________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ.
४८३ કરી, તો એણે એવો ઉપાય બતાવ્યો કે જેમાં એના પુત્ર ભામંડલનું મન પણ જળવાયું અને તમારી વાત પણ રહી! વળી, જ્યારે રામ અને લક્ષ્મણે ધનુષ્યો ઉઠાવી લીધા પછી ચન્દ્રગતિએ ન તો રોષ કર્યો કે ન તો પોતાના બલનો પ્રયોગ કર્યો! આ ચન્દ્રગતિની ઉત્તમતા છે. હું આ વાત કરી રહ્યો છું, એનું કારણ મારો પોતાનો પણ અનુભવ છે કેકયીના સ્વયંવરનો! અરે, તમે પણ સાથે જ હતા ને! જોયું હતું ને ત્યાં અન્ય રાજાઓનું વર્તન?
બંને મિત્રો પોતાના ભૂતકાળનાં સંસ્મરણોમાં ઊતરી પડ્યા. કોઈ જૂની વાતો સંભારી...હસ્યા...ગંભીર બન્યા અને સુખ-દુઃખનાં સંવેદન અનુભવ્યાં. - “રાજન, મનુષ્યની કેવી જિંદગી છે! જાણે આ સંસાર એક અભિનયમંચ છે. દરેક મનુષ્ય અમુક ચોક્કસ પ્રકારના સંસ્કારોના પાઠ લઈને મંચ પર આવે છે અને તે તે સંસ્કારોથી પ્રેરણા પામી અભિનય કરે છે. હસે છે, રડે છે, ખાય છે, પીએ છે, હિંસા કરે છે. અહિંસાનું પાલન કરે છે, જૂઠ બોલે છે, સત્ય બોલે છે... આ બધું શું છે? એક અભિનય! એની પાછળ કર્મસત્તાનું દિગ્દર્શન છે. પ્રેરક કર્મસત્તા છે. એ કર્મસત્તાની ગુલામીમાં રહેલા જીવને આ રીતે ભિન્ન ભિન્ન વેશમાં, ભિન્ન ભિન્ન દેહમાં, ભિન્ન ભિન્ન ભાવમાં આ સંસારના રંગમંચ ઉપર આવીને અભિનય કરવા પડે છે. સારાઈ અને બૂરાઈ બધો અભિનય છે. ઉચ્યતા અને નીચતા પણ અભિનય છે. કર્મસત્તા જે જે પાઠ આપે છે, જીવને તે ભજવવો પડે છે.
આનો અંત ત્યારે જ થઈ શકે, કે જ્યારે કર્મસત્તામાંથી મુક્ત બનવામાં આવે, તે મુક્ત બનવાનો પુરુષાર્થ કરવાનો અવસર આ માનવજીવનમાં જ છે. તે માટેનો કાળ પણ હવે આવી લાગ્યો છે.'
દશરથ પલંગ પર બેઠા હતા. તેમના મુખ પર દીપકોનો પ્રકાશ પડતો હતો. મહારાજા જનક દશરથના મુખ પર થતા ભાવપરિવર્તનને જોઈ રહ્યા હતા. જનકે દશરથની વાતમાં સંમતિ આપતાં કહ્યું: “સાચી વાત છે. આ જીવન એટલે એક લાંબું નાટક જ છે. આપણે સહુ અભિનેતા છીએ, અનંત કાળથી અભિનય કરી રહ્યા છીએ.'
જનકે એક લાંબો નિ:શ્વાસ નાંખ્યો અને દશરથને થોડો સમય આરામ કરી લેવા કહી, બંને સૂઈ ગયા. અંતિમ પ્રહર નિદ્રા લઈ જ્યારે તેઓ જાગ્યા ત્યારે સામે નતમસ્તકે રામ-લક્ષ્મણ ઊભા હતા. બંનેએ પ્રથમ દશરથનાં ચરણોમાં શિર ઝુકાવી ચરણસ્પર્શ કર્યો, પછી જનકનાં ચરણોમાં. દશરથ અને જનકે આશીર્વાદ આપ્યા.
For Private And Personal Use Only