________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૬
વન-ગમન
મંત્રીઓ મૌન રહ્યા. રામચન્દ્રજીના કથન પર વિચારમાં પડી ગયા. વળી એક નવો વિચાર મહામંત્રીના મુનમાં જાગ્યો.
‘કુમાર, વરદાન માગનાર જ્યારે કહી દે ‘મારું વરદાન મળી ગયું, પછી એને વરદાન આપ્યું ન કહેવાય? કૈકેયી પોતે હૃદયથી ચાહે છે કે આપ અયોધ્યા પધારો અને રાજગાદી સ્વીકારો.'
‘એ શક્ય નથી. પ્રતિજ્ઞા મેં કરી છે અને એમાં પરિવર્તન શક્ય નથી. આપ સહુ મને આગ્રહ ન કરો અને અયોધ્યા પાછા વળો.’
શ્રી રામે ત્યાંથી પ્રયાણ કર્યું, મંત્રીઓ અને સામંતો સાથે ચાલવા લાગ્યા. એમને પાછા વળવા માટે શ્રી રામે વારંવાર સમજાવ્યું છતાં એ પાછા ન વળ્યા. તેમને આશા હતી કે ‘રામ પાછા વળશે.' આશામાં ને આશામાં તેઓ સાથે ચાલવા માંડ્યા.
પારિયાત્ર નામની અટવીના નાકે સહુ આવી પહોંચ્યા. પારિયાત્ર પર્વતની આ અટવી એટલે જ્યાં એક પણ મનુષ્ય ન મળે! ક્રૂર-ભયંકર પશુઓનાં ટોળેટોળાં જ્યાં દેખાય!
પારિયાત્ર અટવીમાં પ્રવેશ કરતાં પહેલાં ‘ગંભીરા' નદીને ઓળંગવી પડે. ભીષણ આવર્તો અને અમર્યાદ જ્વરાશિ! રામ-લક્ષ્મણ અને સીતાજી ગંભીરાને કાંઠે ઊભાં રહી ગયાં, શ્રી ૨ામે સૌને સંબોધીને કહ્યું:
‘અહીંથી તમે પાછા વળો. કારણ કે અહીંથી વિકટ માર્ગ શરૂ થાય છે. પિતાજીને અમારી કુશળતાના સમાચાર કહેજો અને ભરતની આજ્ઞાનું અનુસરણ કરજો, જેવી રીતે તાતપાદની અને મારી સેવામાં તમે તત્પર છો એવી રીતે ભરતની સેવામાં તત્પર બનજો.'
સચિવો રડી પડ્યા. ગંભીરાનો જલપ્રવાહ પણ ગંભીર બનીને વહી રહ્યો હતો. ‘અમને ધિક્કાર હો. અમે શ્રી રામચરણોની સેવા માટે સાવ અયોગ્ય છીએ, અપાત્ર છીએ...' આંસુઓથી સચિવો-સામંતોનાં વસ્ત્રો ભીંજાઈ ગયાં હતાં.
કમલવત્ કોમલ હૃદયના શ્રી રામ આજે વજ્રવર્તે કઠોર બની ગયા હતા. સચિવો અને સામંતોને રડતા ઊભા રહેવા દઈ શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજી સાથે નાવમાં બેસી ગયાં. જ્યાં સુધી નાવ સામા કિનારે પહોંચી ત્યાં સુધી સચિવો અને સામંતો ત્યાં જ ઊભા રહ્યા, સંપૂર્ણ મૌન ધારણ કરીને અને જ્યાં દૃષ્ટિપથમાંથી તેઓ દેખાતાં દૂર થયાં, ભાંગેલા હૈયે સચિવો ને સામંતોએ ત્યાંથી વિદાય લીધી.
For Private And Personal Use Only