________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક પર. મિથિલા ભયમાં ?
પિંગલ દેવલોકમાં ગયા; પરંતુ અતિસુંદરીની સ્મૃતિને આત્માની સાથે લેતો ગયો. દેવલોકમાંથી તેણે અવધિજ્ઞાનના લોચનથી પોતાનો પૂર્વભવ જોયો.
અતિસુંદરીને ઉપાડી લઈ જનાર કુંડલમંડિત તેની જ્ઞાનદૃષ્ટિમાં ઝડપાઈ ગયો. તેણે કંડલમંડિતને અને અતિસુંદરીને મહારાજા જનકના અંતઃપુરમાં જન્મ પામેલાં જોયાં.
દ્વેષથી તે ધમધમી ઊઠ્યો. એક ક્રૂર વિચાર તેના હૃદયમાં જાગ્રત થયો. તે આવી પહોંચ્યો મર્યલોકમાં. જનકની મિથિલા ત્યારે રાત્રિની શ્યામ સાડી પહેરીને નિદ્રાધીન હતી. જો કે દરવાજા પર જાગ્રત સૈનિકો ચોકી કરી રહ્યા હતા, પરંતુ દુષ્ટ દેવને તે સૈનિકો રોકી શકે એમ ક્યાં હતા? એ તો પહોંચી ગયો સીધો અંતઃપુરમાં. - વિદેહાની સોડમાં તેનો લાડલો કુમાર અને પ્રિય કુંવરી ઊંધી રહ્યાં હતાં. પિંગલ-દેવે કુમારને ઉઠાવ્યો.
જે કુમારને જોઈ રાજા-રાણી રાજીના રેડ થઈ જતાં હતાં તે જ કુમારને જોઈ પિંગલ-દેવ દ્વેષનો દૈત્ય બની ગયો. આ છે જીવોના નસીબનાં નખરાં! એક ચાહે ને એક ટ્વેષ કરે! એક સન્માન આપે ને એક અપમાન કરે! એક ગુણ ગાય અને એક દોષ જુએ!”
પિંગલે બાલુડા એવા જન્મજાત કુમારને પથ્થરની શિલા પર પટકીને ખતમ કરી દેવાનો વિચાર કર્યો. પરંતુ આ ક્રૂર વિચારની સામે દયાનો અંકુર પ્રગટ્યો કારણ? પૂર્વભવમાં અંતિમ અવસ્થામાં સાધુજીવન જીવીને આવ્યો છે! તેના સંસ્કારો પણ થોડા ઘણા સાથે લેતો આવ્યો છે. તે વિચારે છેઃ
પૂર્વભવોમાં કરેલાં દુષ્કર્મોનું ફળ મેં અનેક ભવમાં ભોગવ્યું છે. દેવયોગે સાધુપણું પામ્યો, જેના પરિણામે આજે મને દેવપણું મળી ગયું. હજુ જો આ બાળહત્યાનું પાપ કરીશ તો અનંત ભવમાં મારો છુટકારો નહીં થાય.”
આ વિચારે તેના રોષને ઓગાળી નાંખ્યો. કુમારને તે પ્રેમભરી દૃષ્ટિએ જોવા લાગ્યો. કુમારના કાનમાં કુંડલ પહેરાવ્યાં. ગળામાં હાર પહેરાવ્યો. બે હાથમાં રત્નનાં કંકણ પહેરાવ્યાં. કુમારનું શરીર વિદ્યુતની જેમ ચમકવા લાગ્યું.
વૈતાઢ્ય પર્વત પર રથનૂપુર નગરના નન્દન વનમાં આવીને દેવે કુમારને એક સુંદર પુષ્પશય્યા પર સુવાડી દીધો અને દેવ ચાલ્યો ગયો.
For Private And Personal Use Only