________________
૪૮૬ ]
[ મહામણિ ચિંતામણિ
ભ. મહાવીરનાં ચરણોમાં સમર્પિત
ગુરુ ગૌતમસ્વામી
-શતાવધાની પૂ. સાધ્વી શ્રી નિર્મળાશીજી, M.A,
સાહિત્યરત્ન, ભાષારત્ન.
ગુરુ ગૌતમ વિચારે છે : વીતરાગ સાથે સ્નેહ કેવો? તેઓ રાગમુક્ત થઈ મોલે પધારે તો હું શા માટે રાગનાં બંધન રાખું? આત્મધ્યાન રાખું? તે જ સાચો સાથી છે?...
આત્મચિંતનની ઉચ્ચતમ દશામાં આરોહણ કરી કેવળજ્ઞાન પામનારા ગુરુ ગૌતમસ્વામીની ભાતીગળ સુંદર ગાથા અત્રે પ્રસ્તુત છે. આ લેખનાં લેખિકા પૂ. સાધ્વી શ્રી નિર્મળાશ્રીજીની વિદ્વત્તા જાણીતી છે, પૂજ્યશ્રીને સાંભળવા એ જીવનનો એક લ્હાવો ગણાય છે. પૂજ્યશ્રીનો જન્મ : વિ.સં. ૧૯૭૮ ફા. વદ ૬ ને રવિવાર, તા. ૧૯-૩-૧૯૨૨. દીક્ષા : વિ. સં. ૧૯૮૭ અષાઢ સુદ ૮ (નવ વર્ષની બાળવયે). દીક્ષાપર્યાય દીર્ઘ એવો ૬૫ વર્ષનો છે. આ દરમિયાન ધર્માભ્યાસમાં વ્યાકરણ, ન્યાય અને ધર્મશાસ્ત્રનો તથા અન્ય અભ્યાસમાં એમ. એ, સાહિત્યરત્ન, ભાષારત્ન વગેરે. પ્રવત્તિઓમાં ધર્મક્રિયા-આરાધના ઉપરાંત જાહેર વ્યાખ્યાનો, શતાવધાનના પ્રયોગો, કન્યા સંસ્કાર શિબિર, મુમધુ કન્યાઓને દીક્ષા પ્રદાન અને વિવિધ ધર્મ-શાસન પ્રભાવનાની પ્રવૃત્તિઓ. સાહિત્યસર્જનમાં “ભારતીય દર્શનમેં અભાવ મીમાંસા' ઉપર એક થીસિસ/નિબંધ તેમ જ પ્રસંગોપાત્ત વિવિધ વિષયો ઉપર લેખો આદિનું સર્જન કર્યું
– સંપાદક
આજથી લગભગ પચીસસો વર્ષ પહેલાં ભારતમાં એક એવા મહાપુરુષનો જન્મ થયો હતો કે જેના જીવનમાં સમપણ, સાધના, તપ, વિનય, જ્ઞાન અને ચારિત્રની અનેકવિધ ધારાઓ એક-એકથી આગળ વધી રહી હતી.
તીર્થંકર ભગવાન મહાવીરનાં ચરણોમાં સર્વથા સમર્પિત તે મહિમાશાળી વ્યક્તિનું નામ હતું ઇન્દ્રભૂતિ ગૌતમ. તેમની કાયા સાત હાથ ઊંચી, સમચતુરસ્ત્ર સંસ્થાન અને વજૂઋષભનારાચ સંઘયણથી યુક્ત હતી. તેમનું લાવણ્યમય ગૌરવર્ણ શરીર કસોટી પર ખેંચેલી સ્વર્ણરેખાની સદશ્ય દેદીપ્યમાન હતું. ગૌતમ ગોત્રના મહાન ગૌરવને અનુરૂપ જ તેમનું વ્યક્તિત્વ બહુ જ પ્રભાવશાલી હતું. તેઓ ચૌદ વિદ્યામાં પારંગત હતા. દૂર-દૂર સુધી તેમની વિદ્વત્તાની પ્રશંસા થતી હતી. પાંચસો વિદ્યાર્થી વિદ્યાધ્યયન માટે તેમની પાસે રહેતા હતા.