________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૫૧. સીતાનો જન્મ
અયોધ્યા-આગમન પછી ઘણા દિવસો, ઘણા મહિના વીત્યા હતા, પરંતુ મગધ-સામ્રાજ્યની સ્મૃતિ રાજકુલ પર તેવી જ તાજી હતી, ત્યાં શુભસ્વપ્નથી સૂચિત એક પુત્રરત્નનો કૈકેયીએ જન્મ આપ્યો એનું નામ રાખવામાં આવ્યું ભરત. રાણી સુપ્રભાએ પણ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. જેનું નામ પાડવામાં આવ્યું શત્રુઘ્ન. ભરત અને શત્રુઘ્નની જોડી એટલે જાણે બીજા બલદેવવાસુદેવ! જ્યારે જુઓ ત્યારે બે સાથે જ હોય. આમ રામ-લક્ષ્મણ પણ ભરતશત્રુઘ્નની જોડીને સુંદર દૂર સુદૂર સ્થાનોમાં લઈ જતા અને અપાર સ્નેહમમતાથી સ્વપરના હૃદયને ભરી દેતા.
મહારાજા દશરથ ચાર ચાર પુત્રોને જોઈ અદ્ભુત આનંદની અનુભૂતિથી પ્રસન્ન બની જતા.
આ જંબુદ્રીપની વાત છે.
‘દારૂગ્રામ’ નામનું એક નગર હતું. વસુભૂતિ નામનો એક બ્રાહ્મણ, ‘અનુકોશા’ નામની તેની ભાર્યા સાથે ત્યાં વસે,’
‘અતિભૂતિ’ તેમનો એકનો એક લાડકવાયો પુત્ર હતો. ‘સરસા’ નામની એક ખૂબસૂરત છોકરી સાથે તેનું લગ્ન થયું.
‘કયાન’ નામનો બ્રાહ્મણ યુવાન અતિભૂતિનો મિત્ર હતો, એકબીજાના ઘરે આવવા-જવાનું સ્વાભાવિક હતું; પરંતુ જ્યારથી અતિભૂતિનું લગ્ન થયું, ત્યારથી કયાનની અવર-જવર વધી ગઈ. સરસાનું રસપૂર્ણ સૌન્દર્ય કયાનને સોયાની જેમ કોચવા માંડ્યું. મિત્રપત્ની તેને મીઠી લાગી ગઈ,
સ્મરાતુર મનુષ્ય શું નથી કર! કયાને સરસાને ગમે તે રીતે ભગાડી જવાનો વિચાર કર્યો. તેણે એક યોજના પણ બનાવી લીધી. યોજનાનુસાર એક દિવસ સરસાને લઈ કયાન ભાગી ગયો. અતિભૂતિ મિત્રવિશ્વાસે રહ્યો. કયાને વિશ્વાસઘાત કર્યો.
કયાનને પહેલાં અતિભૂતિ પ્રત્યે સ્નેહ હતો; પરંતુ સરસા પ્રત્યે તેનો રાગ વધી ગયો. એ રાગે સરસાની પ્રાપ્તિ માટે કયાનને ઉશ્કેર્યો...એ ઉશ્કેરાટ કયાન શમાવી ન શક્યો. એ ઉશ્કેરાટમાં મિત્રવિશ્વાસને તે ભૂલી ગયો. સરસાને ઉઠાવી જવા પાછળ અતિભૂતિની મનોદશાનો તેણે વિચાર ન કર્યો અથવા તો તે વિચાર કયાન ફરી ન શક્યો.
For Private And Personal Use Only