________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪
આફતના ઓળા
સ્ત્રીને પોતાની રાણી બનાવવા આકાશ-પાતાલ એક કરતો! ચન્દ્રનખાએ રાવણ પર ધારી અસર પાડી.
‘ચન્દ્ર, ખરેખર તું સાચી બહેન છે. મને સુખી કરવાની તારી ઇચ્છાને કેટલા ધન્યવાદ આપું? હું હમણાં જ જઈને સીતાને લઈ આવું છું.'
શંબૂકવધના સમાચારની ગ્લાનિ, દુઃખ, શોક તો દૂર રહ્યાં. એ તો જાણે સાંભળ્યું ને ભુલાઈ ગયું! સીતાના રૂપની પ્રશંસાના શબ્દો એના કાળજે લખાઈ ગયા. ચન્દ્રનખા ત્યાંથી પાતાલલંકા પહોંચી ગઈ. રાવણે પુષ્પક વિમાન તૈયાર કરવા આજ્ઞા કરી અને સ્વંય સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરવા અરીસા ભવનમાં ચાલ્યો ગયો.
વિલંબ કર્યા વિના રાવણ વિમાનરાજ પુષ્પકમાં આરૂઢ થયો અને આજ્ઞા કરી. ‘વિમાનરાજ! જ્યાં જાનકી છે ત્યાં ત્વરાથી લઈ જા.’
પવનની ગતિથી પણ તીવ્ર ગતિવાળું પુષ્પક વિમાન રાવણને લઈ દંડકારણ્યમાં આવી પહોંચ્યું. વૃક્ષની ઘટામાં પુષ્પક વિમાનને મૂકી, રાવણ બહાર નીકળ્યો. દૂરથી તેણે શ્રી રામની પાસે સીતાજીને જોયાં. સીતાજીને જોઈને રાવણ સ્તબ્ધ બની ગયો. અનિમેષ નયને તે જોતો જ રહ્યો. તે વૃક્ષોના સહારે છુપાતોછુપાતો નજીક આવવા લાગ્યો. તેણે શ્રી રામને જોયા... અગ્નિને જોઈ જેમ વાધ ભડકીને ભાગે તેમ શ્રી રામના ઉગ્ર તેજને રાવણ સહી ન શક્યો. તે દૂર હટી ગયો. રાવણ વિમાસણમાં પડી ગયો. શ્રી રામની પાસેથી સીતાજીનું અપહ૨ણ કરવું તેને અશક્ય લાગ્યું. તે વિચારવા લાગ્યો : ‘શું કરું? એક બાજુ રામનો પરાભવ કરવો દુષ્કર છે, બીજી બાજુ સીતાનું અપહરણ કરવું છે!' તેણે ઘણો વિચાર કર્યો, પરંતુ કોઈ માર્ગ ન સૂઝ્યો. છેવટે તેણે વિદ્યાશક્તિનો આશ્રય લીધો. ‘અવલોકન' વિદ્યાનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાંની સાથે જ દાસીની જેમ ‘અવલોકની' વિદ્યા રાવણની સામે ઉપસ્થિત થઈ. ‘અવલોકની’ વિદ્યાએ બે હાથ જોડીને લંકાપતિને પ્રણામ કર્યા.
‘દેવી, હું સીતાનું હરણ કરવા ચાહું છું. મને સહાય કરો.'
‘લંકાપતિ, નાગરાજના મસ્તક પર રહેલું રત્ન લેવું સરળ છે, પરંતુ શ્રી રામની પાસે રહેલી સીતાનું અપહરણ કરવું અશક્ય છે. રાવણ, તું તો શું, દેવો કે અસુરો પણ શક્તિમાન નથી!'
દેવીના શબ્દો સાંભળી રાવણ વિલખો પડી ગયો. તેનું મન ખિન્ન બની ગયું. તેણે ચન્દ્રહાસ ખડગ દૂર ફેંકી દીધું અને દેવીના પગમાં પડી ગયો.
For Private And Personal Use Only