________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ 9૧.પહેલો વિસામો :
અવન્તી દેશના પ્રદેશમાં શ્રી રામે પ્રવેશ કર્યો. તેઓ આગળ ને આગળ વધતા જાય છે. પ્રભાતનો સમય વીતતો જાય છે. સૂર્યનો તાપ વધતો જાય છે. સીતાજીની ગતિ ધીમી પડે છે.
આર્યપુત્ર, આપણે થોડો સમય અનુકૂળ જગ્યાએ વિશ્રામ કરીએ.” સીતાજીએ શ્રી રામને પ્રાર્થના કરી.
“સામે દેખાય છે ત્યાં વટવૃક્ષની ઘેરી છાયા છે, ત્યાં ચાલીએ.' ત્રણેય એ દિશામાં ચાલ્યાં. વટવૃક્ષ નીચે પડાવ નાખ્યો. સીતાજીએ પોતાનું ઉત્તરીય વસ્ત્ર બિછાવ્યું. એના ઉપર શ્રી રામ બેઠા અને એક બાજુએ સીતાજી પરિશ્રમ દૂર કરવા બેઠાં.
રામચંદ્રજી આજુબાજુના પ્રદેશનું અવલોકન કરે છે. તેમને લાગ્યું કે, “આ પ્રદેશ હમણાં જ ઊજડી ગયો લાગે છે, આ ખાલી મકાનો અને બગીચાઓ, કોઈના ભયથી અચાનક નાસભાગ થઈ હોય તેવું લાગે છે. તેમણે લક્ષ્મણજીને કહ્યું.
સૌમિત્રી! જુઓ આ ઉદ્યાનો, ઈસુવાટિકાઓ, ધાન્ય ભરેલાં ખળાંઓ, આ બધું જોતા એમ લાગે છે કે આ પ્રદેશ તાજેતરમાં જ નિર્જન થયો છે. કોઈ ભયથી બધું જેમનું તેમ પડતું મૂકીને લોકો ભાગી ગયા છે.”
આર્યપુત્ર જે કહે છે તે સાચું છે. આ પ્રદેશને જોતાં એમ જ લાગે છે.' બંને ભાઈઓ પુનઃ એ પ્રદેશને નિહાળવા લાગ્યા. ત્યાં કોઈ મુસાફરને જતો જોઈ શ્રી રામ એની નિકટ ગયા, મુસાફર ઊભો રહ્યો. શ્રી રામે એને પૂછયું: “પુણ્યશાળી, હું તારી પાસે કાંઈક જાણવા માગું છું.” મુસાફરે શ્રી રામ સામે જોયું. રામચંદ્રજીના પુણ્ય પ્રભાવથી તે પ્રભાવિત થયો. “મહાપુરુષ, પૂછો. હું જાણતો હોઈશ તે બધું કહીશ.'
રામચંદ્રજી મુસાફરને વટવૃક્ષની નીચે લઈ આવ્યા. સહુ ત્યાં બેઠાં. રામચંદ્રજીએ પૂછયું.
આ પ્રદેશ નિર્જન કેમ બન્યો? ક્યારથી બન્યો? અને તું ક્યાં જઈ રહ્યો છે?”
મહાપુરુષ આપની આકૃતિ સૂચવે છે કે આપ કોઈ ઉત્તમ કુળના શણગાર છો. આપના પ્રશ્નોના જવાબ હું આપું છું પરંતુ...' “પરંતુ શું? કેમ અચકાય છે?'
For Private And Personal Use Only