________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૪૫
આપ્યો કે બહિર્ભૂત આત્મા, ચાર કષાય અને પાંચ ઇન્દ્રિયો શત્રુ છે. તેને જીતવાથી નિર્ભય થઈ વિચરી શકાય છે. કેશીકુમારે મુક્તપાશ ગૌતમને પાશના પ્રકાર, તૃષ્ણારૂપી ભયંકર લતા, ભીતર પ્રજ્વલતા ઘોર અને પ્રચંડ અગ્નિ અને તેના પ્રકાર વિષે પ્રશ્નો પૂછી સંતોષકારક સમાધાન મેળવ્યું.
ગૌતમે કહ્યું કે મન જ દુઃસાહસિક અને ભીમ અશ્વ છે. ધર્મશિક્ષારૂપી લગામ દ્વારા એનો નિગ્રહ થાય છે. સન્માર્ગે ગમન કરનાર તથા ઉન્માર્ગે પ્રસ્થાન કરનારને સારી રીતે જાણવાથી સન્માર્ગથી વિચલિત થવાતું નથી. જિન-ભાષિત સન્માર્ગ નિશ્ચયરૂપ ઉત્તમ માર્ગ છે. જરા-મરણના વહેણમાં ડૂબતાં પ્રાણીઓ માટે ધર્મદ્વીપ પ્રતિષ્ઠારૂપ છે અને એમાં ગમન કરવું ઉત્તમ શરણરૂપ છે. શરીર એ નૌકા છે. આત્મા એનો નાવિક છે. સંસાર સમુદ્ર છે. આ સમુદ્રને મહર્ષિજન સહજપણે તરી જાય છે. સર્વશ જિન-ભાસ્કર ઉદિત સૂર્ય સમાન છે અને સારાયે વિશ્વમાં ઉદ્યોત કરે છે.
નિર્વાણ, સિદ્ધિ, લોકાગ્ર, ક્ષેમ, શિવ અને અવ્યાબાધ નામોથી પ્રસિદ્ધ એવા ધ્રુવસ્થાને જરા, મરણ અને વ્યાધિ નથી. અહીં આરોહણ કરવું નિતાન્ત દુષ્કર છે. આ સ્થાન પ્રાપ્ત કરી ભવપરંપરાનો અંત કરનાર મુનિજન ચિંતામુક્ત થઈ જાય છે.
કેશીકુમારની શંકાઓનું સંતોષકારક નિરાકરણ થતાં ગણધર ગૌતમને નમસ્કાર કરી તેઓ ભગવાન મહાવીરના ભિક્ષુસંઘમાં ભળી ગયા.
પાંચાલના કમ્પિલપુર નગરની બહાર સહસ્રામવન ઉદ્યાનમાં ભગવાન વિરાજ્યા હતા. કમ્પિલપુરમાં અંબડ નામનો એક બ્રાહ્મણ પરિવ્રાજક પોતાના સાતસો શિષ્યો સાથે રહેતો હતો. એણે ભગવાનનું ત્યાગ-વૈરાગ્યમય જીવન જોયું અને તે સર્વ શિષ્યો સાથે જૈન ધર્મનો ઉપાસક થઈ ગયો.
એક દિવસ ભિક્ષા માટે પરિભ્રમણ કરતા ગણધર ગૌતમે સાંભળ્યું કે અંબડ સંન્યાસી એકસાથે સો ઘરમાંથી આહાર ગ્રહણ કરે છે, અને તે એક જ સમયે સોએ ઘ૨માં જોવા મળે છે. ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને આ વિષે પૂછ્યું. ભગવાને ખુલાસો કર્યો કે અંબડ ભદ્ર સ્વભાવનો છે. નિરંતર છઠ્ઠ-તપસ્યાની સાથે આતાપના લેવાથી વીર્યલબ્ધિ સાથે અવધિજ્ઞાન પણ પ્રાપ્ત થયું છે. આને કારણે તે સો રૂપ બનાવી સો ધરમાં દેખાય છે અને ત્યાંથી આહાર ગ્રહણ કરે છે.
મહાવીરે વધુમાં કહ્યું કે અંબડ જીવાજીવનો જ્ઞાતા શ્રમણોપાસક હોવા છતાં શ્રમણ-ધર્મનો સ્વીકાર કરશે નહીં. અંબડના અંત વિષે ભગવાને કહ્યું હતું કે અનેક વર્ષો સુધી સાધનાપૂર્ણ જીવન વિતાવી અંબડ સંન્યાસી આખરે એક માસના અનશનની આરાધના કરી બ્રહ્મલોકમાં દેવ બનશે અને અંતમાં અંબડનો જીવ મહાવિદેહમાં મનુષ્યજન્મ પામી નિર્વાણ પ્રાપ્ત કરશે. [ઔષપાતિક સૂત્ર, અંબડ પ્રકરણ
વર્ષાવાસ પૂર્ણ થયા પછી ભગવાને વૈશાલીથી મગધ તરફ પ્રયાણ કર્યું. તેઓ રાજગૃહ પધાર્યા. અહીં અન્ય-મતાવલંબી કેટલાક સાધુ અને પરિવ્રાજકો રહેતા હતા. તેઓ પોતાના મતનું મંડન અને અન્યના મતનું ખંડન કરતા હતા. આ જોઈ અન્ય-મતાવલંબીઓની વિચારધારા ક્યાં સુધી સત્યલક્ષી છે તે જાણવા ગૌતમે ભગવાનને પૂછ્યું :
“કેટલાકને મતે શીલ શ્રેષ્ઠ, કેટલાકને મતે શ્રુત શ્રેષ્ઠ, ત્યારે કેટલાકને મતે શીલ અને શ્રુત બન્ને શ્રેષ્ઠ. તો આપનો શો અભિપ્રાય છે ?” ભગવાન મહાવીર બોલ્યા : “ગૌતમ ! પુરુષ ચાર પ્રકારના હોય છે. કેટલાક શીલસંપન્ન હોય છે પણ શ્રુતસંપન્ન હોતા નથી. કેટલાક શ્રુતસંપન્ન હોય