________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
૫૦૯
ક્ષણભરમાં જ ઇન્દ્રભૂતિનો આ હર્ષ આશ્ચર્યમાં પરિવર્તિત થઈ ગયો. જોત-જોતામાં દેવગણ યજ્ઞમંડપ પાર કરીને આગળ નીકળી ગયો. તેઓએ કહ્યું : “અરે, મનુષ્યથી તો ભૂલ થઈ જાય, પણ આજ દેવતાઓથી આ કેવી ભૂલ થઈ રહી છે ! મહાયજ્ઞ તો અહીં ચાલી રહ્યો છે અને આ દેવગણ આગળ ક્યાં જઈ રહ્યો છે ?' એવામાં એમને કંઈક અવાજ સંભળાયો : “ચાલો, ચાલો, જલદી કરો. સર્વજ્ઞ દેવના દર્શનમાં વિલંબ થઈ રહ્યો છે.”
આ વાત સાંભળતાં જ ઈન્દ્રભૂતિનું અભિમાન જાગી ઊઠ્યું. ઈષ્યથી અભિભૂત થઈને તેઓ અન્ય બ્રાહ્મણોને કહેવા લાગ્યા : “આ તો ખૂબ આશ્ચર્યની વાત છે કે આજ દેવગણ ભટકી ગયો. મનુષ્ય તો ભૂલ કરે, પણ આ દેવગણ તો પ્રબુદ્ધ હોવા છતાં ભૂલ કરી રહ્યો છે. મહાયજ્ઞ તો અહીં ચાલી રહ્યો છે અને આ દેવસમૂહ આગળ ક્યાં જઈ રહ્યો છે? સાક્ષાત્ સર્વજ્ઞ એવો હું અહીં ઉપસ્થિત છું, તો પછી આ દેવગણ કોના દર્શનથી કૃતાર્થ થવા માટે જઈ રહ્યો છે ? આ બીજો સર્વજ્ઞ કોણ છે?'
આ સાંભળીને એક બ્રાહ્મણે કહ્યું : “હે સ્વામી! કોઈ એક માયાવી પુરુષ નગરની બહાર પોતાની માયાજાળ ફેલાવીને બેઠો છે. કોઈએ એવી અફવા ફેલાવી છે કે તે બીજાના મનની વાત જાણે છે. આ અફવાને લીધે બિચારાં ભલાંભોળાં લોકો એની માયાજાળમાં ફસાઈ રહ્યાં છે. આ અફવા જંગલની આગની જેમ ચારે તરફ ફેલાઈ ગઈ છે, કદાચ એટલા માટે જ દેવગણ પણ એમની પાસે જઈ રહ્યો છે.” આ સાંભળીને ઇન્દ્રભૂતિને ક્રોધ આવી ગયો. તેમણે આવેશમાં આવીને કહ્યું : “એવો કોણ છે કે જે મારા જેવા સર્વજ્ઞ સામે ટક્કર લઈ શકે છે? આ દેવગણ ભલે એમની માયાજાળમાં ફસાય, પણ હું એમની માયાજાળમાં નહીં ફસાઉં. હું એમની માયાજાળને તોડીને સમગ્ર સંસારની સામે એની પોલ ઉઘાડી પાડી દઈશ. એણે મારી ગુફામાં પ્રવેશ કર્યો છે. હવે એ મારાથી બચી નહીં શકે. ઓ માયાવી સર્વજ્ઞ ! હું તારી પાસે આવી રહ્યો છું. એક મ્યાનમાં એક જ તલવાર રહી શકે છે. હું જ્ઞાનસૂર્ય છું. જેમ સૂર્યના આગમનથી ઘુવડને છુપાઈ જવું પડે છે, તેમ મારી તરફ જોતાં જ તારી આંખો અંજાઈ જશે. તું મારું તેજ સહન નહીં કરી શકે. ભયભીત થઈને તારે ભાગી જવું પડશે. સાવધાન ! તારી સાથે ટક્કર લેવા હું આવી રહ્યો છું. માયાવીઓની માયાજાળથી ભોળા જીવોનું રક્ષણ કરવું એ મારું પરમ કર્તવ્ય છે. આટલું કહીને પોતાના પાંચસો શિષ્યોને સાથે લઈને પંડિતશિરોમણિ ઇન્દ્રભૂતિ સર્વજ્ઞ દેવ સાથે શાસ્ત્રાર્થ કરવા નીકળી પડ્યા.
આ સર્વજ્ઞ દેવ કોણ હતા? તેઓ બીજા કોઈ નહીં, જ્ઞાતપુત્ર વર્ધમાન મહાવીર હતા. વૈશાખ સુદ દશમને દિવસે સાંજના સાડા ચાર વાગે જૈભિક ગામની બહાર, જુવાલિકા નદીને કિનારે, શાલિવૃક્ષની નીચે, બેલેની તપસ્યા સહિત ગોદુહ આસનમાં ભગવાન જ્યારે શુકુલધ્યાનમાં લીન હતા ત્યારે ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચતાં જ–ક્ષપકશ્રેણી પર આરોહણ કરતાં જ–તેઓનાં સમસ્ત ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો હતો અને તેઓને લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. પરંતુ ત્યાં દેવો નિર્મિત સમવસરણમાં મનુષ્યોની અનુપસ્થિતિના કારણે ધર્મલાભનો અભાવ જાણીને ભગવાન ત્યાંથી વિહાર કરીને પાવાપુરી પધાર્યા હતા. અને ત્યાં મહાસેન નામના ઉદ્યાનમાં સમવસરણની રચના કરવામાં આવી હતી.