________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૪૭ વળી શ્રી રામ પાસે હું એકલો નહીં જાઉં. સુશર્માને પણ સાથે લઈ જાઉં. પરંતુ પેલી સ્ત્રીએ કહ્યું છે તે મુજબ મારે શ્રાવક બનવું પડશે. શ્રાવક બનવું એટલે જૈનધર્મને અંગીકાર કરવો, જૈનધર્મ મારે સમજવો જોઈએ. તે માટે મારે જૈન મુનિ પાસે જવું જોઈએ.'
કપિલે ત્યાંથી પાછો વળ્યો. અરુણ ગામે આવ્યો. ત્યાં તેણે જૈનમુનિની તપાસ કરી, અરુણ ગામેથી થોડે દૂર એક ઉદ્યાનમાં કોઈ મહાજ્ઞાની મુનિરાજ હોવાના સમાચાર મળતાં જ કપિલ સીધો ત્યાં ગયો. તેણે મુનિરાજને જોયા. પ્રથમ દર્શને જ એનું હૃદય ઝૂકી પડ્યું. તે વિનયપૂર્વક એ મહામુનિ પાસે બેઠો. મહામુનિએ એને ધર્મ સમજાવ્યો. સર્વજ્ઞ વીતરાગ ભગવંતનું સ્વરૂપ બતાવ્યું. નિગ્રંથ સાધુતા અને દયામૂલક ધર્મ સમજાવ્યો. બાર વ્રતમય શ્રાવક જીવનને જીવવાનું શીખવ્યું. કપિલને અદ્દભુત આનંદની અનુભૂતિ થઈ રહી હતી. તેને મુનિવરનાં વચનો ખૂબ પ્રિય લાગી રહ્યાં હતાં. તેણે મુનિ પાસે બારવ્રતમય શ્રાવક જીવન જીવવાની પ્રતિજ્ઞા કરી. મહામુનિના ચરણે પુન: વંદન કરી એ ઘરે આવ્યો. કપિલે સુશર્માને બધી વાત કરી. સુશર્મા પણ શ્રાવિકા બની. કપિલ અને સુશર્મા' સુશ્રાવક અને સુશ્રાવિકા રામપુર તરફ ઊપડ્યાં, આશા અને કોડ લઈને રામપુરીના પૂર્વ ધારે પહોંચ્યાં. ભગવંત જિનેશ્વરનાં દર્શન કર્યા. રક્ષક યક્ષોએ તેમને પ્રવેશ આપ્યો. તેઓ સીધા રાજવેશ્મ તરફ ગયાં.
શ્રી રામની રાજસભા ખૂલી હતી. કપિલે રાજસભામાં પ્રવેશ કર્યો. તેમણે રાજસિંહાસન તરફ જોયું. તે કંપી ઊઠ્યો, તેની આંખો પહોળી થઈ ગઈ. તેના મુખમાંથી મોટી ચીસ નીકળી ગઈ, તે ત્યાંથી ભાગી નીકળવાની પેરવીમાં પડ્યો. લક્ષ્મણજીએ કપિલને જોયો, સુશર્માને જોઈ. તેમના મુખ પર સ્મિત આવી ગયું.
“અરે દ્વિજ, તું કેમ ભય પામે છે? તારે શું જોઈએ છે? ભય ન પામ. માગ, શું જોઈએ છે?'
સૌમિત્રીનાં મીઠાં વચન સાંભળી કપિલને સાંત્વના મળી. તે શ્રી રામ પાસે ગયો, આશિષ આપી અને સેવકોએ આપેલા આસને બેઠો. ‘હે બ્રાહ્મણ! તું ક્યાંથી આવે છે?' શ્રી રામે પૂછ્યું.
અરે, તમે મને નથી જાણતા? હું અરુણગ્રામવાસી પેલો બ્રાહ્મણ! તમે મારા ઘરે અતિથિ હતા, મેં દુર્જને દુષ્ટ વચનોથી આપનું અપમાન કરેલું...' પછી
For Private And Personal Use Only