________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૫૯
પસાર થતો હતો, ત્યાં તમારી આ ઉદ્ઘોષણા સાંભળી, તમારી કન્યાને પરણવા અહીં આવ્યો છું!' લક્ષ્મણજીએ સાફ શબ્દોમાં પ્રત્યુત્તર આપ્યો.
‘હે પુરુષ, તું મારો શક્તિપ્રહાર ખમી શકીશ?'
‘એક નહીં પાંચ''
રાજમહાલયમાં વાત વાયુવેગે પ્રસરી ગઈ. અંતઃપુરમાં પણ રાણીને તથા રાજકન્યાને વાત મળી ગઈ. જિતપદ્મા ત્વરાથી રાજસભામાં આવી પહોંચી. રાજાની પાસે આસન પર બેસી તેણે લક્ષ્મણજીને નિહાળ્યા. પ્રથમ દર્શને જ જિતપમા લક્ષ્મણજી પ્રત્યે આકર્ષાઈ ગઈ. તેના અંગેઅંગમાં કામાગ્નિ પ્રગટી ગયો. તે અનિમેષ નયને લક્ષ્મણજીને પાંચ શક્તિપ્રહાર સહવાની વાત મૂકી, એ સાંભળી જિતપદ્મા વિહ્વળ બની ગઈ. તેણે પિતાજીને કહ્યું :
‘પિતાજી, આ મહાપુરુષ પર શક્તિપ્રહાર ન કરો. હું એમને મનથી વરી ચૂકી છું.’
‘નહીં, મારી શરત મુજબ હું શક્તિપ્રહાર કરીશ.' રાજાએ દૃઢતા બતાવી. ‘ભલે, એક નહીં પાંચ પ્રહાર કરો રાજન!' લક્ષ્મણજીએ હસતાં હસતાં કહ્યું. જિતપદ્મા થરથર કંપી ઊઠી. પિતાની શરત પર તેણે મનોમન ધિક્કાર વરસાવ્યો.
રાજા શત્રુદમને લક્ષ્મણજી પર પ્રથમ શક્તિપ્રહાર કર્યો. લક્ષ્મણજીએ નિશ્ચળતાથી તે સહન કર્યો. બીજો, ત્રીજો, ચોથો ચાર પ્રહાર થઈ ગયા. લક્ષ્મણજી અડગ હિમાદ્રિની જેમ ઊભા રહ્યા, પાંચમો પ્રહાર રાજાએ દાંત ઉપર કર્યો. તે પણ તેમણે સહી લીધો.
જિતપદ્મા આસન પરથી દોડી અને લક્ષ્મણજીના કંઠમાં વરમાળા આરોપી દીધી. રાજાએ કહ્યું:
‘હે વીરપુરુષ, મારી કન્યાને ગ્રહણ કરો.'
‘રાજન, હું પરતંત્ર છું. વડીલ બંધુની આજ્ઞા વિના તમારી કન્યા સાથે વિવાહ ન કરી શકું.'
‘વડીલ બંધુ કોણ છે? ક્યાં છે?'
‘દશરથનંદન શ્રી રામ મારા વડીલ બંધુ છે. તેઓ મૈથિલી સાથે બાહ્ય ઉપવનમાં વિશ્રામ કરી રહ્યા છે!'
લક્ષ્મણજીના આ શબ્દો સાંભળતા જ રાજા સિંહાસન પરથી સહસા ઊભા થઈ ગયા અને લક્ષ્મણજીને ભેટી પડ્યા.
For Private And Personal Use Only