________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦
વન-ગમન
ખસી ગઈ, પરંતુ એ દ્વારમાંથી નીકળી જતા લક્ષ્મણને જોવાની હિંમત હારી ગઈ અને પલંગમાં મોં દબાવીને રોવા લાગી.
અયોધ્યાના, અદ્વિતીય અયોધ્યાના એ મનોહર ભવ્ય મહેલમાંથી શ્રી રામ, લક્ષ્મણ અને સીતા નીકળી ગયાં. એ કેવો દિવસ હશે? આકાશમાં પ્રકાશી રહેલો સૂર્ય વાદળોમાં છુપાઈ ગયો હશે. અયોધ્યાપતિ દશરથની મનઃસ્થિતિ કેવી અસ્વસ્થ અને દુ:ખપૂર્ણ હશે? કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભાના વિરહકલ્પાંતે મહેલના એક એક પથ્થર અને ઈંટમાં પણ વિષાદ અને શોક ભરી દીધાં હશે. ભરત અને શત્રુઘ્નની હૃદયદ્રાવક વેદનાઓએ એ દિવસે કોને ગદ્ગદ્ નહીં બનાવ્યા હોય? અયોધ્યાનો રાજમહેલ એ દિવસે શોકસાગરમાં ડૂબી ગયો હશે. એનું યથાર્થ વર્ણન આજે આપણને મળતું નથી. જો કોઈ કેવળજ્ઞાની એનું વર્ણન આજે કરે તો હજારો, લાખો વર્ષ પછી આજે પણ આપણે ધ્રુસકે ધ્રુસકે રડી પડીએ અને એ અયોધ્યાના શોકાકુલ રાજપરિવારના મહાદુઃખમાં સહાનુભૂતિ ધરાવીએ.
લક્ષ્મણજી બાણમાંથી છૂટેલા તીરની ત્વરાથી શ્રી રામ અને સીતાજીને જઈ
મળ્યા.
સાદા વસ્ત્રોમાં સજ્જ થઈને નીકળી પડેલા શ્રી રામના મુખમંડળ પર પ્રતિજ્ઞા-પાલનના આનંદની અનુભૂતિ અંકિત હતી. સીતાજીનું મુખકમલ પતિચરણોમાં પ્રફુલ્લિત હતું. લક્ષ્મણજીના મુખ ઉપર રામાનુસરણની પ્રસન્નતા પ્રસ્ફુરિત હતી. જાણે ત્રણેય સ્વજનો વિલાસોપવનમાં ક્રીડા કરવા ન જતા હોય! વનવાસની વાટે ત્રણેય ચાલી નીકળ્યાં હતાં.
પરંતુ અયોધ્યાનાં લાખો નરનારીઓના જાણે પ્રાણ ચાલ્યા જતા હોય તેવી દુ:ખી દશા સર્જાઈ ગઈ. જે સ્ત્રીએ, પુરુષે અને જે બાળકે જાણ્યું કે રામલક્ષ્મણ-સીતા વનવાસના વાટે ચાલ્યાં ગયાં છે. તે સહુ ઘરમાંથી નીકળીને તેમની પાછળ દોડી આવ્યાં, ‘કેમ શ્રી રામ વનમાં જાય છે? સીતાજીને પણ વનવાસ? આવા પરાક્રમી લક્ષ્મણજીને વનમાં જવાનું શું કારણ?......’ અનેક પ્રશ્નો જનમાનસમાં ઊઠવા લાગ્યા અને એકબીજાને પૂછવા લાગ્યાં.
‘મેં સાભળ્યું કે ભરતની માતા કૈકેયીએ જ આ તોફાન ઊભું કર્યું છે. કૈકેયી દુષ્ટ નીકળી...' એક નવજવાન બોલી ઊઠ્યો. એના મુખ પર રોષ અને વિષાદ ઊભરાયો હતો. તેની પાસે ઊભેલો શોકમગ્ન પુરુષ કે જે આધેડ વયનો હતો; તેણે પેલા નવજવાનના શબ્દો સાંભળ્યા. તેણે આકાશ સામે જોયું. એક દીર્ઘ નિસાસો નાંખ્યો, અને બોલ્યો.
For Private And Personal Use Only