________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૨૧
ઇન્દ્રભૂતિ ગૌતમનું મહાપ્રસ્થાન
- શ્રી રામજી ઠાકરશી દેઢિયા
લેખને-કવિને ક્રાન્તા કહેવામાં આવે છે. એનાં મુખ્યત્વે બે કારણો છે: ૧. એ પોતાની દિવ્ય દૃષ્ટિથી જગતને જુદી જ રીતે જુએ છે; અને ૨. એ પોતાની કલમે જગતને જુદી જ રીતે વ્યક્ત કરી શકે છે. એ જેવી રીતે કોઈ પાત્ર કે પ્રસંગને રજૂ કરે છે તે તાદૃશ્ય થઈ ઊઠે છે! એ જે પાત્રના મનોભાવોને વ્યક્ત કરે છે તે ભાવુકને અભિભૂત કરી જાય છે! એ વર્ણનથી, એ અભિવ્યક્તિથી એનો વણ્યવિષય ચિત્રાત્મક રૂપ ધરે છે; અને તેથી એ ચિરંજીવ બની જાય છે!
પ્રસ્તુત આલેખન શ્રી રામજીભાઈ દેઢિયાની આવી ક્રાન્તદષ્ટિનો સમર્થ આવિષ્કાર છે. એમની કલમ જાદુઈ લાકડીની જેમ ચમત્કારો સર્જે છે ને ચિત્રો ખડાં કરે છે. ઇન્દ્રભૂતિ પંડિતનું ચરિત્ર, તેમના આંતર-બાહ્ય ભાવોનું નિરૂપણ, તે સમયનું સામાજિક અને ધાર્મિક વાતાવરણ, ભગવાન મહાવીરનું પ્રભાવશાળી વ્યક્તિત્વ, સમગ્ર પરિવેશને જીવંત કરી મૂકતી સંવાદલીલા, સર્વ પાત્રોના મનોવિશ્વને તાદૃશ્ય કરી મૂકતી લેખકની સુરેખ વર્ણનાત્મકતા–પંડિત ઇન્દ્રભૂતિની વિદ્યાશાળા, વિપ્રદેવ સોમિલનું નિમંત્રણ, યજ્ઞ માટે અપાપાપુરીમાં આગમન અને પ્રાંતે ઇન્દ્રભૂતિ ગૌતમના હૃદયપરિવર્તનની આકર્ષક ક્ષણો એ સર્વ કાંઈ શ્રી રામજીભાઈની એક સમર્થ લેખક તરીકેની પરિચાયક બની રહે છે. એક-એક પ્રસંગને આકર્ષક, પ્રભાવક અને સદશ્ય રીતે કેમ રજૂ કરી શકાય તે આ આલેખન દ્વારા માપી શકાય છે. ખરેખર, આવા અભુત આલેખન માટે લેખક અભિનંદનના અધિકારી ઠરે છે.
-સંપાદક
જબૂદ્વીપ ! ભરતખંડ! મગધદેશ અને ગોબર નામનું ગામ. એ ગામમાં વસુભૂતિ વિપ્રનું રજવાડા જેવું ઘર ! પિતાના વિશાળ મહાલયમાં દેશપ્રસિદ્ધ ઇન્દ્રભૂતિ પંડિત શિષ્યોને અધ્યયન કરાવી રહ્યા છે! મહાપંડિત અને વાદવિજેતાની કીર્તિ પ્રાપ્ત કરી ચૂકેલા ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિની વિદ્યાશાળામાં દેશવિદેશના વિદ્યાર્થીઓ અધ્યયન કરી રહ્યા છે. અલગ અલગ ખંડોમાં શિષ્યોના પઠન-પાઠન, વાચન, પૃચ્છા, ચર્ચા, મુખપાઠ, વેદગાન, ઈત્યાદિ કાર્યક્રમો ચાલી રહ્યા છે.
સદાયે પવિત્ર મનાયેલા માઘ માસની શીતળતા અંગોપાંગમાં ફૂર્તિનો સંચાર કરી રહી છે. દિવસના બીજા પ્રહરના પ્રારંભને સૂચવતા ડંકા વાગી ગયા છે અને ડંકાના અવાજથી સાવધ થયેલા છાત્રો અભ્યાસમાં અધિક તન્મયતા પ્રાપ્ત કરવા મથી રહ્યા છે.
શ્વેત અધોવસ્ત્ર અને પીતવર્ણ ઉત્તરીય ધારણ કરીને સ્વયં ઇન્દ્રભૂતિ પંડિત એક શુભ અને મૃદુ એવા ઉચ્ચાસને બેસીને વેદગાનની કળા શિષ્યોને શીખવી રહ્યા છે. શાસ્ત્રીના તેજસ્વી છાત્રો શુભાંગ, સીતાંગ, વલ્લંગ અને રોહિતાંગ ઇત્યાદિ અંગ-ડોલન સાથે વેદગાન અભ્યાસી રહ્યા છે. વાતાવરણમાં પવિત્રતા પ્રસરી રહી છે.