________________
૪૬૬ ]
[ મહામણિ ચિંતામણિ
એમ જીવનનો પડછાયો મૃત્યુ છે. મહાશ્રાવક મંગલ એક દહાડો બીમાર પડ્યા. બીમારીનાં ચિહ્નો પરથી અંતકાળની આગાહી કળી જઈને એમણે પરલોકનું પાથેય બાંધવાની તૈયારી કરી. જીવનનો દીપ જલે ત્યાં સુધી આહાર-પાણીના ત્યાગની ભીષ્મ-પ્રતિજ્ઞા લઈને એમણે અનશન-વ્રતનો સ્વીકાર કર્યો. અંતસમયની આ અનુમોદનીય આરાધનાની વાતો સાંભળીને, મહાશ્રાવક મંગલની આસપાસ માનવમેદની જામેલી રહેવા માંડી. સૌ અહોભાવ સાથે મનોમન બોલતા : ઓ મરજીવા ! તને સો સો સલામ ! તેં તારી જીવન-નાવને તોફાની સાગરમાં હેમખેમ ચલાવી જાણી ! મઝધાર તું વટાવી ગયો; કિનારો હવે તો આ રહ્યો!
મહાસાગરમાં જામતા ઝંઝાવાતને જોઈને માનવમેદનીને જેટલું આશ્ચર્ય નહોતું થતું, એટલું આશ્ચર્ય આ ઝંઝાવાત વચ્ચે પોતાની જીવન-નાવના આ ધર્મ-સુકાનને મક્કમતાથી ઝાલીને બેઠેલા મરજીવા મંગલને જોઈને થતું હતું. ગ્રીષ્મની ભીષ્મ ઋતુ હતી. સૂર્યનું એક-એક કિરણ જાણે જ્વાળાની જેમ ભડભડી રહ્યું હતું. છતાં મંગલ પોતાની પ્રતિજ્ઞામાં અણનમ હતો. આહાર-પાણીનો ત્યાગ એટલે ત્યાગ! આવી અણનમ સાધનામાં ઉત્તર સાધક તરીકે મિત્ર સુધર્મનો ફાળો કંઈ નાનો-સૂનો ન હતો ! રાત-દિવસ ભૂલી જઈને, પોતાના કલ્યાણમિત્રના મૃત્યુને મહોત્સવ બનાવવા એ કટિબદ્ધ બન્યો હતો. જીવન-સાગરની ભીષણ મઝધારને વટાવીને મંગલની કાયા-કિશ્તી કિનારા તરફ બઢી રહી. પણ ત્યાં અચાનક તોફાન જાગ્યું. સુકાન સાથેની પક્કડ છૂટી ગઈ અને મરજીવો મંગલ પાણી' માટે પોકાર કરી રહ્યો ઃ પાણી ! પાણી !
સાધનાની સરવાણીને સૂકવી નાખતો, ધર્મ-ધનની કમાણીને ધૂળ-ધાણી કરી નાખતો, પાણી-પાણીનો આ પોકાર સાંભળીને સુધર્મા બોલ્યો ઃ મંગલ ! પ્રતિજ્ઞા યાદ કર. જીવન જીવી જાણ્યું, હવે મોતને હારી ન જા. પ્રતિજ્ઞાભંગથી અંગ-અંગથી ભભૂકી ઊઠતી અગનજ્વાળાની ગરમીનો વિચાર કર. પછી તને પાણી યાદ પણ નહીં આવે. સાંભળેલી ધર્મવાણી યાદ કર.' તેજીને ટકોર બસ હતી. મંગલ વધુ જાગ્રત બની ગયો. પાણી ભૂલીને હવે એ ‘વાણી-વાણી’ કરી રહ્યો. પણ હવે શરીર ધખી ઊઠ્યું હતું. સહરાના રણની જેમ જઠરા જલી રહી હતી. તાળવું સુકાઈ જતું હતું. વાણી ભુલાઈ ગઈ; પાછું પાણી યાદ આવ્યું. પાણી લાવો, કોઈ પાણી આપો !
ઉનાળાની રાત હતી. કલ્યાણમિત્ર સુધર્મા મંગલને સમજાવી રહ્યો. પણ હવે સમજાવટનો અર્થ નહોતો. મંગલના મનની સામે તો મીઠાં-મીઠાં સરોવરો લહેરાઈ રહ્યાં હતાં. એમાં દિવસ-રાતફરતાં માછલાંનું જીવન એને ધન્ય જણાતું હતું : ઓહ ! આ જળજંતુઓ કેટલાં સુખી ! એમને તરસનું દુઃખ જ નહીં ! એમને ઉનાળાનો ઉકળાટ જ નહીં ! બસ, આખો દિવસ પાણીની પથારીમાં પોઢ્યા જ કરવાનું ! મહાશ્રાવક મંગલ એ રાતે જીવન જીત્યો, છતાં મૃત્યુ હારી ગયો. સુધર્માને માટે મિત્રનું આ મૃત્યુ બેવડો આઘાત ઝીંકનારું નીવડ્યું. મિત્રની વિદાયનું દુઃખ તો હતું જ; પણ મોત મંગલમય ન નીવડ્યું, એનું દુઃખ વધારે હતું. દિવસો સુધી એના અંતરમાંથી એક નિસાસો નીકળતો જ રહ્યો : હાય ! નાવ કિનારે આવીને ડૂબી ગઈ !
[ ૨ ]
મહાસાગરની જેમ ઘૂઘવતી વિપાશાંતર નદી ખળભળી ઊઠી. મોજાંઓના ઉદંડ ઉછાળથી આખી નદી પ્રલય-તાંડવ ખેલી રહી. પરદેશ-પ્રવાસ ખેડનારા પ્રવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા.