________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
સતીત્વની પ્રતીતિ બાળક ક્રોધી, અભિમાની કે માયાવી ન બની જાય,
આવાં આવાં લક્ષોને માતા પોતાની સામે રાખીને પોતાના બાળકનું ઘડતર કરે ત્યારે બાળક પ્રત્યે પોતાનું કર્તવ્ય પૂર્ણ થાય છે! સિંહિકાએ પુત્રનું સર્વાગીણ ઘડતર કરવામાં પોતાનો સમય અને શક્તિ લગાડવા માંડ્યાં. જેટલો સમય તે પુત્રની પાછળ વ્યતીત કરતી હતી તેટલો સમય તે કોઈ કામમાં પસાર નહોતી કરતી. નઘુષને પણ સિંહિકાના આ પ્રયત્નથી સંતોષ અને આનંદ થતો હતો.
પુત્રનું નામ “સોદાસ' પાડવામાં આવ્યું.
સોદાસ પ્રતિદિન મોટો થવા લાગ્યો. તરુણવયમાં આવતાં કલાગુરુઓએ તેને અનેક પ્રકારની કલાઓ શીખવવા માંડી.
સોદાસ યુદ્ધકલામાં અતિ કુશળતા મેળવવા લાગ્યો. તેમાંય મંત્રસિદ્ધ અસ્ત્રોમાં તે ખૂબ પારંગત થવા લાગ્યો.
સોદાસની સર્વ કલાઓ પર સિંહિકા આત્મવિદ્યાનું ધ્યાન રાખતી હતી. દિવસનો મોટો ભાગ સોદાસ કુલગુરુઓની પાસે રહેતો, રાત્રે તે માતાની પાસે બેસતો અને સિંહિકા તેને આત્મજ્ઞાન આપતી. મનુષ્યજીવનમાં કરવાના ધર્મપુરુષાર્થને સમજાવતી. ભગવાન ઋષભદેવથી માંડીને અનેક મહાપુરુષોનાં ઉત્તમ પવિત્ર અને પરાક્રમી ચરિત્રો સંભળાવતી. સોદાસ ભારે ઉત્કંઠાથી અને રસથી તે સાંભળતો. તેના ચિત્તમાં પણ અનેક પવિત્ર મહાન કાર્યો કરવાના મનોરથ જાગતા, સિંહિકાને તે મનોરથો કહેતો પણ ખરો. સિંહિકા તેની વાતો સાંભળીને આનંદિત બની જતી.
બીજી બાજુ, સોદાસના કલાચાર્યો પાસે પુરોહિતનો પુત્ર આનંદ પણ વિદ્યાભ્યાસ માટે આવતો હતો, આનંદ સ્વભાવે પણ આનંદી હતો. સોદાસની સમાન વયનો હતો. સોદાસ સાથે તેની પ્રીતિ બંધાઈ. બંને વચ્ચે પ્રીતિ ગાઢ બનવા લાગી. મોટા ભાગે આનંદ સોદાસની સાથે જ ભોજન કરતો હતો. સાથે જ આરામ કરતો. સાથે જ બંને ફરવા જતા. પરંતુ આનંદનું ઘડતર જુદું હતું. આનંદને ખાવા-પીવામાં-ફરવામાં સોદાસ દ્વારા થતી ચીકાશ ગમતી નહિ, પરંતુ તે સોદાસને અપ્રીતિ ન થાય તે માટે સોદાસને પ્રિય હોય તેમ જ કરતો. સોદાસ ઘણી વાર આનંદને ખાવાપીવામાં ટોકતો પણ ખરો. પરંતુ તે આનંદને ગમતું નહિ. તે સાંભળી લેતો.
એક દિવસ સોદાસ અને આનંદ અશ્વારૂઢ બની ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં તેઓ દૂર નીકળી ગયા.
For Private And Personal Use Only