________________
૪૬૮ ]
[ મહામણિ ચિંતામણિ
યાદ પીડતી હતી. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો, તો એ નાચી ઊઠ્યો : રે! મારો કલ્યાણમિત્ર સુધમાં તો મારી નજીક જ વિમાનમાં દેવ તરીકેની પુણ્યાઈ ભોગવી રહ્યો છે. આ તો કેડમાં છોકરું અને ગામમાં.. ને જ્યોતિમલી સીધો જ એ વિમાનમાં પહોંચી ગયો. પોતાની કલ્યાણમૈત્રી તાજી કરાવીને એણે વિદ્યુમ્ભાલીને કહ્યું : મિત્ર! આ તો ભોગની લપસણી ભૂમિ છે. આપણે અરસ-પરસ એકબીજાના કલ્યાણમિત્ર બનીને રહીશું, તો-તો ઠીક છે, નહીં તો કઈ ગોઝારી ગતિમાં ગમન કરવું પડશે, એ કોણ જાણે?
સબરસના સંગથી બધું ભોજન ભાવતું થઈ જાય, એમ મિત્રની માધુરી સાંપડતાં જ્યોતિમલીના આનંદની કોઈ અવધિ ન રહી. ભોગી ભ્રમર મન ભરીને પરાગ પીએ, એમ બંને દેવમિત્રો પ્રભુભક્તિના પ્રસંગોમાં પેટ ભરીને ધર્મ-રસ પીતા રહ્યા.
લડાઈના બાણને નિષ્ફળ બનાવવામાં ભલે માનવજાત મર્દ રહી, પણ લલનાનાં કટાક્ષ-બાણ ખમવાની મર્દાનગી માનવ-જાતમાં કોઈ વીરલાને જ વરી હોય છે. વિદ્યુમ્માલી દેવ હતો, છતાં એ જાત તો માનવીની જ ને! પોતાના વિમાનમાં સૌદર્યનાં સો-સો સુમન ખિલખિલાટ હસતાં હતાં, છતાં અન્યત્ર ખીલેલા એક સામાન્ય પુષ્પથી એને પ્રેમ બંધાઈ ગયો. એક અપરિગૃહીતા દેવી પર એ આસક્ત બની ગયો. પોતાના પતિદેવનો આવો અધમ વિચાર દેવીથી અજાણ્યો ન રહી શક્યો ! એક દહાડો આ વાતની ગંધ જ્યોતિમલીને પણ આવી ગઈ. કલ્યાણમૈત્રીને કટોકટીમાં મૂકીનેય એણે પોતાનો ધર્મ અદા કરવાનું નક્કી કર્યું. દિલનાં દ્વાર ખોલવા ને બોલાવવા જોગું વાતાવરણ મેળવીને, એક દહાડો જ્યોતિમલીએ પૂછ્યું : મિત્ર, ઉદાસ કેમ ? તારા મોં પર પ્યાસ કેમ?
વિદ્યુમ્માલીએ મિત્રની આગળ હૈયું ખોલી નાખ્યું. જ્યોતિમલીએ ભૂતકાળ યાદ કરાવતાં કહ્યું ઃ મેં નહોતું કહ્યું? – આ તો ભોગની લપસણી ભૂમિ છે. પૂર્વભવ યાદ કર : હું અનશનમાં પાણી-પાણી કરતો હતો, ત્યારે ધર્મની વાણીની પ્રેરણા મને તેં જ આપી હતી ને? શું આજે હવે મારે તને પ્રેરણા દેવી પડશે? પાણીની એ પ્યાસ કરતાંય, પ્રેમની આ પ્યાસ કેટલી બધી ભયંકર છે, એનો વિચાર તો કર ! પૂર્વભવમાં હું રોગી હતો અને તું વૈદ હતો. આજે તું રાગનો રોગી બનીશ, તો મારે વૈદ બનીનેય તને અપથ્ય આરોગતાં રોકવો પડશે? મિત્ર! ચામડાં ચૂંથવાની આ ચમાર-ચાલ તને શોભે ખરી ?
વિદ્યુમ્ભાલીનું માથું શરમથી નીચું નમી ગયું. હૈયાપલટની એ નિશાની હતી. મિત્રનો પગ પકડતાં એ બોલ્યો ઃ મિત્ર ! તારો ઉપકાર હું ક્યારે વાળી શકીશ? - બંને મિત્રો છૂટા પડ્યા ત્યારે એમના મોં પર આનંદ હતો, એકને પ્રકાશ પ્રદાન કરવાનો આનંદ, તો બીજાને એ પ્રકાશ ઝીલવાનો ! મંગલ-સુધમના ભવની કલ્યાણ-મૈત્રી, આ રીતે દેવભવમાં ઢાલ બનીને વિદ્યુમ્માલીના આત્માનું રક્ષણ કરી ગઈ. કપૂર જે સાહજિકતાથી ઊડી જાય, એવી જ સાહજિકતા સાથે બંને દેવોની કાયાનું કપૂર સુવાસ ફેલાવીને એક દહાડો ઊડી ગયું.
ગગન-પ્રવાસ કરતું વિદ્યાધરનું વિમાન એકાએક અટકી ગયું. વિમાન ધરતી પર ઊતર્યું. વેગવાન બહાર આવ્યો. બાજુમાં જ ક્રીડા કરતી બાળા ધનમાલાનું અપહરણ કરીને વેગવાને વિમાન દોડાવી મૂકવું. ?