________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
મને અસહ્ય થઈ પડે છે. સ્ત્રી એકવાર પણ સતીત્વથી ભ્રષ્ટ થાય તો તે અ-સતી જ કહેવાય, તેમ આવો એક વાદી જિતાયા વિનાનો રહી જાય તો પણ મારી કીર્તિને મોટું કલંક લાગે. તમે તો જાણો છો જ કે શરીરમાં રહી ગયેલું નાનું શલ્ય પણ પ્રાણઘાતક નીવડે છે. વહાણમાં પડેલું નાનું ગાબડું બધાનો પ્રાણ-નાશ કરવા સમર્થ છે. કિલ્લાની મજબૂત દીવાલોમાંથી એકાદ ઈંટ ખસી પડે તો તે પણ જોખમકારક ગણાય છે. માટે હે અગ્નિભૂતિ ! જગતના વાદીઓને જીતીને મેં જે અક્ષય કીર્તિ મેળવી છે તેનો વિચાર કરતાં, આ વાદીને જીતવા મારે પોતે જ જવું જોઈએ, એમ મને ચોક્કસ લાગે છે.
ઇન્દ્રભૂતિની બિરદાવલી
૪૯૭
એ વખતે ઇન્દ્રભૂતિએ આખા શરીર ઉપર બાર જેટલાં તિલક કર્યાં હતાં, સુવર્ણની જનોઈ પહેરી હતી, અને ઉત્તમોત્તમ પીતાંબર ધારણ કર્યાં હતાં. તે મહાવીર પ્રભુ સાથે વાદ-વિવાદ કરવા ઊપડ્યો, તેની સાથે તેના પાંચસો શિષ્યો પણ ચાલી નીકળ્યા. શિષ્યોના હાથમાં પુસ્તકો હતાં. કેટલાકે એક હાથમાં કમંડલુ અને કેટલાકે દર્ભ રાખ્યા હતા. આ પાંચસો શિષ્યો ઇન્દ્રભૂતિની બિરદાવલી ગાતા બોલવા લાગ્યા : હે સરસ્વતી કંઠાભૂષણ ! હે વાદી-મદ-ગંજન ! હે વાદી-તરુ-ઉન્મૂલન હસ્તિ ! હે વાદી-ગજસિંહ ! હે વિજિત-અનેકવાદ ! હે વિજ્ઞાન-અખિલ-પુરાણ ! હે કુમત-અંધકારનભોમણિ ! હે વિજિત-અનેક-નરપતિ ! હે શિષ્યા ́ત બૃહસ્પતિ ! હે સરસ્વતી લબ્ધ-પ્રસાદ ! વગેરે-વગેરે. ચાલતાં-ચાલતાં આખા માર્ગનું વાતાવરણ ઉપર્યુક્ત બિરુદાવલીઓથી ભારે થઈ ગયું. ઇન્દ્રભૂતિના અહંકારના તરંગો
માર્ગમાં જતાં-જતાં ઇન્દ્રભૂતિના મનમાં અહંકારના અનેક તરંગો ઊછળવા લાગ્યા : “અરે ! આ ધીઠા માણસને આવું પાખંડ ક્યાંથી સૂઝ્યું? એણે મને નાહકનો શા સારુ છંછેડ્યો ? જેમ દેડકો સાપને લાત મારવા તૈયાર થાય, ઉંદર બિલાડીની દાઢ પાડવા તૈયાર થાય, બળદ ઇન્દ્રના ઐરાવત હાથીને પ્રહાર કરવા આતુર થાય, સામાન્ય હાથી પર્વતને તોડી નાખવાનો ડોળ કરે અને સસલો કેસરી સિંહની કેશવાળી ખેંચવાનું સાહસ કરે, તેમ મારા દેખતાં આ માણસને પોતાનું સર્વજ્ઞપણું પ્રસિદ્ધ કરવાનું ક્યાંથી સૂઝ્યું? એને ખબર નથી કે આ વાયુ સામે ઊભો રહી પોતે આગ સળગાવી રહ્યો છે ? અને એને એમ પણ ખબર નથી કે શરીરના સુખ માટે કૌવચની વેલને આલિંગન કરવાથી તો ઊલટી વેદના થાય ? ખેર ! એનો ખોટો આડંબર ક્યાં સુધી ટકવાનો હતો ? જોત-જોતામાં હું એને નિરુત્તર બનાવી દઈશ. આગિયાના કીડા અને ચંદ્ર-તારાના પ્રકાશ ક્યાં સુધી ટકે ? સૂર્યનો ઉદય થતાં જ એ બધા નાસી જવાના. જ્યાં સુધી કેસરીની ગર્જના ન સંભળાય ત્યાં સુધી મદોન્મત્ત હાથી ભલે ગર્જના કરી લે !
એક રીતે તો આ ઠીક જ થયું. બધા વાદીઓ મારા નામ માત્રથી બીઈને, ડરીને, ગભરાઈને દૂર-દૂર નાસી જતા હોવાથી, ઘણા વખતથી મને કોઈ ાદી જ મળતો ન હતો, અને મને પણ વાદી સાથે વાદ કરવાની તાલાવેલી લાગી હતી તે ઇચ્છા આજે પૂરી થતાં મને ખરેખર આનંદ જ થવો જોઈએ. ભૂખ્યાંને ભોજન મળવાથી જે તૃપ્તિ થાય, જે આનંદ થાય, તે તૃપ્તિ અને આનંદ આજે મને પ્રાપ્ત થયાં છે. હાશ! આજે આ ઘમંડી વાદી સાથે વાદ કરીને મારી જીભની ચળ ઉતારીશ. વ્યાકરણમાં તો હું એવો પરિપૂર્ણ છું કે એ વિષે
૬૩