આશાનો દાસ બનેલો માનવી પોતાનું સર્વ સત્ત્વ ગુમાવી બેસે છે. સંતોએ આવી આશાને હંમેશાં જાકારો આપ્યો છે. આ સર્વથી મુક્તિ મેળવવી એ પણ એમની સાધનાનું એક ધ્યેય હોય છે. આવી આશા તો નિરાશાહતાશા કરતાં પણ વધારે નુકસાન કરનારી અને લાચાર બનાવનારી છે. સંતોની સાધના તો અમર આશાથી ભરેલ જીવંત સાધના હોય છે. તેથી જ એમને નિરાશા અને ગમગીની સ્પર્શી શકતી નથી અને એમની સાધનામાંથી જ જન્મતી સિદ્ધિ સૌ કોઈની આશાનો આધાર બની રહે છે.
આવી આશાના મહાન આધારસ્તંભ હતા અનંતલબ્ધિના સ્વામી ભગવાન મહાવીરદેવના પરમ વિનયી મુખ્ય શિષ્ય અને પ્રથમ ગણધર ગુરુ ગૌતમસ્વામી. એમના નામનો એટલો બધો મહિમા છે કે મરતાંને જીવન મળે, દુઃખિયાનું દુઃખ દૂર થાય, રોગ-શોક-સંતાપ શાંત થઈ જાય, ભય માત્ર નાશ પામે અને સર્વત્ર સુખ-શાંતિ અને આનંદ-મંગળ પ્રવર્તી રહે! એ ધર્મપુરુષનો અને એમના નામસ્મરણનો એ પ્રભાવ છે. એ પ્રભાવ છે એમની નિર્મળ, નિઃસ્વાર્થ અને નિષ્કપટ જીવનસાધનાનો અને પરગજુ પ્રકૃતિનો. એમની એ સાધના આજે પણ કંઈક જીવો માટે આશ્વાસન, આશા અને આધારરૂપ બનીને એમનામાં બળ, બુદ્ધિ ને તેજ પ્રગટાવે છે. ધર્મના આ અમૃતનું પાન કરનારાં સંતો અને સતીઓ યુગે યુગે આવતાં જ રહે છે અને કેટલાક આત્માઓ તો એ અમૃતનું પાન કરવાની સાથે સાથે પોતાની શ્રેષ્ઠ સાધનાના અમૃતનું દાન કરીને એ પરબોને વધારે સમૃદ્ધ બનાવતા જાય છે.