________________
૫૦૪ ]
[ મહામણિ ચિંતામણિ
ગૌતમસ્વામીનો શિષ્ય
-સુશીલ
આ ભવના નહીં પણ પૂર્વ ભવોના જડ સંસ્કારો કેવાં કેવાં કામ કરે છે તે આ કથા બહુ જ રહસ્યમય રીતે સમજાવે છે. સ્નેહરાગ, કામરાગ અને દૃષ્ટિરાગનાં બંધનો યુગો સુધી બંધાઈ જાય છે. વૈર અને સ્નેહના પછી તો ગુણાકારો થયા જ કરે અને તેના પડઘા અને પડછાયા જાણે ભવોભવ સાથે જ હોય તેવી પ્રતીતિ થયા કરે છે.
પ્રભુ વીરના ૧૬મા ભવથી લઈને છેક છેલ્લા ભવ સુધી સંકળાયેલી આ કથા આપણને ઘણું બધું કહી જાય છે. પ્રભુનું દર્શન બોધિબીજનું વાવેતર કરી જ દે છે, એ વાત સ્પષ્ટપણે આમાંથી જ સમજાય છે. લેખક શ્રી સુશીલના વિપુલ સાહિત્યસર્જનથી સમગ્ર જૈન સમાજ પૂરી રીતે વાકેફ છે. પ્રાચીન જૈનસાહિત્યનાં રહસ્યોને બહાર લાવવામાં તેમનું પ્રદાન ઘણું મોટું છે. -સંપાદક
કેટલાક ચહેરા જ એવા ભવ્ય અને મનોહર હોય છે કે જે અપરિચિત છતાં જાણે ઘણા જૂના કાળના આપ્તજન હોય એવા લાગે; જેને જોતાં જ પ્રેમના અંકુર પ્રકટે. એથી ઊલટું, કેટલીકવાર એવા ચહેરા પણ નજરે પડે કે જેમને જોઈને આપણને કોઈ પણ પ્રકારનો સદ્ભાવ ન સ્ફુરે – જાણે કે જૂના કાળના વિરોધી હોય એવી બેચેની અનુભવીએ. આમ શા સારુ બનતું હશે તેનું સમાધાન તત્કાળ મળી શકતું નથી. પણ આત્મા જે અનંત કાળથી વિવિધ પ્રકારના રાગ-દ્વેષ પ્રકટાવતો અને અવનવા સંબંધ બાંધતો ભ્રમણ કરી રહ્યો છે તેનો ઇતિહાસ તત્ત્વદૃષ્ટિએ તપાસવામાં આવે તો ઘણા કઠિન પ્રશ્નો સહેલાઈથી ઉકેલી શકાય. ભગવાન શ્રી મહાવીરસ્વામીના જીવનમાં પણ એવો જ એક પ્રસંગ બન્યો હતો.
એકવાર જંગમ કલ્પવૃક્ષ સરખા શ્રી મહાવીરસ્વામી અને તેમના પ્રિય શિષ્ય ગૌતમસ્વામી વિહાર કરતાં એક ગામથી બીજે ગામ જતા હતા. સૂર્ય માથે પહોંચ્યો હતો. કિરણોના તાપથી ધરતી ઊની જ્વાળાઓ ફેંકતી હતી.
માર્ગની એક બાજુએ એક ખેડૂત હળ હાંકતો પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. તાપના પ્રકોપને લીધે તેનો ચહેરો તપાવેલા ત્રાંબાની જેમ લાલચોળ દેખાતો હતો. પ્રભુએ તેની તરફ દષ્ટિ કરી ગૌતમસ્વામીને સંબોધીને કહ્યું : “ગૌતમ ! આને પ્રતિબોધ કરવા જેવું છે. તને મોટો લાભ થશે.'
ગૌતમસ્વામીને માટે આટલો ઇશારો બસ હતો. તે એકદમ પેલા ખેડૂત પાસે ગયા. મહાવીર પોતાને માર્ગે આગળ ચાલ્યા.
ખેડૂતને શ્રી ગૌતમસ્વામીની ભવ્ય અને પુણ્યપ્રભાવી આકૃતિમાં કોઈ અદ્ભુત પ્રશમરસની