________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૩૯
પ્રભુ અંતર્યામી હતા. ગૌતમની મનોગાંઠ ક્યાં હતી તે તેમના લક્ષ બહાર ન હતું. તેમણે કહ્યું, “પૃથ્વીનંદન, વિજ્ઞાનયન દ્વૈતેભ્યો ભૂતેભ્યઃ સમુર્ત્યાય...' એ વેદવાક્યનો અર્થ એમ જ છે કે આત્મા કાળાંતરે વિવિધ શરીરો ધારણ કરે છે. દરેક શરીર વિશેષ સંજ્ઞાથી ઓળખાય છે; પણ આત્મા કદી નાશ પામતો નથી. આત્મા ધ્રુવ અને નિત્ય જ રહે છે. વેદપદોનો આ જ ધ્વનિ છે.'
તેજીને ટકોરો બસ હોય છે. ચતુર સેવકને ઇંગિત જ બસ થઈ પડે છે ! કોઈક સદ્ગુરુના બે શબ્દો માત્ર અજ્ઞાન હટાવવા માટે પર્યાપ્ત થાય છે ! ઇન્દ્રભૂતિ માટે કાળ પાકી ગયો હતો. તેમણે સંતોષમાં ડોકું હલાવ્યું. તેમના મનનું સમાધાન થતું હતું. જોડાયેલા હાથ જરા ઊંચા કરીને તેમણે પ્રભુજીને પૂછ્યું, પણ પ્રભો ! આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી. કોઈ આંગળી ચીંધીને આત્માને દર્શાવી શકે ?'
મહાવીર પ્રભુએ કહ્યું, ‘હે સુમાનસવાળા ગૌતમ ! તમે કદી વાયુને જોયો છે ? ચક્ષુથી ન જોઈ શકાતો વાયુ, નથી એમ શું કહી શકાશે ? વાયુની અનુભૂતિ તો થાય જ છે. અનુભૂતિ દ્વારા વાયુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, તેમ અનેકવિધ અનુભૂતિઓ દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ જ થઈ જાય છે. અત્યારે પણ મને પ્રશ્નો પૂછનાર અને સંશયો વ્યક્ત કરનાર કોણ છે ? પોતાને હું કહેનાર કોણ છે ?'
પ્રભુ! એ તો સ્વયં મારો જ આત્મા છે. આપે ક્ષણવારમાં મારો સંશય નિવારી આપ્યો છે. આપને નમસ્કાર છે.’
ઇન્દ્રભૂતિ ગૌતમનું ગુમાન તો ક્યારનું યે ઓગળી ગયું હતું. હજી થોડા સમય ૫૨ તેમણે ગોરાણી સાથે જે વેદપદના અર્થ સંબંધી સંશય વ્યક્ત કર્યો હતો, અને જે સંશય અન્યત્ર ક્યાંય પણ આપીને તથા તેનું સુયોગ્ય અર્થઘટન બતાવીને આ જ્ઞાતપુત્ર મહાવીરે તેમને ઉપકારવશ કર્યા હતા. ઇન્દ્રભૂતિને હવે પ્રતીતિ થઈ ચૂકી હતી કે આ ધર્મચક્રવર્તી જ તેમના સાચા માર્ગદર્શક થઈ શકશે !
મહાવીર પ્રત્યે અત્યંત પ્રશસ્તભાવવાળા થયેલા ઇન્દ્રભૂતિ ગૌતમે પ્રભુને ધર્મોપદેશ માટે વિનંતી કરી.
પ્રભુએ સંસારની અસારતા સમજાવી, આત્માના પરમ લક્ષ્ય તરીકે મોક્ષની સ્થાપના કરી. સર્વ સુખદુઃખના કારણરૂપ મોહભાવથી વિરક્ત થવા રૂપ ધર્મમાર્ગ જાહેર કર્યો, સર્વવિરતિધર્મનું પ્રતિપાદન કર્યું. અહિંસા પરમો ધર્મના બીજ સાથે પંચમહાવ્રત સહિતની પ્રવ્રજ્યાને જ સારભૂત બતાવી.
ઇન્દ્રભૂતિને પ્રભુનો ઉપદેશ અત્યંત રોચક લાગ્યો. માનવ જીવનના પરમ સાફલ્યનો તેમને અનુભવ થઈ રહ્યો ! જીવનની ઉત્તમોત્તમ ક્ષણ પણ હવે આવી પહોંચી હતી. ગૌતમજી પ્રભુ મહાવીર વડે હવે સંપૂર્ણપણે જિતાઈ ચૂક્યા હતા !!!
ઇન્દ્રભૂતિ ગૌતમ ઊભા થયા. નતમસ્તકે અને વિનીતભાવે પોતાના અંતરના ઉદ્ગાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું, ‘પ્રભો ! આપ ખરેખર ધર્મચક્રવર્તી છો. ધર્મમાર્ગના નાયક એવા આપે વર્ણવેલા ધર્મ પ્રત્યે મારી રુચિ થઈ છે. હું આપના ઉત્તમ ધર્મમાર્ગ પ્રત્યે શ્રદ્ધાન્વિત થયો છું.'