________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[.૪૭૯
પોત-પોતાનો સંદેહ દૂર થતાં શ્રી ઇન્દ્રભૂતિ આદિની મિથ્યા પરિણતિ પણ દૂર થઈ અને સમ્યકત્વની પરિણતિ પ્રાપ્ત થઈ. પ્રભુએ લાયક જાણી તેમને ગણધર પદવી આપી અને વાસક્ષેપ કર્યો, એટલે એ જ વખતે તેઓ બધા સમ્યગ્દર્શન ઉપરાંત ચાર જ્ઞાન (મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવ)ના ધારક બન્યા. ખરેખર, પ્રભુના વાસક્ષેપનો પ્રભાવ અલૌકિક હોય છે. થોડા જ વખત પહેલાં જેઓને સમ્યજ્ઞાનની ગંધ પણ ન હતી, જેઓ મિથ્યા જ્ઞાનરૂપી કાદવમાં ખૂતેલા હતા અને જેથી તેઓ પ્રભુને ઇન્દ્રજાલિયો વગેરે-વગેરે શબ્દો કહેતા હતા, તેઓ થોડા જ વખતમાં આવા જ્ઞાની બન્યા અને ઉચ્ચ કોટિમાં મુકાયા. ખેરખર, સત્પરુષોનો સમાગમ અપૂર્વ લાભકારક હોય છે !
તીર્થંકરપદ અને ગણધરપદનો ટૂંક વિચાર :- તીર્થંકરપદ સિવાયનાં બીજાં બધાં પદોમાં ગણધરપદ પ્રધાન છે. અનેક ગ્રંથો ઉપર સરલ ટીકા બનાવનાર અને સરસ્વતીના વરદાનવાળા આચાર્ય મલયગિરિજી મહારાજે પંચસંગ્રહમાં કહ્યું છે કે—કષાયની મંદતાવાળા અને સમ્યગ્દર્શન સહિત એવા જે જીવો ‘આશ્ચર્ય છે કે મહાદેદીપ્યમાન, શ્રી તીર્થકરના ધર્મરૂપી દીવો હયાત છતાં મોહરૂપ તિમિરથી ઢંકાયેલાં નેત્રવાળા આ બિચારા સંસારી જીવો અનેક કષાયાદિ સ્વરૂપ કાંટાઓથી ભરેલા સંસારમાં આથડે છે, એવી ભાવદયાથી પ્રેરાઈને સર્વ જીવોને ઉદ્ધારવાનો પ્રયત્ન કરે છે, તેઓ તીર્થંકર નામકર્મ બાંધે છે અને સ્વજનવર્ગનો ઉદ્ધાર કરવાની ભાવના ભાવનાર જીવો ગણધરપદને પામે છે. મહાપુણ્યશાળી જીવો જ આ સ્થિતિને પામી શકે છે, તેથી તેમની રૂપસંપદા પણ ઈતર જીવો કરતાં વિશિષ્ટ હોય છે. યાવત્ આહારક શરીરના રૂપસૌંદર્યથી પણ ગણધરદેવોનું રૂપ અધિક હોય છે.
શક્તિ, ગુણો, તપ અને ગુરુભક્તિ :- સર્વ ગણધરોમાં શ્રી ગૌતમ ગણધર મહાપ્રભાવશાળી ગણાય છે, કારણ કે તેઓશ્રી અનેક લબ્ધિઓના નિધાન હતા. સાથે-સાથે તેઓ નિરભિમાન પણ તેટલા જ હતા, તે આનંદ શ્રાવકના અવધિજ્ઞાનની બાબતમાં પોતાની ભૂલ જણાતાં તેમણે તેને મિચ્છામિ દુક્કડ' દીધો તે ઉપરથી જાણી શકાય છે. એવી ઊંચી હદે પહોંચ્યા છતાં તેઓનો ગુરુભક્તિમાં અપૂર્વ પ્રેમ હતો. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવામાં તેઓ આનંદ અનુભવતા હતા અને ખરી મોટાઈ પણ તેમાં જ સમજતા હતા. વસ્તુતત્ત્વનો નિર્ણય મેળવવા સાથે, બીજાઓને બોધ પમાડવા માટે અને સ્વશિષ્યોનો શ્રદ્ધા ગુણ વધારવા માટે પણ શ્રી ગૌતમ મહારાજે વારંવાર ભગવાનને અનેક પ્રશ્નો પૂછ્યા છે અને તેથી જ ભગવતીસૂત્રમાં ૩૬ હજાર વાર શ્રી ગૌતમ મહારાજનું નામ આવે છે. આવા પ્રકારની પ્રશ્નશૈલીને અપૂર્વ બોધદાયક જાણીને શ્રી શ્યામાચાર્ય ભગવંત શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ તે શૈલી કાયમ રાખી છે. અણાહારપદની વાનકી અને નિકાચિત કર્મોને તોડવાનું અપૂર્વ સાધન ક્ષમાપ્રધાન તપશ્ચર્યા છે, એમ સમજીને, શ્રી ગૌતમસ્વામી છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા હતા. છતાં તેઓનું શરીર મહાતેજસ્વી દેખાતું હતું.
કેવળજ્ઞાનની પ્રાપ્તિની શંકા અને તેનું નિવારણ – પૃષ્ઠ ચંપાનગરીના શાલ અને મહાશાલ નામના રાજપુત્રોએ, પ્રભુની દેશનાથી વૈરાગ્ય પામી પોતાના ભાણેજ ગાંગિલને રાજ્ય સોંપી, દીક્ષા ગ્રહણ કરી. તેઓ અગિયાર અંગો ભણ્યા અને ગીતાર્થ બન્યા. પછી ગાંગિલકુમારાદિને પ્રતિબોધ કરવા માટે, પ્રભુની આજ્ઞા લઈ ગૌતમસ્વામીની સાથે તે બન્ને (શાલ-મહાશાલ) પૃષ્ઠ ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં ગાંગિલ રાજાએ ગણધર શ્રી ગૌતમ મહારાજની દેશના સાંભળી, વૈરાગ્ય