________________
૪૯૬ ]
[મહામણિ ચિંતામણિ
ન ગાઈ શકાય. પરાર્ધથી ઉપર ગણિત હોય અને સર્વજ્ઞ પ્રભુનાં ગુણ-ગાન ગાવામાં આવે તો પણ તે અધૂરાં ને અધૂરાં રહી જાય.
આવા જવાબો સાંભળી ઇન્દ્રભૂતિ તો ડઘાઈ ગયો. તેને થયું કે ? ખરેખર એ ધૂર્ત જબ્બર માયાવી હોવો જોઈએ. જુઓ તો ખરા, તેણે આ સમગ્ર જનતાને કેવી આંજી નાખી છે ! પરંતુ તેથી શું થયું? હાથી કમળને ઉખેડી નાખે અને સિંહ એકાદ હરણને હણી નાખે, તેમાં તેની બહાદુરી ન ગણાય. જ્યાં સુધી એ સર્વજ્ઞ મારી સાથે વાદ-વિવાદમાં નથી ઊતર્યો ત્યાં સુધી જ તેનું મિથ્યાભિમાન ટકી રહેવાનું.
પણ આમ મારે બેઠાં-બેઠાં ક્યાં સુધી મનઃસંતાપ કરવો? જેમ અંધકારના સમૂહનો નાશ કરવામાં સૂર્ય જરા પણ વિલંબ કરતો નથી, જેમ અગ્નિને હાથનો સ્પર્શ થતાં જ તે પોતાનો પ્રતાપ બતાવી આપે છે, અથવા સિંહ પોતાની કેશવાળી ખેંચાતાં જેમ ભયંકર ગર્જના કરે છે, તેમ મારે પણ એ સર્વજ્ઞનો મિથ્યાડંબર જોતજોતામાં તોડી નાખવો જોઈએ.
જેણે પ્રખર પંડિતોની સભામાં ભલભલા વાદીઓનાં મોં બંધ કરી દીધાં છે એવા મારી પાસે, આ ઘરમાં જ શૂરવીર બની બેઠેલો સર્વજ્ઞ કયાં સુધી સ્પર્ધા કરી શકવાનો હતો? જે અગ્નિ મોટા-મોટા પર્વતોને ક્ષણમાત્રમાં બાળીને ભસ્મ બનાવી દે તે અગ્નિ પાસે એક સુક્કા લાકડાનું શું ગજું? જે વાયુ મદોન્મત્ત હાથીઓને પણ ઉડાડી મૂકે, તેની પાસે એક રૂની પૂણીનું શું ગજું?
ગૌડ દેશના પંડિતો તો મારા ભયથી દૂર અન્ય દેશમાં નાસી ગયા છે. ગુજરાતના પંડિતો જર્જરિત થઈને ત્રાસ પામ્યા છે. મારી બીકથી માળવાના પંડિતો તો મરી ગયા છે. તિલંગ દેશના પંડિતો તો મારાથી ડરીને ક્યાંય નાસી ગયા છે, તેમનો તો પત્તો જ નથી. દ્રાવિડ દેશના વિચક્ષણ પંડિતો શરમથી દુઃખી-દુઃખી થઈ રહ્યા છે. આજે કોઈ વાદી મારી સામે વાદ-વિવાદ કરવા ઊભો રહેવાની હિમ્મત કરતો નથી. અરે ! દુનિયામાં વાદીઓનો મોટો દુકાળ પડ્યો છે! આવી રીતે દરેક દેશના પંડિતોને જીતી જગતમાં વિજય-પતાકા ફરકાવનાર એવા મારી પાસે, સર્વજ્ઞ તરીકે મિથ્યા અભિમાન કરનારા આ પામર સર્વજ્ઞના શા ભાર છે ? અગ્નિભૂતિ સાથે આલોચના
ઇન્દ્રભૂતિએ પોતાના ભાઈ અગ્નિભૂતિને કહ્યું : ભાઈ, મગ પકાવતાં કોઈ કોરડુ દાણો રહી જાય તેમ બધા વાદીઓને જીતવા છતાં આ વાદી ક્યાં સંતાઈ ગયેલો? મને લાગે છે કે મારે પોતે જ તેને પરાસ્ત કરવો જોઈએ. અગ્નિભૂતિ બોલ્યો : વડીલ બંધુ! એક પામર વાદીને જીતવા તમારે શા માટે તસ્દી લેવી જોઈએ? એક કમળને ઉખેડીને ફેંકી દેવા શું ઈન્દ્રના ઐરાવત હાથીની જરૂર પડે? મને આજ્ઞા આપો, હું પોતે જ આ વાદીને પરાસ્ત કરી આવું.
ઇન્દ્રભૂતિ કહે : અરે! આ કામ તો મારો એક સામાન્ય શિષ્ય પણ કરી શકે તેમ છે. પણ મને એમ થાય છે કે આ વાદીનો પરાજય મારે જ કરવો જોઈએ. એમ બને કે તલની ઘાણીમાં એકાદ તલ પિલાયા વિનાનો રહી જાય, ઘંટીમાં એકાદ દાણો દળાયા વિનાનો રહી જાય, ખેતરમાં ઘાસ કાપતાં એકાદ તણખલું કપાયા વગરનું રહી જાય, અગમ્ય ઋષિ સમુદ્રો પીતાં કોઈ એકાદ ખાબોચિયું પીવાનું ભૂલી જાય, તેમ જગતના બધા વાદીઓને જીતતાં, ભૂલથી આ એક વાદી રહી ગયો લાગે છે. કોઈનો પણ “સર્વજ્ઞપણા'નો મિથ્યાડંબર