________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
T ૪૩૭
ગૌતમની ગતિમાં હવે વેગ આવ્યો હતો. મનનો વેગ તો વધી જ ગયો હતો. સ્વગત બોલ્યા, “કદાચ, વિશિષ્ટ બુદ્ધિવાળા દેવો ઠગાઈ શકે, પણ વેદ-વેદાંગ, જ્યોતિષ-વ્યાકરણ અને છંદ સહિત ચૌદ વિદ્યાના જ્ઞાતા ઇન્દ્રભૂતિને ઠગવો સહેલ નથી.”
મહસેન ઉદ્યાન નજીક આવ્યું એટલે શિષ્યોએ પોતાના ગુરુનો જયજયકાર બોલાવવા માંડ્યો : “વાદીમદગંજન ઇન્દ્રભૂતિનો જય હો ! સરસ્વતીકંઠાભરણ ગૌતમનો જય હો ! સર્વ પુરાણના જ્ઞાતા, વસુભૂતિનંદન ઇન્દ્રભૂતિનો જય હો !”
દેવીમંડપમાં ધૂણતા ભુવાને પારો ચડાવવા પડખિયા-ડાકલિયા વિવિધ હાકોટાથી ધૂણનારને બળ પૂરું પાડે છે. બસ, તેમ જ ઇન્દ્રભૂતિના મનોમદને સતેજ રાખવા શિષ્યો પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે ! બૃહસ્પતિપુત્ર ઇન્દ્રભૂતિનો જય હો !' છેલ્લો ઉદ્ઘોષ થયો અને ઝિલાયો ત્યારે ગૌતમમંડળ મહસેન ઉદ્યાનના મંડપના પ્રાંગણમાં આવી પહોંચ્યું હતું.
મંડપનો બાહ્ય દેખાવ અને રચના ઇન્દ્રભૂતિ અને તેમના શિષ્યોનાં ગાત્રો શિથિલ કરી દે તેવાં હતાં! શો વૈભવ ? શી રચના ? અસાધારણ તેજનાં વલયો ! સ્વપ્નમાં પણ ન જોઈ હોય તેવી સ્થાપત્યકતિ ! ઇન્દ્રભૂતિના ગર્વતરંગો ઓસરતા હતા ! સમોસરણની સોપાનશ્રેણીનાં પ્રારંભનાં પગથિયાં ચડતાં જ તેમણે ભગવાન મહાવીરની કલ્પનાતીત સુવર્ણમય દેહાકૃતિ જોઈ ! શું કાન્તિ! શી રુચિતા! અને આસપાસ આ શી ઠકુરાઈ! સિંહાસન, ચામર, અશોકવૃક્ષ !! ઇન્દ્રભૂતિનું મન છક્કડ ખાઈ ગયું! તેમની પંડિતપ્રજ્ઞા પૂછી રહી, “કોણ હશે આ? સ્વયં ચંદ્ર કે સૂર્ય કે પછી વિષ્ણુ અથવા બ્રહ્મા તો નહીં હોય?' ઇન્દ્રભૂતિના ગર્વનાં ચીંથરાં ઊડી રહ્યાં હતાં. તો બીજી બાજુ વૈશાખના બીજા પ્રહરે તેમના દેહના સર્વ ભાગોમાં પ્રસ્વેદ ફૂટી નીકળ્યો !
મનના તરંગોના જવાબ તેમણે પોતે જ શોધી લીધા. અરે ચંદ્ર તો કલંકિત વદનવાળો અને સૂર્ય તો પ્રખર તાપ સહિત હોય ! વિષ્ણુ તો શ્યામ અને બ્રહ્મા તો વૃદ્ધ હોય ! પણ ના, ના, આ તો સુવર્ણ કાન્તિ, યુવા તેજ, નિર્મળ વદન અને સૌમ્ય શીતલ આભાવાળા છે! ઇન્દ્રભૂતિની દિષ્ટિ પ્રભુના મુખારવિંદ પર જડાઈ ગઈ. વિસ્ફારિત ચક્ષુ વડે તેમણે પ્રભુની દેહાકૃતિનું અવલોકન કર્યું. અને આખરે તેમની પ્રજ્ઞા સ્વયં બોલી ઊઠી, “અવશ્ય, અવશ્ય, આ જ તે ધર્મચક્રવર્તી છે, આ જ તે તીર્થકર છે ! ધન્ય દર્શન! સુહુ દર્શન!'
ઇન્દ્રભૂતિ ઓઝપાઈ ગયા હતા. થોડી વાર પહેલાંના તેમના વિચારોના પરપોટા ફૂટી રહ્યા હતા! તેમણે વિચાર્યું, “શું આ ધર્મચક્રવર્તી સાથે મારે વાદ કરવો પડશે? અરે, હું તો સંકટમાં સપડાઈ ગયો !!' તેમણે હવે શંકર મહાદેવનું સ્મરર્ણ કર્યું. જરા સ્વસ્થ થયા. ઓપ ખંખેરીને તેમણે મનોમન કહ્યું, “ચાલો જે થાય છે. આવા જ છીએ તો પ્રયત્ન કરશું જ. હજી પણ કદાચ વાદમાં જીતી પણ જવાય ! અને નહીં તો પણ અહીંથી પાછું થોડું જવાશે? ના, હવે તો આગળ જ વધવું રહ્યું. એ જ એક માર્ગ રહ્યો છે. સાથે ચાલતાં શુભાંગને કહ્યું પણ ખરું, ‘તમે ચચસિત્રમાં મારી સમીપે જ બેસજો. બાદમાં આપણે પીછેહઠ તો નહીં જ કરીએ, છતાં...'
શુભાંગે વચ્ચે જ સ્મરણ કરાવ્યું, ‘ગુરુજી, આપનું તો વત જ છે ને?”
હા, જે કોઈ મને જ્ઞાનમાં, વિદ્યામાં પરાસ્ત કરે તેનું શિષ્યત્વ સ્વીકારવાની મારી પ્રતિજ્ઞા છે. ઇન્દ્રભૂતિએ ઘેર્યપૂર્વક કહ્યું.