________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૭૩
‘રથનૂપુરનું ઉદ્યાન મને ખૂબ ગમી ગયું તેથી ત્યાં જ મુકામ કર્યો, નહીંતર અહીં આવવામાં મને ક્યાં પ્રતિબંધ છે? ’
‘પ્રભુ, ભામંડલને આપે જે ચિત્ર ભેટ કર્યું છે, એના વિષે હું કંઈક વિશેષ પૂછવા માગું છું.' ચન્દ્રગતિ મૂળ વાત પર આવ્યા.
‘જરૂર રાજન, આપ પૂછી શકો છો.' નારદજી પણ એ જ વાત ચાહતા હતા! ‘એ ચિત્ર કઈ કન્યાનું છે? એના પિતા કોણ છે? એનો દેશ કયો...?’ ‘રાજન મિથિલાપતિ મહારાજા જનકની પુત્રી સીતાનું એ ચિત્ર છે. વિદેહાપુત્રીને જેવી મેં જોઈ છે, તેવી ચિત્રમાં હું સંપૂર્ણ ન્યાય આપી શકયો નથી. હું ચિત્રકલામાં નિપુણ કલાકાર નથી. આ તો જેવું મને આવડ્યું તેવું ચીતરી નાખ્યું છે. બાકી હે વિદ્યાધરપતિ, સાચે જ એ લોકોત્તર કન્યા છે.
‘હું સમગ્ર મનુષ્યલોકમાં ફર્યો છું, અનેક દેવીઓ અને નાગકન્યાઓ પણ મેં જોઈ છે, પરંતુ જે રૂપ-સૌન્દર્ય સીતામાં છે, તે મેં ક્યાંય જોયું નથી. એના મુખ પર સૌન્દર્યની છટા છે, એની વાણીમાં મધુરતા છે, એના હાથમાં કમલની લાલિમા છે અને પદતલમાં કેળની કોમળતા છે...'
‘વિશેષ શું કહું? મારી પાસે શબ્દો નથી કે જેથી હું તેના યથાર્થ રૂપનું વર્ણન કરી શકું. મારી પાસે એવા રંગો નથી કે જેથી તેનું યથાર્થ રૂપ ચિત્રમાં બતાવી શકું...’ નારદજી બોલતા જતા હતા અને વચ્ચે વચ્ચે ભામંડલ તરફ જોતા હતા. ‘રાજન, જ્યારથી મેં એ કન્યારત્ન જોયું, ત્યારથી મને લાગ્યું કે આ રત્ન તો ચન્દ્રગતિના નંદન ભામંડલના કંઠમાં જ શોભે, તેથી મેં એનું ચિત્ર બનાવ્યું અને કુમારને ભેટ કર્યું.'
‘જરૂ૨ દેવર્ષિ, એ કન્યારત્ન મારા ભામંડલને પ્રાપ્ત થશે. આપની ભાવના સફળ બનશે.
‘રાજન તમારું કલ્યાણ હો.'
નારદજી ઊઠ્યા, તેમનું હૃદય પ્રતિકારની ભાવનાની પૂર્ણતા પર ખુશ બની ગયું. ચન્દ્રગતિએ નારદજીને ભક્તિપૂર્વક વિદાય આપી અને નારદજી વૈતાઢ્યનાં બીજા નગરોની સફરે ઊપડી ગયા. તેમણે માની લીધું કે વિદ્યાધર રાજા ચન્દ્રગતિ પોતાના એકના એક પ્રાણપ્રિય પુત્ર માટે હવે જરૂ૨ સીતાનું અપહરણ કરશે. ચન્દ્રગતિની અગાધ શક્તિ આગળ જનકને ઝૂકવું પડશે...બસ! સીતાના મનનો સ્વપ્નલોક નષ્ટ-ભ્રષ્ટ થઈ જશે! મારા અપમાનનો બદલો પૂરો મળી જશે!' ભવિતવ્યતાના ઊંડા ભેદ નારદજી પણ શું જાણે!
For Private And Personal Use Only