________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૮૯ તે રત્ન મઢેલા આવાસમાં આવ્યો, પલંગમાં પડ્યો, પણ તેને નિદ્રા ન આવી. તેણે ભોજન ન કર્યું. દાસી ભોજનનો થાળ પાછો લઈ ગઈ. તે પલંગમાંથી બહાર આવ્યો. તે મહેલના ઝરૂખામાં ગયો. પૂર્વ દિશામાં આવેલા દેવરમણ ઉદ્યાન તરફ જોઈ રહ્યો. લંકાનો અધિપતિ! અર્ધભરત ક્ષેત્રનો વિજેતા! એક હજાર વિદ્યાઓનો સ્વામી! દશમુખ રાવણ આજે તરફડી રહ્યો છે. તેનું મન વિચારોના વમળમાં અટવાઈ ગયું છે. “ખરેખર, એ તેજપુંજ રામની ઉપસ્થિતિમાં હું સીતાનું હરણ ન કરી શકત. અવલોકની વિદ્યાના સહારે એને હું લઈ આવ્યો. એ માનતી નથી. હા, એક દિવસમાં શાની માને? થોડા દિવસ દેવરમણ ઉદ્યાનમાં રહેશે. અને ધીરે ધીરે રામને ભૂલી જશે. કેવી નમણી નાજુક એની કાયા છે! કાળી કાળી ભ્રમરો, આંખમાં તો જાણે આકાશના તારા ગોઠવાયા છે. કેવું રૂપ, કેવું લાવણ્ય... આહ, ક્યારે એના દેહને...' એને ચક્કર આવી ગયાં... તે ઝરૂખામાં બેસી ગયો.
સૂર્ય અસ્ત થઈ ગયો હતો, લંકાના મહાલયોમાં અને હવેલીઓમાં દીપકોની હારમાળાઓ ઝળહળી રહી હતી. લંકાના રાજમાર્ગો પર પ્રકાશ રેલાઈ ગયો હતો. પરંતુ રાવણના દિલમાં અંધકાર છવાયેલો હતો અને સીતાજીના હૃદયમાં પણ તિમિર છવાઈ ગયું હતું. રાવણ સીતા માટે ઝૂરતો હતો. સીતાજી શ્રી રામની યાદમાં આંસુ વહાવતાં હતાં.
મોહની કેવી વિટંબણા છે! કર્મોની કેવી વિચિત્રતા છે! રાવણને મોહવાસના સતાવી રહી હતી. સીતાજીને કર્મોની વિટંબણા સતાવી રહી હતી. જીવનમાં કર્મો કયારે ખળભળાટ મચાવે, તે કોણ જાણી શકે? સીતાજી અભિગ્રહ ધારણ ફરી, શ્રી રામના સમાચારની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. રાવણ એ પ્રતીક્ષા કરી રહ્યો હતો, કે ક્યારે સીતા માની જાય અને એને રાણી બનાવી લઉં!'
૦ ૦ ૦. ‘આર્યપુત્ર, આપ અહીં કેમ આવ્યા? મૈથિલીને એકલાં છોડી આપ કેમ આવ્યા?” લક્ષ્મણજીએ રામચન્દ્રજીને પોતાની તરફ દોડી આવતા જોઈ પૂછ્યું. “વત્સ, તારો સિંહનાદ સાંભળી હું દોડી આવ્યો. સંકટમાં સિંહનાદ કરવાનું મેં તને કહ્યું હતું.'
For Private And Personal Use Only