________________
૧૭૪ ]
[મહામણિ ચિંતામણિ
નગરીમાં ભેગા થઈ ગયા. કેશી આચાર્ય મહારાજ પોતાના શિષ્ય-પરિવાર સાથે લિંદુક નામના ઉદ્યાનમાં તથા ગૌતમ મહારાજ કોઇક નામના ઉદ્યાનમાં પોતાના પરિવાર સાથે ઊતર્યા.
બંને શાસ્ત્રોમાં પારગામી, મહાન સાધક તથા સમતાના મહાનિધાન.
શ્રાવસ્તી નગરીનાં લોકો આવા મહાન પુણ્યાત્માના એકસાથે દર્શન થવાના કારણે પોતાની જાતને બડભાગી માનવા લાગ્યા. સત્ય, સરળતા, નિખાલસતા, વત્સલતા અને પરોપકારપરાયણતા વગેરે ઉત્તમ ગુણો તેઓના જીવનમાં ઓતપ્રોત થઈ ગયા હતા.
કેશીકુમાર શ્રમણ પાર્શ્વનાથ ભગવાનના આચાર્ય હતા. દીર્ઘ દીક્ષા પર્યાય ધરાવતા તેઓ મુનિ, શ્રત અને અવધિ એ પણ જ્ઞાનના ધારક હતા. વળી ગૌતમ મહારાજ ભગવાન મહાવીરના અન્તવાસી, પ્રથમ ગણધર, વિદ્યાના નિધાન તથા મુનિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ–એ ચાર જ્ઞાનના ધારક હતા. નગરીમાં ગોચરી અર્થે નીકળેલા બંને આચાર્યશ્રીઓના યુતિઓમાં રહેલા ભિન્ન ભિન્ન વસ્ત્રપરિધાનને લોકો કુતૂહલની નજરે જોવા લાગ્યા. કેટલાંક વસ્ત્રો રંગબેરંગી અને કિંમતી તેમ જ કેટલાક શ્વેત, જીર્ણશીર્ણ તથા અલ્પ મૂલ્યવાળાં.
શ્રાવસ્તીનાં લોકો જ નહીં, પણ ત્યાં રહેલા દેવો, દાનવો અને ગાન્ધર્વો પણ અદશ્યપણે ઈન્તજાર કરી રહ્યા હતા એ બંને મહાપુરુષોના મિલનની– આ બંને ભેગા થશે કે નહીં અને થશે તો કોણ કોને ત્યાં જશે આવી પ્રશ્નાવલીનો છેદ ત્યારે જ ઊડી ગયો કે જ્યારે ગૌતમ મહારાજ પોતાના પરિવારની સાથે હિંદુક ઉદ્યાનમાં કેશી આચાર્ય મહારાજની પાસે સામે ચાલીને ગયા.
કેશી આચાર્ય મહારાજે પણ પોતાની પાસે આવેલા ગૌતમ મહારાજનો આદરભર્યો સત્કાર કર્યો. બંને બાજુ-બાજુમાં બેઠા ત્યારે જાણે સૂર્યચંદ્ર ભેગા ન થયા હોય તેવા શોભતા હતા.ગૌતમ મહારાજે કેશી આચાર્ય મહારાજની પયગુરુતાને હિંદુક ઉદ્યાનમાં જવાપૂર્વક જેમ અભિવંદી, તેવી જ રીતે ગૌતમ મહારાજની જ્ઞાનગુરુતાને કેશી આચાર્ય મહારાજે એવા જ અહોભાવથી બિરદાવી. નિખાલસતાભરી ચર્ચા થઈ બન્ને મહાપુરુષોની વચ્ચે.
કેશી આચાર્ય મહારાજ દ્વારા પુછાયેલા સઘળા પ્રશ્નોના ઉત્તરો ગૌતમ મહારાજે એવી આત્મીયતા, સરળતા અને બુદ્ધિમતાથી આપ્યા કે તેથી કેશી આચાર્ય મહારાજ ખુશખુશાલ થઈ ગયા. ઉત્તરે ઉત્તરે તેઓ “સાહૂ સોયમ પન્ના તે, છિન્નો જે સંસો ” –હે ગૌતમ ! તમારી બુદ્ધિ સુંદર છે, તમે કહેલા ઉત્તરથી મારો સંશય દૂર થયો– એમ કહીને ગૌતમસ્વામીની પ્રજ્ઞાને અપૂર્વ અહોભાવથી અનુમોદતા હતા. આ પ્રશ્નોત્તરીની ફલશ્રુતિ રૂપે કેશી આચાર્ય મહારાજે પોતાના પરિવાર સાથે ચાર મહાવ્રત રૂપ ધર્મનો સ્વીકાર કર્યો અને સર્વત્ર જયજયકાર પ્રવર્યો.
ગૌતમ મહારાજના જીવનના અનેક પ્રસંગોમાં તેઓએ આનંદ શ્રાવકને ઘેર જઇને આપેલો ‘ મિચ્છામિ દુક્કડ'નો પ્રસંગ તેમનામાં રહેલી બેનમૂન સરળતાના સીમાચિહ્નરૂપ છે.
(ગૌતમ મહારાજનું આદર્શ સ્વરૂપ પાંચમા અંગસૂત્રથી શ્રી વ્યાખ્યાપ્રદીપ્તિ–ભગવતીજી સૂત્રના પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશાના સાતમા સૂત્રમાં શ્રી ગૌતમ મહારાજના વ્યક્તિત્વને ૧૮ વિશેષણો દ્વારા નિરૂપવામાં આવ્યું છે તે ખરેખર આબેહૂબ છે. શ્રી અભયદેવસૂરિ મહારાજની વૃત્તિના આધારે તે