________________
૪૩૮ ]
[ મહામણિ ચિંતામણિ
ગૌતમમંડળ આગળ વધ્યું. બરદાવલીના ઉચ્ચારણથી આકર્ષિત થયેલા લોકવર્ગે આ દેશખ્યાત વિદ્વાન માટે આગળ જગ્યા કરી આપી. વઋષભનારાય સંઘયણ અને સમચતુરસ્ર સંસ્થાનવાળું દેહમાન ઇન્દ્રભૂતિને સહજ રીતે જ અગ્રસ્થાનનું માન અપાવે તેમ હતું.
ફક્ત પ્રણામ અને વિશેષ લોકોપચાર ન કરવાના વિચારવાળા ઇન્દ્રભૂતિ હવે સભાકક્ષમાં પ્રવેશી રહ્યા હતા. ત્યાં તો એક ધીર ગંભીર અને માધુર્યયુક્ત વાણીપ્રસાદ સંભળાયો, ‘હે ગૌતમગોત્રીય ઇન્દ્રભૂતિ ! આવો ભાઈ, આવો. ભલે આવ્યા. સમુચિતમ્ આગમનમ્ !”
વૈશાખના તાપમાં વૃવિહોણા માર્ગ પર વિહાર કરી રહેલા પ્રવાસીને દૂરના સરોવર પરથી પસાર થઈને આવી રહેલ રસાન્વિત સમીરલહરીઓ જેવી આહ્લાદક લાગે તેવી જ આહ્લાદકતા પ્રભુના મુખેથી ઉચ્ચારાયેલા મધુર શબ્દો વડે ઇન્દ્રભૂતિએ અનુભવી. તેમનું મન પ્રમુદિત થઈ ગયું. તેઓ કોઈ અદ્ભુત શાતાનો અનુભવ કરી રહ્યા ! ત્યાં તો બુદ્ધિએ મનને ટોક્યું, “જોયું ? જોઈ ને શબ્દજાળ ? તારા નાવિશેષથી જ સંબોધન કર્યું !'
-
ગૌતમને નવાઈ જરૂર લાગી : અહો, આ તો મને ઓળખે છે ! મારું નામ સુધ્ધાં જાણે છે ! નવાઈના ભાવ સાથે તેમણે સિતાંગ તરફ નજર કરી. ગુરુના ચહેરાના ભાવ વાંચી શકનાર ચતુર શષ્ય સિતાંગે તરત જ કહ્યું, ‘ગુરુજી, આપનું નામ તો દિગંતમાં ગાજેલું છે. અરે, જનપદની છાણ વીણતી છોકરી પણ આપને જાણે છે. એટલે અહીં નવાઈ પામવા જેવું કશું નથી. વિત્રમ્ વિમત્ર ?’
પ્રશંસાથી ફુલાયેલા પેટવાળા ગૌતમજીએ હકારમાં માથું હલાવ્યું. તેમણે વિચાર્યું : મહાવીર જ્ઞાનવાન સાધક હશે જ, પણ સર્વજ્ઞ તો ત્યારે જ કહેવાય કે જ્યારે મારા મનની વાત પણ તે કહી આપે ! હા, હું તો તેમને મારા મનના સંશય સંબંધે જ પૂછીશ.
પ્રભુની સન્મુખ જ પહેલી પંક્તિમાં સ્થાન લઈ રહેલા ઇન્દ્રભૂતિ ગૌતમ હજી કંઈ પ્રાથમિકતા કરે તે પહેલાં જ ઇન્દ્રભૂતિના મનની વાત જાણી ચૂકેલા કેવલજ્ઞાની વીર પ્રભુએ એ જ મધુર, સ્પષ્ટ વાણીમાં કહ્યું,
'किं मन्नि अत्थि जीवो । ए आहुत्थित्ति संसओ तुज्झं '
આત્મા છે કે નહીં એવો સંશય તમારા મનમાં થયો છે અને વેદપદોનું યોગ્ય અર્થઘટન ન કરવાથી આત્મા નથી' એવી તમારી માન્યતા બંધાઈ છે.’
ઇન્દ્રભૂતિ દિગ્મૂઢ થઈ ગયા; આશ્ચર્યવિભોર થઈ ગયા !!! અહોહો ! આ મહાત્માએ મારા મનનો સંશય કહી બતાવ્યો ! અવશ્ય, તે સર્વજ્ઞ છે, પરિપૂર્ણ જ્ઞાની છે.
ઇન્દ્રભૂતિના મનમાં પ્રસન્નતા છવાઈ ગઈ. પ્રભુના શબ્દો તેમના આત્માને જાણે સુપથ બનાવી રહ્યા હતા. તેમના હાથ પ્રશસ્તભાવે જોડાઈ ગયા! નમ્ર ભાવે તેમણે કહ્યું, ‘આપ ખરેખર સર્વજ્ઞ છો. પૂર્ણ જ્ઞાની છો. પરમ વિજ્ઞાની છો. હું અનેક વિદ્યાઓનો જાણકાર હોવા છતાં અજ્ઞાની જ ગણાઉં, આપે તો મારો આત્મવિષયક, માનસિક સંશય યથાતથ્ય રૂપે કહી બતાવ્યો છે. વળી વેદપદના અર્થ બાબતમાં મારો મનોમાર્ગ દોષયુક્ત છે એમ આપે કહ્યું છે. તેથી હવે કૃપા કરી તે જ વેદપદ દ્વારા તેનો સત્યાર્થ સમજાવો.'