________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૪૩
ગૌતમ નામથી અનેક સૂક્ત મળે છે. ગૌતમ નામની અનેક ઋષિ, ધર્મસૂત્રકાર, ન્યાયશાસ્ત્રકાર, ધર્મશાસ્ત્રકાર વ્યક્તિઓ થઈ ગઈ છે. ‘ભારતીય પ્રાચીન ચારિત્રકોશ' મુજબ અરુણ ઉદ્દાલક, આરુણિ આદિ ઋષિઓનું પૈતૃક નામ ગૌતમ હતું.
ઇન્દ્રભૂતિ ગૌતમ કયા ગોત્રના (વંશ)ના હતા, તેઓ કયા ઋષિવંશ સાથે સંકળાયેલા હતા તે કહેવું અતિ મુશ્કેલ છે. એટલું સ્પષ્ટપણે કહી શકાય કે તેમનું વ્યક્તિત્વ વિરાટ તથા પ્રભાવશાળી હતું અને ગૌતમ ગોત્રના મહાન ગૌરવને અનુરૂપ હતું. એમની વિદ્વત્તા દૂરસુદૂર પ્રસરેલી હતી. પાંચસો છાત્રો એમની નિશ્રામાં અધ્યયન કરવા વસ્યા હતા.
ઇન્દ્રભૂતિ ગૌતમના વ્યાપક પ્રભાવથી પ્રભાવિત થઈને જ મહાયજ્ઞનું નેતૃત્વ સોમિલાર્યે એમના હાથમાં સોંપ્યું હતું. પચાસ વર્ષની ઉંમરે પોતાના પાંચસો છાત્રોની સાથે એમણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ત્રીસ વર્ષ સુધી છદ્મસ્થ રહ્યા અને બાર વર્ષે જીવન્મુક્ત કેવલી ગુણશીલ ચૈત્યમાં માસિક અનશન કરી બાણું વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા.
વાણિજ્યવાસનો વર્ષાવાસ પૂર્ણ કરી ભગવાન મહાવીર મગધભૂમિમાં વિહાર કરતાં-કરતાં રાગૃહ નગરમાં પધાર્યા. આ નગરનો ગાથાપતિ મહાશતક હતો. તેની પાસે અઢાર કરોડ સુવર્ણમુદ્રા હતી. તેર પત્નીઓ હતી. રાજગૃહમાં ભગવાન મહાવીરે પદાર્પણ કર્યું તેથી મહાશતકે ભગવાનને વંદન કરી શ્રાવકવ્રત ગ્રહણ કર્યું. તેની પત્નીઓમાં રેવતી ક્રૂર અને કામાસક્ત હતી. તેણે અન્ય બાર શોક્યોને મારી નાખી અને પોતે માંસ-મદિરાનો યથેચ્છ ઉપભોગ કરવા લાગી.
મહાશતકને સાધના કરતાં ચૌદ વર્ષ પૂરાં થયાં ત્યારે જ્યેષ્ઠ પુત્રને ઘર-ભાર સોંપી પૌષધશાળામાં તે રહેવા લાગ્યો.
એક દિવસ નશામાં ચૂર બનેલી રેવતી કામાતુર તથા નિર્લજ્જ થઈ મહાશતકને કામપાશમાં બાંધવા પ્રયત્ન કરવા લાગી. બે-ત્રણ વખત રેવતીએ મહાશતકને ડગાવવાના પ્રયત્ન કર્યા પણ તે અવિચલિત રહ્યો. ઘોર તપની સાધનાથી તેનું શરીર કૃશ થઈ ગયું પણ માનિસક ચેતના અનેકગણી વધી ગઈ.
રેવતી ફરીથી કામાન્ય બની મહાશતક પાસે કામપ્રાર્થના કરવા લાગી. ત્રીજી વખત જ્યારે રેવતીએ આવી માગણી કરી ત્યારે મહાશતકને ક્રોધ આવ્યો અને તેણે રેવતીને અભદ્ર વ્યવહાર માટે કહ્યું, “સાત દિવસમાં તું વિપૂચિકા (કોગળિયું) રોગથી પીડાઈને પૃથ્વી પર અચ્યુત નરકમાં ઉત્પન્ન થશે. ત્યાં તને અત્યંત ઉગ્ર કષ્ટ થશે.”
રાજગૃહમાં વિહરતા ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું, “શ્રાવકે આવું વર્તન કરવું યોગ્ય નથી. તું જા અને તેમને વિશુદ્ધ બનાવ.”
ભગવાનનો સંદેશો લઈ ગૌતમ મહાશતક શ્રાવક પાસે આવ્યા. ગૌતમસ્વામીને પધારેલા જોઈ મહાશતક અત્યંત પ્રસન્ન થયો. તેણે વંદના કરી. ગૌતમે મહાશતકને ભગવાનનો સંદેશો સંભળાવતાં કહ્યું, “આક્રોશપૂર્ણ કટુવચનથી રેવતીના આત્માને સંતપ્ત કર્યો તે યોગ્ય ન હતું. તું ભૂલનું પ્રાયશ્ચિત્ત કર. આલોચના કરી આત્માને નિર્દોષ બનાવ.” ગૌતમના કહેવાથી મહાશતકે ભૂલની શુદ્ધિ કરી અને સાઠ ભક્તનું અનશન પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયો.