________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૨૩
ઉત્તમ ! અતિ ઉત્તમ !' પ્રૌઢ પ્રમોદના ભાવ સાથે પંડિત ઇન્દ્રભૂતિએ કહ્યું, “આપના જેવા ધનાઢ્ય, પ્રૌઢ અને જ્ઞાનવાન બ્રાહ્મણને યજ્ઞકાર્ય દ્વારા પુણ્યોપાર્જન કરવાનું મન થયું તેને મહદ્ભાગ્ય જ ગણવું રહ્યું. આપ આ યજ્ઞ દ્વારા શ્રેષ્ઠ સ્વર્ગશ્રેણી પ્રાપ્ત કરી શકશો. અમે અવશ્ય પધારશું.” ક્ષણ વાર થોભીને પંડિતજીએ ઉમેર્યું “આપને ખ્યાલ જ આપી દઉં કે હું મારા શુદ્ધ વેદપાઠી શિષ્યો દ્વારા અપાતી આહુતિઓને જ પ્રાધાન્ય આપું છું. અતઃ મારા પાંચસો શિષ્યોના પ્રવાસન અને આવાસાદિનો સુયોગ્ય પ્રબંધ કરવાનો રહેશે.” | ‘અવશ્ય ! અવશ્ય !” સોમિલજીએ હસીને કહ્યું, “સોમિલને ત્યાં દેવકૃપા અને રાજકૃપા ઉપસ્થિત જ છે. કશી આશંકાને સ્થાન નથી. આપને માટે, આપના શિષ્યગણ માટે યથોચિત સ્વાગત-સુવ્યવસ્થા થઈ જશે.”
સુંદર !” ઇન્દ્રભૂતિએ ગંભીરતા સહ કહ્યું. પચાસ વરસનું તેમનું બ્રહ્મજીવન તેમને ઉતાવળા કે આછકલા થવા દે તેમ નહોતું. વેદ, વેદાંગ, શાસ્ત્ર, પુરાણ, છંદ, અલંકાર અને નિઘંટુની પારંગતતાએ તેમને દિગ્ગજ વિદ્વાનની નામના અપાવી હતી. “વાદિવિજેતાપદના ધણી એવા ઇન્દ્રભૂતિએ જરા ચણો ચાંપ્યો, અન્ય વિદ્વાનોને પણ આપે આમંત્યા જ હશે ! ?”
“અન્ય વિદ્વાનો પણ જરૂર પધારશે; પણ આદ્ય પુરોહિતનું સ્થાન તો આપે જ શોભાવવાનું છે.'—કહેતાં સોમિલે ઉપરણાનો છેડો બે હાથમાં લીધો.
પોતે જે વાતની સ્પષ્ટતા કરવા માગતા હતા તે વાત સ્વયં યજમાનજીના મોઢે અંકે થતી જોઈને ઇન્દ્રભૂતિએ ગરિમા અને ગર્વ સાથે ડોક ટટ્ટાર કરીને એક હળવો ખોંખારો ખાઈ લીધો!
ક્ષણવાર શાંતિ પથરાઈ ગઈ. કોઈ કાંઈ બોલ્યું નહીં. બેઉ જણ જાણે યજ્ઞની ભાવિ ભવ્યતાનાં દર્શન કરી રહ્યા! જરાવાર રહીને તેમણે શિષ્યને આજ્ઞા કરી, ‘વજાંગ! અતિથિ માટે ભોજનપ્રબંધ કરાવો. ગોરાણીને કહેજો કે અતિથિનો ભોજનપ્રબંધ આપણી સાથે જ થાય. બ્રાહ્મણ કુળના અતિથિ સાત્ત્વિક આહાર જ લેશે.'
સોમિલના મનમાં કશુંક મંથન ચાલી રહ્યું હતું. કોઈક શંકાનું તેમને સમાધાન જોઈતું હતું. પણ ઇન્દ્રભૂતિ પંડિતની આભાથી ઓઝપાયેલા સોમિલની વાચા ઊઘડતી ન હતી. તેના મનમાં વિતર્ક ચાલ્યો, “પૂછવું તો જરૂર છે—અને વળી પૂછીને પાકું કરી લેવું જ સારું. ધનવ્યય તો હું જ કરવાનો છું તો પછી આટલું પણ ન પૂછી શકું?”
ગાદી પર બેઠેલા ઇન્દ્રભૂતિ પંડિત વળી બીજી અવઢવમાં હતા : ભાઈઓને યજ્ઞમાં તેડી જવા કે નહીં? ક્યાંક મારી સરસાઈ કરી લે તો? જો કે, આમ તો મારાથી નાના જ છે અને મૂળમાં અવિનીત તો નથી જ. લઈ જ જાઉં: ઇન્દ્રભૂતિએ સરવાળે મનથી સમાધાન કરી લીધું. ભાઈઓને તેડી જાઉં તો એટલો ઉપકાર અને ઉપરવટ તો મારો રહેશે ! સોમિલજીને કહ્યું, “આ જ ગામમાં મારા બે લઘુબંધુ છે. પાંડિત્યમાં પાછા પડે તેવા નથી. આપ તો દેશદેશના પંડિતોને નિમંત્રવાના છો તો તેમને પણ આમંત્રિત કરશો તો ઉચિત થશે.” ઇન્દ્રભૂતિએ કશીક વિનંતિ કરી તે જાણીને સોમિલને આનંદ થયો. સંકોચ પણ દૂર થયો. ઉદારતા અને ઉપકારનો ભાવ મોઢા પર લાવીને તેમણે કહ્યું, “સુંદર, અતિ સુંદર ! આપના જ લઘુબંધુ છે, તો આપના જેવા જ હશે. છે તેમને અમે અવશ્ય નોતરશે. શં નામથી. તેઓ ઓળખાય છે ?”