________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૭
જૈન રામાયણ
પુષ્પક વિમાન સમુદ્ર પરથી ઊડી રહ્યું હતું. સમુદ્રની મધ્યમાં આવેલા દ્વીપ ઉપર વિદ્યાધરકુમાર રત્નજટીએ સીતાજીના રુદનને સાંભળ્યું સીતાજીના મુખથી વારંવાર નીકળતા ‘હા રામ... હા લક્ષ્મણ...' શબ્દોથી રત્નજટીએ અનુમાન કર્યું કે ‘આ રામપત્ની સીતા જ હોવી જોઈએ. આ પુષ્પક વિમાન રાવણનું છે. જરૂર રાવણ સીતાનું અપહરણ કરી જતો લાગે છે. તેણે વિચાર્યું - ‘મારા માલિક રાજા ભામંડલની આ બહેન છે... મારે એને છોડાવવી જોઈએ.' રત્નજટીએ આકાશમાર્ગ લીધો. પુષ્પક વિમાન પાસે પહોંચી ગયો. પોતાનું ખડગ હવામાં ઘુમાવતો રત્નજટી રાવણ તરફ ધસ્યો.
‘દુષ્ટ, શું કાગડાની જેમ આમ સીતાને ઉપાડી જાય છે, પહેલાં મારી સાથે યુદ્ધ કર, પછી આગળ વધજે...'
પરંતુ બિચારો રત્નજટી, સહસ્ત્ર વિદ્યાઓના સ્વામી લંકાપતિની સામે એનું શું ગજું! રાવણે રત્નજટીની સર્વ વિદ્યાશક્તિઓને ક્ષણવારમાં હરી લીધી, રત્નજટી નિરાધાર બની નીચે તૂટી પડ્યો. તે નીચે કંબુદ્રીપ પર પડ્યો. મૂર્છા દૂર થતાં, તેણે કમ્બુપર્વત પર આશ્રય લીધો.
પુષ્પક વિમાન લંકાના માર્ગે ઊડી રહ્યું હતું. રાવણે વિમાનની ગતિ ધીમી કરી દીધી. તેણે સીતાજી સામે જોયું. તે કામાતુર બની ગયો હતો, પરંતુ સીતાજીની ઇચ્છા વિના તે બલાત્કાર કરવા ચાહતો ન હતો. તે સીતાજીની નજીક સરકયો.
‘હે મૈથિલી! તું શા માટે રુદન કરે છે? તારે હર્ષ પામવો જોઈએ કે રોવું જોઈએ? સમસ્ત વિદ્યાધર દુનિયાના સમ્રાટ રાજા દશમુખની તું રાણી બની છો.’ સીતાજીએ કાન પર હાથ દઈ દીધા. રાવણના નફટાઈભર્યા શબ્દો સાંભળવા તેઓ તૈયાર ન હતાં, પરંતુ વિષયવ્યાકુળ રાવણ તો બોલતો જ રહ્યો:
‘દેવી, તારા મંદ ભાગ્યથી વિધાતાએ તને વનવન ભટકતા ભિક્ષુક રામ સાથે જોડી! તારા માટે શ્રી રામ અનુકૂળ પતિ ન હતો. આજે મેં તને સુયોગ્ય સ્થાને મૂકી છે! તું લંકાની સામ્રાજ્ઞી બનીશ. ‘હે સીતા, તું એક વાર મને ‘સ્વામી' કહીને બોલાવ. બસ, હું તારો દાસ છું.' રાવણ સીતાનાં ચરણોમાં પડી ગયો. બે હાથ જોડી, દીનવદને તે સીતા પાસે કરગરી રહ્યો. સીતાજીના હૃદયમાં ઘોર ચિંતા, સંતાપ અને ઉદ્વેગ હતાં. રાવણ પ્રત્યે તિરસ્કાર અને ઘૃણા વરસાવતાં સીતાજીએ પોતાનું મુખ ફેરવી લીધું હતું.
રાવણ સીતાજીનાં ચરણોમાં પડી ગયો. સીતાજીએ તરત પોતાના પગ
For Private And Personal Use Only